- સંતાનોને સલાહ સૂચન ઓછા, જરુરી, ટુંકાણમાં અને તેની ભૂતકાળની ભૂલો યાદ કર્યા વિના આપો.
- સલાહમાં તમારા વિચારો જણાવી નિર્ણય તેને લેવા દો. તે ખોટો નિર્ણય લેતો હોય તો પણ માતાપિતાએ વચ્ચે નાં આવવું. તેના જાતે લીધેલા નિર્ણયમાં તે સફળ થશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. તેના નિર્ણયમાં તે સફળ નહીં થાય તો તે નવું શીખશે. બીજી વખત ઓછી ભૂલો કરશે અને એ વખતે તેને યાદ આવશે કે માતા પિતા સાચું કહેતા હતા અને તેમની વાતો અમુક વખતે સાંભળવી–વિચારવી જોઈએ. સંતાનની નિષ્ફળતાના સમયે માતાપિતાએ ‘અમે તો કહેતા જ હતા’, ‘તે અમારું માન્યું નહીં એટલે આવું થયું’ તેવા વિધાનોનો ઉપયોગ ના કરવો પણ તેને તકલીફમાંથી બહાર લાવવા મદદ કરવી.
- સંતાનને ભણતર સાથે ‘સ્કીલ’ અર્થાત કૌશલ્યો સાથે રાખી શીખવવા. ગેસનો બાટલો બદલવો, રસોઈ, વાહન ચલાવતા શીખવવું, બેંકના કામો, ઈસ્ત્રી કરવી, કપડાને ગડી વાળવી કે સાફ–સફાઈના નાના મોટા કામો સાથે કરવાથી તેની સાથે પણ રહેવાશે અને એકબીજાને સમજવાની તક પણ મળશે.
- છેલ્લો મુદ્દો મારા મત પ્રમાણે સૌથી અગત્યનો છે. ટીનએઈજ બાળકોના માતાપિતાએ એકબીજા પ્રત્યે પ્રેમાળ રહેવું. જે ટીનએઈજ બાળકોએ પોતાના માતાપિતાને પ્રેમ કરતા, એકબીજા માટે જતું કરતા, એકબીજાનો સમય સાચવતા તેમજ ભૂતકાળની ભૂલોને ભૂલતા જોયા છે તે બાળકો આગળ જતા વધુ સમર્પિત, પોતાના કૌટુંબિક જીવનમાં સફળ તેમજ સામાજિક રીતે સફળ થઈ શકે છે. જે બાળકોએ પોતાની માતાપિતા વચ્ચે તાણ અને ઝગડા જોયા છે તેઓ હતાશ, સંકુચિત મનોવૃત્તિવાળા અને અવિશ્વાસુ થઇ શકે છે.
માતાપિતા પોતાને સમયસર બદલશે તો દુખી થવાનો સમય નહીં આવે. સંતાનોની ટીનએઈજ એટલે માતાપિતાની ચોકીદાર તરીકેની ભૂમિકામાંથી માર્ગદર્શક તરીકેની ભૂમિકા કરવાનો સમય.