(વિશ્વપ્રસિદ્ધ ક્રિકેટર વિશે અજાણી વાતો)
૧૯૭૦ ના દાયકામાં વર્લ્ડ સિરીઝની એક મેચ રમવા ઇંગ્લેન્ડના ટોની ગ્રેગ અને ટોની એકરમેન ઓસ્ટ્રેલિયા ગયા હતા. આ વખતે એરપોર્ટ પર તેમને રિસીવ કરવા એક ઓસ્ટ્રેલીયન વડીલ ક્રિકેટર ગયા હતા. ટોની એકરમેને એ ક્રિકેટરને પોતાને બેગ સાચવવાનું કહી પોતે થોડીવારમાં આવે છે તેમ કહ્યું. થોડીવાર પછી પાછા આવી ટોની એકરમેને પોતે કોણ છે અને ઇંગ્લેન્ડ તરફથી પોતે કેટલા રન કર્યા છે તે બડાશ હાંકી. તેમણે એ વ્યક્તિને પછી પ્રશ્ન પૂછ્યો, ‘તમે ક્રિકેટ સાથે સંકળાયેલા છો?’ તે વ્યક્તિએ ખુબ નમ્રતાથી જવાબ આપ્યો, ‘હા, મારું નામ ડોન બ્રેડમેન છે.’
ડોન બ્રેડમેન ઓગષ્ટ ૧૯૪૮ માં ક્રિકેટમાંથી રીટાયર થયા. તે જ વર્ષના અંતમાં તેઓ ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. તેમના વિમાનમાં કોઈ ખામી સર્જાતા વિમાનને કલકત્તાના ડમડમ એરપોર્ટ પર ઉભું રાખવાની ફરજ પડી હતી. વિમાનમાં હાજર વ્યક્તિ ડોન બ્રેડમેન છે તેમ કલકત્તા નિવાસીઓને ખબર પડતા થોડી મિનિટોમાં જ એરપોર્ટ પર પાંચ હજાર જેટલી વ્યક્તિઓની ભીડ થઇ ગઈ. બ્રેડમેન ફ્લાઈટની બહાર આવ્યા. નિવૃત્તિ પછી પણ કલકત્તાવાસીઓનો પ્રેમ જોઈ તેઓ ખુબ ભાવુક થઇ ગયા હતા.
બીજા વિશ્વયુધ્ધ વખતે દુનિયાના ક્રિકેટ રમતા દેશો વચ્ચે સાત વર્ષ ક્રિકેટ રમાયું ન હતું. એ વર્ષોમાં ઓસ્ટ્રેલિયા વર્ષની સરેરાશ છ મેચો રમતું હતું. જો યુદ્ધ ના થયું હોત અને ડોન બ્રેડમેન બીજી ૪૦ જેટલી મેચો રમી શક્યા હતો તો તેમની સદીઓ અને રનના ઢગલા ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા હોત? આજ ગાળામાં તેઓ જેમાં કામ કરતા હતા તે કંપની પણ ફડચામાં આવતા બંધ થઇ ગઈ હતી. તેઓ નોકરી વિનાના થઇ ગયા હતા. તેમને પોતાને પણ સ્નાયુનો દુખાવો ઉપડ્યો હતો અને તેમણે પણ મનોચિકિત્સકની સારવાર લેવી પડી હતી.
૧૯૮૦ પછી તેમના ૭૫ વર્ષની ઉંમર પછી તેઓ એડીલેડ ખાતે રહેતા, ઘરની બહાર પણ ખુબ જ ઓછુ નીકળતા. તેમના ઘરની સામે જ ત્રણ વર્ષથી બુક સ્ટોલ ધરાવતી વ્યક્તિએ કહ્યું, ‘મારો સ્ટોલ તેમના ઘરની સામે હોવા છતાં મેં આ મહાન વ્યક્તિને જોઈ નથી.’
૧૯૩૫માં તેમના એક પુત્રનું અવસાન થયું. ૧૯૩૬માં બીજા પુત્રનો જન્મ થયો તેને નાની ઉંમર માં જ પોલીઓ હતો. આ પુત્ર તેની બિમારીમાંથી તો મુક્ત થયો પણ જીવનભર માનસિક રીતે બીમાર રહ્યો. તેને પિતા સાથે બનતું ન હતું. જે નામથી આખું ઓસ્ટ્રેલિયા ડોનને ઓળખતું હતું અને ગૌરવ લેતું હતું તે નામ રાખવા આ છોકરો તૈયાર જ ન હતો. ૧૯૭૨માં આ છોકરાએ તેની સરનેમ બ્રેડસન કરી નાખી. તેમની પુત્રીને સેરેબ્રલ પાલ્સી હતી. તેમની પત્નીને પણ હાર્ટ સર્જરી કરાવી હતી. આટલી બધી કૌટુંબિક તકલીફો હોવા છતાં ગ્રાઉન્ડ પર તેમની ફટકાબાજીને કોઈ જ અસર પડી ન હતી.
૧૯૮૦ ની આજુબાજુના ગાળામાં તેમની ૭૦ વર્ષથી વધુ ઉંમરે એડીલેડ ખાતે સિમેન્ટની પીચ પર ગ્લોવ્સ કે પેડ પહેર્યા વિના ૧૦૦ માઈલથી વધુ ઝડપે ફેંકાતા જ્યોફ થોમસનના વેધક બોલોનો એક કલાક સામનો કર્યો. થોમસને થાકીને બોલિંગ બંધ કરી હતી.
૫૨ ટેસ્ટમાં ૬૯૯૬ રન. ૯૯.૯૬ની સરેરાશ. ઇંગ્લેન્ડ સામે એક જ સિરીઝમાં ૯૭૪ રન. શ્રેણીમાં ત્રણ વખત ૮૦૦ થી વધુ રન. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦, ૨૦૦૦, ……૬૦૦૦ રન. આ રેકોર્ડ્સ તોડવા કોઈ ક્રિકેટર જન્મ લઈ શકશે કે કેમ તે પ્રશ્ન ઉભો જ રહેશે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૯૯ – ૦૩/૦૯/૨૦૨૦