સપ્ટેમ્બર ૨૦૧૮ : ભારતની બોક્સિંગ ચેમ્પિયન મેરીકોમ સિલેસીઓન ટુર્નામેન્ટ રમવા રાત્રે ૩.૩૦ વાગ્યે પોલેન્ડ પહોંચ્યા. ૩૫ વર્ષીય ત્રણ બાળકોની માતા એવી મેરીકોમને પોલેન્ડ પહોંચીને જાણ થઇ કે ટુર્નામેન્ટના નિયમ અનુસાર કદાચ ૪૮ કિગ્રા વજન અપર લિમિટ હોઈ શકે. તેનું વજન ૫૦ કિગ્રા હતું. તેને લાગ્યું કે બે કિગ્રા વધુ વજનને લીધે તે કદાચ ટુર્નામેન્ટ રમવા ડીસક્વોલિફાય થઇ શકે છે.
મેરીકોમ અગાઉ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકી હતી અને ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિજેતાઓની જીત કરતા જીત મેળવવાની જર્ની અદભુત હોય છે. પ્રતિભા ક્યારેય આકસ્મિક નથી હોતી. સંસ્કાર, તાલીમ અને કઠોર પરિશ્રમનું પરિણામ હોય છે.
સવારે ૭.૩૦ વાગ્યે ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓનું વજન ચેક થવાનું હતું. મેરીકોમ પાસે ચાર કલાક હતા. અન્ય કોઈ ખેલાડી હોય તો જેટ લેગને કારણે આરામ કરવાનું પસંદ કરે પણ આ તો મેરી કોમ હતી. તેણે સળંગ 1 કલાકથી વધુ સમય દોરડા કુદ્યા. તેના આ પ્રયત્નને કારણે તેણે બે કિલો વજન ઓછુ કરી બતાવ્યું. નિષ્ણાતોના મતે આ ખરેખર વેઇટ લોસ નહીં પણ વોટર લોસ હોઈ શકે. જે હોય તે પણ મેરીકોમ ક્વોલીફાય પણ થઇ અને ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. ૨૦૧૮ ના વર્ષમાં તેનો બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડ મેડલ હતો.
લગભગ ૧૦ વર્ષ પહેલા પ્રખ્યાત ટીવી.નાયિકા અપરા મહેતાનો એક વખત રાત્રે ૯ વાગ્યાનો અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શો હતો. તેઓદેવદાસના શુટિંગમાંથી ફ્રી થઈ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે સાંજનાસાત વાગી ચુક્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવીને ટ્રાફિક ના નડે અને હોલ પરઝડપથી પહોંચી શકાય એટલે તેમણે અમદાવાદ ખાતે સુચના આપી રાખી કે તેમના માટે કાર નહીં પણ ટુ વ્હીલરની વ્યવસ્થા કરી રાખે. અમદાવાદ એરપોર્ટથી ઠાકોરભાઈ હોલ સુધી બાઈક પર ટ્રાવેલિંગ કરી તેઓએ નાટકનો સમય સાચવી લીધો.
સફળ કલાકાર અને રમતવીરોએ જીવનમાં ઘણા રોલ પોતાની અંગત વસ્તુઓનો ત્યાગ કરીને નિભાવવા પડતાહોય છે. આપણે ખાલી તેઓની સિદ્ધિ જોઈ શકીએ છીએ પણ તે મેળવવા તેમણે કરેલી તપશ્ચર્યા આપણા ધ્યાનમાં નથી આવતી.
છેલ્લો બોલ : જીતનારા કદી મેદાન છોડતા નથી અને હારવાની શક્યતા સાથે મેદાનમાં ઉતરનારા કદી જીતતા નથી.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૮ – ૧૪/૦૬/૨૦૨૦