“दिल की बातों का मतलब न पूछो
कुछ और हमसे बस अब न पूछो”
ઉપરોક્ત શબ્દો ૧૯૭૯ માં આવેલ હિન્દી પિક્ચર “ધ ગ્રેટ ગેમ્બલર” ના છે. આનંદ બક્ષી લિખિત ગીતનો મેસેજ છે કે લગ્નજીવનમાં પતિપત્નીએ એકબીજાને દરેક વસ્તુઓના ખુલાસા કે કારણો આપવા જરુરી નથી.
‘શરીર જીવંત હોવાનું પ્રતિક શ્વાસ છે. લગ્નજીવન જીવંત હોવાનું પ્રતિક વિશ્વાસ છે.’
આચાર્ય વિજયરત્નરાજ સુરી.
એક પતિપત્ની સાંજના પોતાના ઘરના મુખ્ય હોલમાં સાથે વાતો કરતા હતા. પત્નીના મોબાઈલ ફોન પર રીંગ વાગી. પત્ની નંબર જોઈ બીજા રૂમમાં ગઈ. વાત થોડી લાંબી ચાલી. પછીના બે–ત્રણ દિવસમાં પણ આ રીતે બે વખત ફોન આવ્યા અને આજ રીતે પત્નીનું વર્તન હતું. છેલ્લી વખત તે બીજા રૂમમાં ગઈ અને વાત કરતા થોડો હસવાનો અવાજ પણ આવ્યો. પતિને ખૂબ અકળામણ થઈ. કોણ હશે? કોની સાથે તે આ રીતે ખુશ થઈને વાત કરતી હશે? પતિએ પૂછ્યું પણ ખરું, કોનો ફોન હતો?’ પત્નીએ હસતા હસતા થોડો ઉડાઉ જવાબ આપ્યો, ‘મારી સ્કુલની ફ્રેન્ડનો ફોન હતો’ પતિને સંતોષ ન થયો.
આટલા વર્ષના લગ્નજીવનમાં પહેલી વખત તેને પત્નીનું વર્તન અજૂગતું લાગતું હતું. પતિની મૂંઝવણ પત્ની અનુભવી શકતી હતી પણ તેના આવા વર્તન પાછળ પણ એક ચોક્કસ કારણ હતું. અઠવાડિયા બાદ પતિનો જન્મદિવસ આવ્યો. આ દિવસે પણ પતિ ખાસ ઉત્સાહમાં ન હતા.
સાંજે અચાનક તેમના ઘરે તેમના સ્કુલના અને કોલેજના સમયના ચાર મિત્રો ઘરમાં દાખલ થયા. પતિને ખુબ આશ્ચર્ય થયું. ‘તમે બધા અહીં કેવી રીતે?, તમને મારો જન્મદિવસ આજે છે તે ખ્યાલ હતો?’ તેમના મિત્રોએ કહ્યું, ‘આ સરપ્રાઈઝ પાછળ ભાભીની છેલ્લા એક અઠવાડિયાની મહેનત છે. અમને બધાને એક જ સમયે એક જ જગ્યાએ ભેગા કરવા તેમણે કેટલા બધા ફોન કરવા પડ્યા, અને એ પણ તને ખબર પડે નહીં તે રીતે.’ આ સાંભળી પતિ અવાક જ થઈ ગયા.
સ્પષ્ટીકરણની અપેક્ષા અને વહેમ દાંપત્યજીવનની મધુરતાને અપમાનિત કરે છે અંતે એક જ છતની નીચે પતિપત્ની વચ્ચે સ્નેહની અછત સર્જે છે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૮૫ – ૨૦/૦૮/૨૦૨૦