- કોઈ પણ ક્ષેત્રમાં સફળ બાળકોના માતાપિતા શ્રેષ્ઠ મહેનત કરનારા સાથે શ્રેષ્ઠ સહન કરનારા, શ્રેષ્ઠ જતું કરનારા અને શ્રેષ્ઠ માફ કરનારા હોય છે.
- એક માતાપિતા તરીકે બાળકમાં સુધારક નહીં પણ સ્વીકારક તરીકેની ભાવના રાખો.
આ માટે બાળક સાથે સલાહ વિનાનું સાનિધ્ય અને શરતો વિનાનો સંવાદ કરો તો જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે. - બાળક પાસેથી ક્યારેક તેણે બચાવેલામાંથી થોડા પૈસા ઉધાર લો.
આપોઆપ તેને પૈસાનું મહત્વ સમજાઈ જશે. - જે માતાપિતા બાળકોની ક્ષમતાને સમયસર પ્રોત્સાહિત નથી કરતા પણ તેની નબળાઈઓની ટીકા વાંરવાર કરે છે અને તેના ભૂતકાળની ભૂલોને વાંરવાર યાદ કરે છે તેઓ બાળકને નિર્બળ અને ગુલામ બનાવી રહ્યા હોય છે.
- બાળકો પાસેથી આટલું શીખો
- કોઈ પણ કારણથી ખુશ રહો
- સતત કઈક કરતા રહો, શીખતા રહો, ક્તુહુલવૃત્તિ રાખો
- દુઃખ કે તકલીફો ઝડપથી ભૂલી જાવ
- પીડાની પરવા કર્યા વિના વર્તમાનનો આનંદ લો
- જગતને પૂર્વગ્રહ વિના જુવો
- ડર્યા વિના નવી હરકતો કરતા રહો
- પશુ, પક્ષી સાથે પણ મિત્રતા રાખો
- દરેક કામો સમયપત્રક પ્રમાણે જ થાય તે જરુરી નથી
- બાળક સાથે ઓતપ્રોત થઈને બાળક બનીને જીવવામાં આવે તોએના દવારા આપણને એવું બધું જાણવા મળે છે જે કોઈ સંતનાં સાનિધ્યમાં મળે.
- બાળકો ક્યારેય શિખામણની વિરુધ્ધ હોતા નથી પણ તેમને કહેવાની પદ્ધતિની વિરુધ્ધ હોય છે.
(શાંતિથી, ટુંકાણમાં, એકાંતમાં, સારા શબ્દોથી, સરખામણી વિના, શરતોવિના, ભૂતકાળ યાદ કર્યા વિના)
- દરેક માતાપિતાએ પોતાની સામાજિક, કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ એ રીતે પૂરી કરવી જોઈએ કે બાળકોએ આત્મવિશ્વાસ વધારવા અન્યના ઉદાહરણ લેવા ના પડે.
- દરેક બાળકો માતાપિતાનું સાંભળે છે ઓછુ પણ તેમને નિહાળે છે વધુ.
બાળકો માતાપિતાના પગલા (steps)ને યાદ નહીં રાખે પણ તેઓ માતાપિતાની છાપ (footprints)ને તો ચોક્કસ યાદ રાખે છે.
- દરેક બાળકને મોટો માણસ બનાવવો શક્ય નથી પણ દરેક બાળકને નિશ્ચિત આકારમાં ઢાળવો તો શક્ય છે જ.
દુનિયાના દરેક બાળકમાં ઈશ્વરે કઈક નવું આપ્યું જ છે. માતાપિતાએ પોતાના બાળકમાં આ વીશીષ્ટતા શોધી તેને પ્રોત્સાહન આપવાનું છે.
- બાળકના સર્વાંગી વિકાસ માટે તેને ઉડવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
જેવા માતાપિતા બાળકોની પીઠ પરથી ઉતરી જશે તેવા બાળકો તેજ ગતિએ દોડવા માંડશે.
- ટીનએઈજ બાળકોને તેમને નિર્ણયો લેવાની સ્વત્રંતા મળે તે ખુબ ગમતું હોય છે. ટીનએઈજ સુધીમાં બાળકો પોતાના નિર્ણયો સાચા અને શ્રેષ્ઠ લઈ શકે તેને સફળ પેરેન્ટિંગ કહી શકાય.
- બાળકની અન્ય બાળક કે મોટા ભાઈ બહેન સાથે સરખામણી કરવાથી તેમજ માતાપિતાએ તેની પાછળ ખર્ચેલા સમય, શક્તિ અને નાણા વાંરવાર યાદ કરવાથી તેને જરાય પ્રોત્સાહન મળતું નથી. પરંતુ તે જેવું છે તેવું સ્વીકારવામાં જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે.
- બાળક જ્યારે જુઠ્ઠું બોલે ત્યારે એક વાત નક્કી જ છે કે કાંતો એ માતાપિતાથી ડરે છે અથવા તે માતાપિતાની નકલ કરે છે.
- બાળકોનેશું શિક્ષણ આપવું એનો અભ્યાસક્રમ આપણે ત્યાં છે. માતા–પિતાએ બાળક સાથે કઈરીતે વર્તવું એનો કૉર્સ કોઈ યુનિવર્સીટીમાં નથી થતો. (ગિજુભાઈ બધેકા)
- ટીનએઈજ બાળકોને તેમના સમય, ખર્ચા અને મિત્રો વિશેની વધુ અને વાંરવાર પૂછપરછ બાળક અને માતાપિતા વચ્ચેનું અંતર વધારે છે.
બાળકોની શૈક્ષણિક સિદ્ધિને માતાપિતાએ પોતાની સામાજિક સફળતાનું માધ્યમ ન ગણવું જોઈએ.
તેને ડીગ્રી સાથે સાથે જીવનજરુરી સ્કીલ પણ શીખવવી.
- બાળકને બને તેટલું કુદરતનીનજીક રાખવું જોઈએ. આસપાસની દરેક ચીજ અને સ્થિતિનું નિરીક્ષણ કરી તેનું પાયાનું શિક્ષણ આપોઆપ થશે.
જે કુદરતની નજીકજાય એને કુદરત પોતાની રીતે ચુપચાપ ઘણું શીખવતી હોય છે. (ગિજુભાઈ બધેકા)
- માતા-પિતાએબાળકોના માલિક નહીં પણ કેળવણીકાર બનવું જોઈએ.
પાવર નહીં પણ પ્રેમ આપવો જોઈએ, ચોકીદાર નહીં પણ માર્ગદર્શક બનવું જોઈએ. (ડો.હંસલ ભચેચ)
- બાળકને મારવું તે નિર્બળતાની નિશાની છે. તેને રડતું જોઈ વધુમાં વધુ દર્દ ઈશ્વરને થાય છે. પોતાના સામાજિક, આર્થિક કે વ્યવસાયિક દબાણની અસર બાળક પર ના આવવી જોઈએ.
- ઘરભાડે લેતા રસોડું કેવું છે? ચોકડી કેવી છે? બેઠકરૂમ કેટલો મોટો છે? તે બધાવિચાર કરે છે પરંતુ બાળકને માટે રમવાની જગ્યા કેટલી છે તે કેટલા માતા–પિતાવિચારે છે? (ગિજુભાઈ બધેકા)
- નાનાબાળકના માં–બાપ થવું સહેલું છે. દાદા–દાદી, ભાઈ–બહેન કે ગુરુજન થવું પણમુશ્કેલ નથી, પરંતુ બાળક સાથે મિત્રતા બાંધીને રહેવું મુશ્કેલ છે.
- બાળકનું ભવિષ્ય માતાપિતાના હાથમાં છે. માતાપિતાનું ભવિષ્ય બાળકોના હાથમાં છે. એટલે તમારું જીવન તમારા હાથમાં હોય છે.
- દરેક બાળકને ખુબ જ ગમતી વસ્તુ એ છે કે પોતાના પિતા પોતાની માતાને (તેમની પત્નીને) ખુબ પ્રેમ કરે, તેને સ્વત્રંતા આપે અને તેનું ગૌરવ જાળવે.
- શ્રેષ્ઠ માતાપિતા બાળકની નિષ્ફળતા વખતે તેની સાથે રહે છે અને તેની ભૂલોમાં પણ તેને વાંરવાર તક આપે છે. તેની ભૂલોને પોતાના મિત્રો કે પડોશી આગળ પ્રદશિત કરતા નથી. તેના વખાણ જાહેરમાં કરે છે અને સલાહ એકાંતમાં આપે છે.
- આદર્શ માતાપિતા બાળકોની ડીગ્રી અને માર્ક્સને નહીં પણ તેના ચરિત્ર્ય, તેના વ્યક્તિત્વ, તેની આવડત, તેની ક્ષમતા, તેની બુદ્ધિપ્રતિભા તેની ખુબી, તેની ખામી અને તેની કળાને માન આપે છે.
- ‘મમ્મીપપ્પાને મારી ક્ષમતા પર ભરોસો છે’ તે વિશ્વાસ જ બાળકનો આત્મવિશ્વાસ છે.
- ”સફળ સંતાનોના માતાપિતા બાળકોને બદલવાના પ્રયત્નો કરતા પોતાને જ સમય સાથે બદલતા રહે છે.”
- દરેક માતાપિતાના જીવનની શ્રેષ્ઠ ક્ષણ, ‘પોતાનું બાળક ખુશ છે, અને તેની ખુશીનું કારણ તેઓ પોતે છે.’ તે હોય છે.
છેલ્લો બોલ :
તમારા બાળક સાથે તમે તપશો નહીં તે જ તમારા જીવનનું મોટું તપ હશે.
જો તમે તેની સાથે બદલો લેવાની ભાવના નહીં રાખો તો તે જરૂર બદલાશે.
જો તેના તરફ તમે સંવેદના રાખશો તો જ તમારી વેદના ઘટશે.
તેને માન આપશો તો જ તમને ઢળતી ઉંમરે સન્માન મળશે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૫૦ – ૧૬/૦૭/૨૦૨૦
૧૬/૦૭/૨૦૨૦