Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

૨૩/૦૮/૨૦૨૬

લેખ નંબર = ૮  

ભારતનો ‘નેશનલ સ્પેસ ડે’

(રાષ્ટ્રીય અવકાશ દિવસ)

વાંચન સમય = ૧૫ મિનિટ

તારીખ : આજથી ત્રણ વર્ષ પહેલાનો આજનો દિવસ (૨૩/૦૮/૨૦૨૩)

સ્થળ : બેંગ્લોર સ્થિત ઈસરોનું ચન્દ્રયાન -૩ મિશન કન્ટ્રોલ રૂમ (ISTRAC)

સાંજે ૫ વાગ્યાનો સમય

                           બેંગ્લોરના આ કંટ્રોલ રૂમમાં હાજર અને મિશનનું નેતૃત્વ કરનાર મુખ્ય વૈજ્ઞાનિકો ખુબ ગંભીર, માનસિક તણાવ અને ઉત્તેજના મિશ્રિત મનોસ્થિતિમાં હતા. છેલ્લા છ વર્ષથી દિવસરાતની મહેનતનું પરિણામ હવેના એક કલાકમાં તેમને તેમજ સમગ્ર દુનિયાને જોવા મળવાનું હતું.  ભારતના મિશન ચન્દ્રયાન – ૩ ના ઘટનાક્રમને વિગતવાર સરળભાષામાં સમજીએ.

                સપ્ટેમ્બર ૨૦૧૯ : ચન્દ્રયાન ૨ નું લેન્ડર ચન્દ્રની સપાટી પર લેન્ડ થવાના બે મિનિટ પહેલા તૂટી પડ્યું. આ નિષ્ફળતા પછી આપણા વૈજ્ઞાનિકોએ ઘણા સુધારા કરી ચન્દ્રયાન – ૩બનાવ્યું. તેના  સ્પેસક્રાફ્ટને  ૩ ભાગ હતા. પ્રોપલ્શન મોડ્યુલ,  વિક્રમ લેન્ડર અને વિક્રમ લેન્ડરમાં સમાવાયેલું  રોબોટીક વાહન ‘પ્રજ્ઞાન રોવર’.

                    ચન્દ્રયાન મિશનનું ઓપરેશન બે જગ્યાએથી થાય છે. આંધ્રપ્રદેશમાં આવેલ શ્રીહરીકોટા ખાતે રોકેટ બને છે. ત્યાંથી જ રોકેટ અવકાશમાં છોડાય છે. રોકેટ અવકાશમાં પહોંચે તેની થોડી મિનિટોમાં જ શ્રીહરિકોટાનું કામ પૂર્ણ થાય છે. રોકેટની અંદર રહેલા સ્પેસક્રાફ્ટને ચન્દ્ર સુધી પહોંચાડવાની અને તે પછી ચન્દ્ર પરના નક્કી કરેલ કાર્યો પુરા કરાવવાની પછીની જવાબદારી ત્યાંથી ૪૧૦ કિમી દુર આવેલ બેંગ્લોર સ્થિત  ઇસરો  કન્ટ્રોલ કરે છે.

                         ૧૪/૦૭/૨૦૨૩ ના દિવસે બપોરે ૨.૩૫ વાગ્યે ‘બાહુબલી’ નામના શક્તિશાળી રોકેટે ‘ચન્દ્રયાન ૩સ્પેસક્રાફ્ટ’ ને લઈને ઉડાન શરુ કરી. ૧૬ મિનિટ પછી ૨.૫૧ વાગ્યે ‘ચન્દ્રયાન – ૩’ ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ધકેલી ‘બાહુબલી’ રોકેટ તેના ભાગ છુટા કરી સમુદ્રમાં ફેંકાઈ ગયું.

                     ૦૫/૦૮/૨૦૨૩ ના દિવસે એટલે ૨૨ દિવસ પછી ચન્દ્રયાન – ૩ સ્પેસક્રાફ્ટ  પૃથ્વી પરથી ચન્દ્રની ભ્રમણકક્ષામાં ગોઠવાયું. તેને ત્રણ ભાગ હતા. પ્રોપલ્શન મોડ્યુલ,  વિક્રમ લેન્ડર અને વિક્રમ લેન્ડરમાં સમાવાયેલું  રોબોટીક વાહન ‘પ્રજ્ઞાન રોવર’. ૩૪ દિવસ પછી ૧૭/૦૮/૨૦૨૩ ના દિવસે ચન્દ્રની ભ્રમણ કક્ષામાં ગોઠવાયેલા ચન્દ્રયાન ૩ સ્પેસક્રાફ્ટમાંથી પ્રોપલ્શન મોડ્યુલ છુટું પડ્યું. હવે વિક્રમ લેન્ડર અને રોબોટિક વાહન પ્રજ્ઞાન જ ચન્દ્ર તરફ આગળ વધતા હતા.

            ૨૧/૦૮/૨૦૨૩ ના દિવસે  ચન્દ્રયાન ૨ નું  ઓર્બીટ જે હજુ જીવિત રહ્યું હતું અને ચન્દ્રની ધરી પર ફરી રહ્યું હતું તેના અને ચન્દ્રયાન ૩ ના લેન્ડર વિક્રમ  વચ્ચે કનેક્શન સ્થપાયું. ચન્દ્રયાન ૨ ના ઓર્બિટે ચન્દ્રયાન ૩ ના લેન્ડરને hi buddy કહી આવકાર્યું.

                  ૪૦ માં દિવસે ૨૩ ઓગષ્ટ સાંજે પાંચ વાગ્યે લેન્ડર ચન્દ્રની છેલ્લી ભ્રમણકક્ષામાં પહોંચ્યું. કંટ્રોલ રૂમમાં મૌન છવાયેલું હતું. વૈજ્ઞાનિકો પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પરના ડેટા અને ગ્રાફને એકીટશે જોઈ રહ્યા હતા. ૪ વર્ષ પહેલા આ તબક્કે જ ચન્દ્રયાન ૨ સ્પેસક્રાફ્ટ સોફ્ટ લેન્ડીંગ સમયે તૂટી પડ્યું હતું.

સાંજે પ.૪૪ = હવે લેન્ડર ચન્દ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આવી ગયું હતું. લેન્ડરની ડિસેન્ટ પ્રક્રિયા ચાલુ થઇ. વૈજ્ઞાનિકો  પ્રાર્થના, આશા અને તીવ્ર માનસિક દબાણ વચ્ચે દેશને ઇતિહાસ રચતો જોવા માટે સજ્જ થઈ ગયા હતા.

૬.૦૪ મિનિટ = વૈજ્ઞાનિકોનું હ્રદય જોરથી ધડકી રહ્યું હતું. લેન્ડરે વિશ્વમાં પ્રથમ વખત ચન્દ્ર પરના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડીંગ કર્યું હતું. ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ અને ચન્દ્ર પર અમેરિકા, રશિયા અને ચીન બાદ પહોંચનાર ચોથો દેશ હતો.  

૬.૦૫ મિનિટ આંખમાં આંસુ સાથે વૈજ્ઞાનિકો એકબીજાને ભેટી રહ્યા હતા.

                          હજુ મુખ્ય કાર્ય બાકી હતું. વિક્રમ લેન્ડર જ્યાં લેન્ડ થયું તે ભાગને આપણા દેશે ‘શિવશક્તિ પોઈન્ટ’ નામ આપ્યું હતું. શિવશક્તિ પોઈન્ટ પર વીકમ લેન્ડરના લેન્ડ થવાને લીધે ચન્દ્રપરની લુનર ડષ્ટ (ધૂળ) ઉડવા માંડી. આ ધૂળ ચાર કલાકે શાંત થઇ. પછી વૈજ્ઞાનિકોએ લેન્ડરનો દરવાજો ખોલ્યો.

રાત્રે ૧૦.૧૫ વાગ્યે છ પગ અને ૨૬ કિલો વજન વાળા રોબોટિક વાહન પ્રજ્ઞાન રોવરે ચન્દ્રની ધરતી પર પગ મુક્યો. ઈસરો માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. પ્રજ્ઞાન રોવરને સફળતા પૂર્વક ચન્દ્ર પર કાર્યરત કરવો તે ઇસરોની ખરી સફળતા કહેવાય. આ રોબટ જ માહિતી, ફોટા અને સંશોધનોને ઈસરો સુધી પહોંચાડવાનો હતો.

                  સંસ્કૃતમાં ‘પ્રજ્ઞાન’ એટલે  કુશાગ્ર બુદ્ધિશાળી. પ્રજ્ઞાન રોબર્ટે તરત જ પોતાની કામગીરી શરુ કરી દીધી. ઈસરોના વૈજ્ઞાનિકોની ગણતરી અદભુત હતી. વિક્રમ લેન્ડરે ચન્દ્ર પર લેન્ડ કર્યું તેના થોડા સમય પહેલા જ ચન્દ્ર પર દિવસ ચાલુ થયો હતો. ચન્દ્ર પર દિવસ અને રાત ૧૪ દિવસે બદલાય. એટલે હવે ૧૪ દિવસ તાપમાન ૫૦ ડીગ્રી સેલ્સિયસ રહેવાનું હતું. પ્રજ્ઞાન રોબર્ટે તેની ગોઠવેલી સ્પીડ ૧ સે.મી/સેકન્ડ મેળવી લીધી હતી. તે શિવ શક્તિ પોઈન્ટ પર ઈસરોના કમાન્ડ પ્રમાણે ૧૦૦ મીટરની ત્રિજ્યાની અંદર ફરવા લાગ્યું.

                   ૨૭ ઓગષ્ટે એક દિલધડક ઘટના બની. પ્રજ્ઞાન રોબર્ટ  ૪ મીટર ઊંડા ખાડાથી ૩ મીટર દુર હતું. જો તે ખાડામાં પડી ગયું હોત તો મિશન સમાપ્ત થઇ જાત. તેના નેવિગેશન કેમેરાએ પાડેલા ફોટાથી બેંગ્લોર સ્થિત સંચાલન કરનાર ટીમ સાવધ થઇ ગઈ. તેમણે પ્રજ્ઞાનને રોકી દીધું. થોડુક પાછુ લીધું હવે નવી દિશા આપી નવો રૂટ પકડી ખાડાને બાયપાસ કર્યો.

          પ્રજ્ઞાન રોબોટે રાસાયણિક વિશ્લેષણ કરી શોધ્યું કે ચન્દ્રની માટીમાં સલ્ફર ઉપરાંત એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ફેરસ, ક્રોમિયમ, ટાઈટેનિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન છે. પ્રજ્ઞાન પોતાના  વાયરલેસથી ડેટા વિક્રમ લેન્ડરને મોકલતું.  વિક્રમ લેન્ડર પોતાના શક્તિશાળી એન્ટેના દ્વારા માહિતી  ચન્દ્રયાન ૨ ના ઓર્બિટને મોકલે અને ચન્દ્રયાન ૨ નું ઓર્બિટ માહિતી ઈસરોને મોકલે. ઈસરો જે પ્રમાણે રીવર્સ કમાન્ડ આપે તે પ્રમાણે પ્રજ્ઞાન કામ કરતું.

      પ્રજ્ઞાન રોબર્ટને છ પગ હતા. આગળના ચાર પગ ખડકાળ, ચીકણી અને થોડી કઠણ ચન્દ્રની માટી પર ગ્રીપ બનાવતા હતા. ધારોકે એક પગ ખોટકાય તો પણ બાકીના પાંચ પગ રોબટનું વજન ઝીલી શકે તેવી ઇસરોની ગણતરી હતી.

                  ૧૪ દિવસ સુધી પ્રજ્ઞાને સરસ કામ કર્યું. ૩ સપ્ટેમ્બરે રાત ચાલુ થઇ અને

તાપમાન – ૨૦૦ સે  થી – ૨૫૦ સે વચ્ચે પહોંચી ગયું. ઈસરોએ પ્રજ્ઞાન રોબર્ટને  સ્લીપમોડમાં લાવવું પડ્યું. તે શિવશક્તિ પોઈન્ટ પર ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ગોળ ગોળ ફરતું હતું. વૈજ્ઞાનિકોએ પ્રજ્ઞાનને  એવી જગ્યાએ રાખ્યું કે જ્યારે રાત પૂરી થાય અને દિવસ ચાલુ થાય ત્યારે તેના પર પહેલો પ્રકાશ પડે. પણ આટલા માઈન્સ તાપમાનમાં તેની બેટરી નિષ્ક્રિય થઇ ગઈ. પછી દિવસ ચાલુ થયો ત્યારે પ્રજ્ઞાન ફરી એક્ટિવ મોડમાં ના આવી શક્યું. તે હંમેશ માટે શિવશક્તિ પોઈન્ટ પર જ સુઈ ગયું અને વર્ષોના વર્ષો સુધી આરામની અવસ્થામાં ત્યાં જ રહેશે.

                પ્રજ્ઞાન રોબર્ટના છ પગમાંથી સૌથી પાછળના બે પગમાં ડાબી બાજુનો પગ ઈસરોની અને જમણી બાજુનો પગ અશોકચક્રની છાપ છોડતા આગળ વધતા હતા. ચન્દ્ર પર વરસાદ, પવન જેવું વાતાવરણ ન હોવાને કારણે આ છાપ હજારો વર્ષ સુધી અકબંધ રહેશે. ૧૯૬૯ માં નીલ આર્મસ્ટ્રોંગે ચન્દ્ર પર પગ મુક્યો ત્યારની તેમના પગલાની છાપ ચન્દ્ર પર હજુ છે.  

            ચન્દ્રયાન ૩ કરેલા સંશોધનથી  ચંદ્ર પર પાણી શોધવું વધુ સરળ બનશે. આ પાણીનો ઉપયોગ ભવિષ્યના અવકાશયાત્રીઓ માટે પીવા, ઓક્સિજન બનાવવા અને રોકેટ ઇંધણ તરીકે હાઇડ્રોજન મેળવવા માટે થશે, જેથી પૃથ્વી પરથી ઇંધણ લઈ જવાની જરૂર નહીં પડે. સલ્ફર તેમજ અન્ય કેમિકલ્સ નો ઉપયોગ ચંદ્ર પર જ માનવ વસાહત માટેના ઘરો બનાવવા (Lunar Concrete), સોલાર પેનલ્સ અને બેટરીઓનું નિર્માણ કરવા માટે થઈ શકે છે, જે સ્પેસ ઇકોનોમીને સસ્તી બનાવશે.  

    ભારતના ઈસરોના અદભુત ગણિત અને એન્જિનિયરીંગની  સફળતાને અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને પાકિસ્તાન સહિત દુનિયાભરના અખબારોએ વધામણી આપી. આજના દિવસેને ભારતમાં ‘નેશનલ સ્પેસ ડે’ મનાય છે.

અન્ય વિશેષ માહિતી

શ્રીહરીકોટાથી બાહુબલી રોકેટ ( LVM3-M4)એ ઉડાનભરી ત્યારે તેનું વજન ૬,૪૨,૦૦૦ કિગ્રા હતું. ધીરે ધીરે તેના ભાગ છુટા થતા ગયા. છેલ્લે મુખ્ય કામગીરી કરનાર પ્રજ્ઞાન રોબર્ટે ચન્દ્ર પર પગ મુક્યો ત્યારે તેનું વજન ૨૬ કિગ્રા હતું.

મિશનનું નેતૃત્વ કરનાર મુખ્ય વૈજ્ઞાનિકોના નામ.

એસ. સોમનાથ: ઇસરોના ચેરમેન અને મિશનના મુખ્ય સુત્રધાર.

પી. વીરમુથુવેલ: ચન્દ્રયાન-૩ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર.

શ્રીકાંત મોહના કુમાર: મિશન ડાયરેક્ટર.

કલ્પના કાલાહસ્તી: એસોસિએટ પ્રોજેક્ટ ડાયરેક્ટર.

એમ. શંકરન: યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) ના ડાયરેક્ટર.  

ચન્દ્રયાન ૩ ની સફળતા પાછળ નિષ્ફળ ગયેલ ચન્દ્રયાન ૨ ના ઓર્બિટનો મુખ્ય ફાળો હતો. ચન્દ્રયાન ૨ નું ઓર્બિટ ચન્દ્રની ભ્રમણકક્ષામાં ૨૦૧૯ થી જીવિત અવસ્થામાં હતું. લેન્ડ થતી વખતે તેનું માત્ર લેન્ડર જ તૂટી પડ્યું હતું. આથી ચન્દ્રયાન ૨ ઓપરેશન નિષ્ફળ ગયું. પણ વૈજ્ઞાનિકોએ તેન જીવંત ઓર્બીટે મોકલેલા ફોટા પરથી ચન્દ્રયાન ૩ ના લેન્ડરને દક્ષિણધ્રુવ પર ક્યાં ઉતારવું તે સલામત જગ્યા નક્કી કરી.

                       આ ઉપરાંત ઉપર જોયું તે પ્રમાણે ચન્દ્રયાન ૩ ના પ્રજ્ઞાન રોબર્ટ  તેની માહિતી વિક્રમ લેન્ડરને મોકલે. વિક્રમ લેન્ડર ચન્દ્રયાન ૨ ના ઓર્બિટને અને ઓર્બિટ ઈસરોને મોકલે. ઈસરો રીવર્સ ઓર્ડરમાં તેનો કમાન્ડ પ્રજ્ઞાન સુધી પહોંચાડે. આમ ચન્દ્રયાન ૩ ની સફળતામાં ચન્દ્રયાન ૨ ના ઓર્બિટે બહુ મોટો ભાગ ભજવ્યો.

૨૨/૦૮/૨૦૨૩ ના  દિવસે BRICS ના શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી સાહેબ સાઉથ આફ્રિકાના જ્હોનીસબર્ગ ગયા હતા. ૨૩ ઓગષ્ટે ભારતના સાંજના ૫.૪૦ અને જ્હોનીસબર્ગના બપોરે ૨.૩૫ વાગ્યે ‘સેન્ડટન સન હોટેલ’ના પોતાના રૂમમાં  તેઓ  મોટા સ્ક્રીન સાથે બેંગ્લોરના વૈજ્ઞાનિકો સાથે લાઈવ જોડાઈ ગયા. ૬.૦૬ વાગ્યેતો તેમણે વૈજ્ઞાનિકોને અને દેશને અભિનંદન આપી ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

૦૩/૦૯/૨૦૨૩ ના દિવસે ઇસરોના વૈજ્ઞાનિકોએ દક્ષિણ ધ્રુવની લૂનર સરફેસ પર એક અદભુત  પ્રયોગ કર્યો હતો. વિક્રમ લેન્ડરને આદેશ આપી તેના એન્જિનો ફરી ચાલુ કરાવ્યા. લેન્ડરે  ૪૦ સેમી હવામાં કૂદકો માર્યો અને ૩૦ થી ૪૦ સેમી દૂર સુરક્ષિત રીતે નવેસરથી સોફ્ટ લેન્ડિંગ કર્યું. ચન્દ્રયાન ૪ પ્રોજેક્ટમાં લેન્ડરને પૃથ્વી પર પાછુ લાવવું તેમજ દક્ષિણધ્રુવ પરની માટીના સેમ્પલ લાવવા જેવા ઈસરોના સંભવિત મિશનમાં  આ પ્રયોગ  મદદરૂપ થઇ શકશે.

ચન્દ્રની ધરી પર ફરી રહેલા ચન્દ્રયાન ૩ ના પ્રોપલ્શન મોડ્યુલમાં બચેલા ઇંધણમાંથી તેને ચન્દ્રની ભ્રમણ કક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવાનું સફળ બોનસ મિશન ઈસરોએ ૨૨/૧૧/૨૦૨૩ ના દિવસે કર્યું. અત્યારે ચન્દ્રયાન ૨ નું ઓર્બિટ જીવંત અવસ્થામાં ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફરે છે અને ચન્દ્રયાન ૩ નું પ્રોપલ્શન મોડ્યુલ જીવંત અવસ્થામાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરે છે. હાલ આ બન્ને ચન્દ્રયાન ૪ ના પ્રોજેક્ટને મદદ કરે છે.

૨૦૨૪ માં અમેરિકાએ શિવશક્તિ પોઈન્ટથી ૨૦૦૦ કિમી દુર દક્ષિણધ્રુવ પર પોતાનું યાન પહોચાડ્યું. ત્યારબાદ  ચીનનું  યાન પણ ચન્દ્ર પરના દક્ષિણ ધ્રુવની પાછળના ખાડામાં જુન ૨૦૨૪ માં  પહોંચ્યું. પણ ઇતિહાસમાં ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશનું સ્થાન હંમેશા ભારતનું  રહેશે.  

અન્ય દેશોને દક્ષિણ ધ્રુવ પર પહોંચવા ૧૧૦૦ થી ૧૬૦૦ કરોડ વચ્ચે ખર્ચો આવ્યો. હોલિવુડની સ્પેસ પર બનેલી ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ નો ખર્ચો ૧૩૫૦ કરોડ હતો. ભારત સ્વદેશી સાધનોની મદદથી અને ચન્દ્રયાન ૨ ના જીવિત ઓર્બિટની મદદને કારણે ૭૦૦ કરોડના ખર્ચામાં મિશન પૂરું કરી શક્યું.

                       દક્ષિણધ્રુવ પર પહોંચવા ઉપરાંત પ્રજ્ઞાન રોબર્ટને ખાડામાં પડતું બચાવવું, વિક્રમ લેન્ડરને ફરી સ્ટાર્ટ કરવું, પ્રોપલ્શન મોડ્યુલને પાછુ પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવું જેવા હેરત પમાડે તેવા મિશનો સફળતાપૂર્વક કર્યા બદલ દુનિયાભરના સ્પેસ વૈજ્ઞાનિકો ઈસરોના વૈજ્ઞાનિકોના ચન્દ્રયાન ૩ પાસેથી લીધેલા કાર્ય માટે આફરીન હતા.

છેલ્લો બોલ :

“વિજ્ઞાનમાં પ્રયોગો અને પ્રયાસો એક પ્રકારની સફળતા જ છે.”

                   ૨૦૧૯ માં ચન્દ્રયાન ૨ ની નિષ્ફળતાના બીજા દિવસે મોદી સાહેબ બેંગ્લોર ઈસરો ખાતે વૈજ્ઞાનિકોને મળવા પહોંચી ગયા હતા.  એ વખતના ઈસરોના અધ્યક્ષ કે.સિવાનની પીઠ થાબડી સાંત્વન આપતા તેમણે ઉપરોક્ત શબ્દો કહ્યા હતા.  

ડો.આશિષ ચોક્સી

drashishchokshi.com

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!