ઘણીવાર પિક્ચરના ગીતો પણ એટલો સુંદર સંદેશ આપતા હોય છે. આપણે તેના શબ્દો ધ્યાનથી સાંભળીએ તો ઘણું સમજવા મળે. હિન્દી પિક્ચર ‘બડે દિલવાલા’ પિક્ચરનું એક ગીત ‘જીવન કે દિન……’ ના શબ્દો અદભુત હતા. તેના શબ્દોનો અર્થ જાણીએ અને પછી ગીત સાંભળવાની ચોક્કસ મઝા આવશે.
- જીવનના દિવસો ભલે ઓછા અને નાના હોય આપણે હ્રદય મોટું રાખવું. કોઈને કઈક આપવા, પ્રેમ આપવા, માફી આપવા, આશ્ચર્ય આપવા કે સમય આપવા. કાલે કરીશું તેની રાહ જોઈ સ્વાર્થી થવાની જરૂર નથી. ગયેલી ક્ષણો ફરી આવતી નથી.
- જીવનનો દરેક દિવસ રંગીન અને ખુબસુરત છે.આજનો સમય તમારો જ છે. આગળ શું આવશે/થશે તેની બહુ ચિંતા કરવાની જરૂર નથી. મહેનત કરીને, સંઘર્ષ કરવાના સમયમાં પણ આનંદને શોધો અને સુખેથી જીવો. જેને જીવન જીવતા આવડે છે તેઓ પોતાને મળેલા સુખ–દુઃખ ભર્યા જીવનને જ સંતોષી માની આનંદથી/ મોજથી જીવે છે.
- જો જીવનમાં દર્દ–તકલીફો આવે છે તો તેની દવા–સમાધાન પણ હોય જ છે.તમારી સાથે સંકળાયેલા લોકોનું દિલ તોડવા માટે નહીં પણ જોડવા માટે તમારી શક્તિ વાપરો.
- આટલું સુંદર જીવન આપવા બદલ ઉપરવાળાની શુક્રિયા–આભાર.
મઝરૂહ સુલતાનપૂરીએ આટલા સુંદર શબ્દો લખ્યા, તેને સંગીતથી સજાવ્યા આર.ડી.બર્મને અને અવાજ કિશોરકુમાર અને લત્તામંગેશકરનો પછી કેટલી અદભુત રચના બને.
છેલ્લો બોલ : જ્યારે તમે પરિવાર સાથે હોવ છો ત્યારે પ્રેમની કિંમત સમજાય અને જ્યારે તમે એકલા હોવ ત્યારે જીવનની કિમત સમજાય.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૧૯ – ૨૪/૦૯/૨૦૨૦