એક ફેકટરીમાં એક ભાઈ શનિવારે સાંજે છુટવાના સમયે તેમનું મશીન બગડ્યું આથી તેને સરખું કરવામાં મશગુલ થઇ ગયા. તેમને સમયનું ભાન ના રહ્યું. મશીન રીપેર થઇ ગયું, પણ પછી તેમનું ધ્યાન ગયું કે બધા જ માણસો ફેકટરીમાંથી ચાલ્યા ગયા છે. મુખ્ય દરવાજો પણ બંધ થઇ ગયો છે. હવે કોઈ આવીને મુખ્ય દરવાજો ખોલે તેવી આશા નહીવત હતી. તેમને લાગ્યું કે સોમવાર સવારે આવીને કોઈ આ દરવાજો ખોલે ત્યાં સુધી હવે અંદર જ પુરાયેલા રહેવું પડશે.
તેમણે સાચા દિલથી પ્રભુને યાદ કર્યા. ત્યાં એક ચમત્કાર થયો. બારણું ખુલવાનો અવાજ અને પ્રકાશ બારણામાં રેલાયો. ફેક્ટરીનો ચોકીદાર અંદર દાખલ થયો. તેમણે કહ્યું, ‘અરે તું અંદર અને આ સમયે ક્યાંથી?’ ચોકીદારે જવાબ આપ્યો, ‘તમને શોધવા જ હું અંદર આવ્યો’. ભાઈ ને વધુ આશ્ચર્ય થયું, અને ચોકીદારને પૂછ્યું, ‘તને એવું કેવી રીતે લાગ્યું કે હું અંદર રહી ગયો હોઈશ?.’
ચોકીદારનો જવાબ ખુબ હ્રદયસ્પર્શી હતો, ‘ સાહેબ આ ફેકટરીમાં ૫૦ જણા કામ કરે છે. એમાંથી તમે એકલા જ ફેકટરીમાં આવો છો ત્યારે મને પૂછો છો ..કેમ છો? જતી વખતે પણ તમે એકલા જ મને કહો છો, ‘આવજે’. તમે ક્યારેક મારા કુટુંબીજનોના પણ ખબર અંતર પૂછો છો.અને નીકળતા થોડી વાર થાય તો તમે એકલા જ મારો આભાર પણ માનો છો. આજે તમે આવ્યા ત્યારે તમે મને હસીને કેમ છો? મને પૂછ્યું હતું. પણ જતા મને ‘આવજો’ કહેનાર કોઈ હતું નહિ. આથી મને થયું તમે આવજો કહીને મને મળવાનું ભૂલો નહીં. નક્કી તમે જ અંદર રહી ગયા છો. આથી હું તમને શોધવા અંદર આવ્યો.’
નાની વાત આપણને કેટલું શીખવાડી જાય છે. આપણે આપણી સાથે સંકળાયેલા ઘણા લોકોને take it granted જ લઇ લઈએ છીએ. પણ મિત્રો, કુટુંબીજનો કે આપણી સાથે સંકળાયેલી નાની વ્યક્તિઓને પણ યાદ રાખી તેમના ખબર–અંતર પૂછવા, તેમને શુભેચ્છા પાઠવવી, તેમની સાથે હસીને વાતો કરવાથી તેમના મન અને હૃદય સાથે આપણા અંતરાત્માનું સીધું જોડાણ થાય છે.અને આપણે પણ મન અને શરીરથી ઘણી હકારાત્મક ઉર્જા મેળવી શકીએ છીએ.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૨૧ – ૧૭/૦૬/૨૦૨૦
(વોટ્સઅપના વાંચનમાંથી)
