Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સુભદ્રાકુમારી ચૌહાણ અને મહાદેવી વર્મા

૧૬/૦૮/૨૦૨૬

લેખ નંબર = ૭

સુભદ્રાકુમારી ચૌહાણ અને મહાદેવી વર્મા

વાંચન સમય = ૪ મિનિટ

આશરે ૧૯૧૭ થી ૧૯૧૯ વચ્ચેનો સમય હતો.

સ્થળ : પ્રયાગરાજની ક્રોસવેટ ગર્લ્સ સ્કુલની હોસ્ટેલ.

એક જ રૂમમાં રહેતી બે દીકરીઓ.

એક સાતમાં ધોરણમાં અને પાંચમાં ધોરણમાં.

                   જે સાતમાં ધોરણમાં હતી તે દીકરી નીડર હતી, ઘણી દેશભક્તિની કવિતાઓ લખતી અને એક કવિયત્રી તરીકે સ્કુલમાં ગણાવા લાગી હતી. જે પાંચમાં ધોરણમાં હતી તે દીકરી થોડી શરમાળ હતી. તે પણ ચોરીછુપીથી કવિતાઓ લખતી પણ જાહેરમાં ગાતી નહીં. તેની કવિતાઓની નોટ સાતમાં ધોરણમાં હતી તે દીકરીના હાથમાં એક દિવસ આવી ગઈ. તેણે તેની નાની બહેન સમાન રૂમમેટ બહેનપણીની કવિતાઓ વખાણી અને સ્કુલમાં તેમજ જાહેરમાં ગાવા માટે પ્રોત્સાહન આપ્યું.

       જે સાતમાં ધોરણમાં હતી તે દીકરીનું નામ સુભદ્રાકુમારી ચૌહાણ અને જે પાંચમાં ધોરણમાં હતી તેનું નામ મહાદેવી વર્મા. બન્ને પછીથી તો હોસ્ટેલમાં લીમડાના ઝાડ નીચે બેસતા, નવા હિન્દી શબ્દોની આપલે કરતા અને નવી કવિતાઓ રચતા. સુભદ્રાકુમારી રાષ્ટ્રપ્રેમ અને વીરરસ યુક્ત કવિતાઓ લખતા જ્યારે મહાદેવી વર્મા પ્રકૃતિ અને આધ્યાત્મિક કવિતાઓ રચતા. રાત્રે વોર્ડનને ખબર ના પડે તે રીતે રૂમમાં એક જ ચોરસામાં છુપાઈ પતાસા ખાતા.

                   બન્ને કવિયત્રીઓએ હિન્દી સાહિત્યને સમૃદ્ધ કરવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું. રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત બન્નેને પોતાની દીકરી ગણતા. સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ બન્નેને પોતાની નાની બહેન ગણતા. બન્ને કવિયત્રીની ભારત સરકારે ટપાલ ટીકીટ પણ બહાર પાડી છે. બન્નેની લખેલી કવિતાઓને દેશના  ઘણા રાજ્યોએ પાઠ્યપુસ્તકમાં સ્થાન આપ્યું.

           સુભદ્રાકુમારી ચૌહાણ મહિલા સ્વાતંત્ર્ય સેનાની ગણાયા. તેઓની કવિતા ‘ઝાંસી કી રાની ……….’ થી એ વખતે સુભાષચન્દ્ર બોઝ ઘણા પ્રભાવિત થયા હતા. ભારતીય તટ રક્ષક દળે પોતાના એક ડીફેન્સ જહાજનું નામ ‘ICGS સુભદ્રાકુમારી ચૌહાણ’ રાખ્યું હતું.

             મહાદેવી વર્માને તો સાહિત્ય માટે જ્ઞાનપીઠ, પદ્મભૂષણ તેમજ પદ્મવિભૂષણ મળ્યા. લેખન માટેના ઘણા રાષ્ટ્રીય સન્માનો  તેમના નામે અપાય છે. તેમણે કહ્યું, ‘મારામાં રહેલી કવિ આત્માની ઓળખ, મારો આત્મવિશ્વાસ વધારવો અને સતત મને પ્રોત્સાહન આપી મારી શક્તિઓને બહાર લાવવાનું કામ સુભદ્રાકુમારીએ કર્યું.’

આજે સુભદ્રાકુમારી ચૌહાણની ૧૨૩ મી જન્મજયંતિ છે. (૧૬/૦૮/૧૯૦૪)

(ઉપરોક્ત માહિતી સ્ત્રોત : મહાદેવી વર્માના પુસ્તક ‘પથ કે સાથી’ માંથી”)

છેલ્લો બોલ :

                   ૧૯૨૦ થી ૧૯૩૦ ના ગાળામાં બન્ને કવિયત્રીઓ ઘણા કવિ સંમેલનોમાં સાથે હાજરી આપતા. ૧૯૩૦ માં એક મંચ પર તેમની સાથે એક અન્ય નવા કવિ પણ હાજર હતા આગળ જતા તેઓને ઘણી પ્રસિદ્ધિ મળી તેમનું નામ હરિવંશરાય બચ્ચન.

ડો.આશિષ ચોક્સી

(drashishchokshi.com)  

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!