Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સંગીત ઇતિહાસનો ‘ટર્નિંગ પોઈન્ટ’ – 9

૩૦/૦૮/૨૦૨૬

લેખ નંબર =  ૯

સંગીત ઇતિહાસનો 'ટર્નિંગ પોઈન્ટ'

વાંચન સમય = ૪ મિનિટ

આજથી ૬૩ વર્ષ પહેલાનો ૩૦/૦૮/૧૯૬૩ નો આજનો દિવસ

જર્મનીનું બર્લિન શહેર

                          આજે અહીં એ સમયનો ઇલેક્ટ્રોનિક્સ દુનિયાનો સૌથી મોટો મેળો ‘બર્લિન રેડિઓ શો’ યોજાયો હતો. આ દિવસ  સંગીત ઇતિહાસનો 'ટર્નિંગ પોઈન્ટ' હતો.

              નેધરલેન્ડ ની પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક્સ કંપની ફિલિપ્સે તેમના સ્ટોલ પર ઓડીઓ કેસેટ દુનિયા સમક્ષ રજુ કરી. લોકો આશ્ચર્યચકિત થઇ ગયા.  .

                               અત્યાર સુધી લોકો  સંગીત રેકોર્ડ કરવા અને સાંભળવા માટે ખૂબ જ વિશાળ, વજનદાર અને મોંઘા ટેપરેકોર્ડરનો ઉપયોગ કરતા હતા. ૧૯૬૧ માં ફિલિપ્સના પ્રોડક્ટ ડીપાર્ટમેન્ટના હેડ લૂ ઓટેન્સે તેમની ટીમને નાની ખીસામાં સમાઈ શકે તેવી ‘કોમ્પેક્ટ કેસેટ’ જેમાં આખી ટેપ સમાઈ જાય તેવી પ્લાસ્ટિકની કેસેટ બનાવવાનો આઈડિયા આપ્યો હતો જેને આપણે ઓડિયો કેસેટ તરીકે ઓળખતા હતા.

                 તેમણે પ્લાસ્ટિકની પટ્ટી પર મેગ્નેટિક કોટિંગ કરી ૬૦ મિનિટ અને ૯૦ મિનિટની ક્ષમતા વાળી (બન્ને બાજુ થઈને) કેસેટો તૈયાર કરી. એક બાજુ પૂરી થાયતો ઉલટાવીને બીજી બાજુમાં સાંભળી શકાય. આ રચનામાં નાનામોટા ફેરફાર થતા રહ્યા. ૧૯૭૫ થી દુનિયાભરના માર્કેટમાં તે સરળતાથી ઉપલબ્ધ થઇ.

                            ફિલિપ્સે આ શોધની પેટન્ટ ના લીધી. કેસેટ બનાવવાની ફોર્મ્યુલા અન્ય કંપનીઓને મફતમાં આપી દીધી. જેને કારણે દુનિયાભરમાં નાની ઓડીઓ કેસેટ સરળતાથી મળવા લાગી. ૧૯૭૯ માં જાપાનની સોની કંપનીએ વોકમેન શોધ્યું પછીથી તો લોકો હરતા ફરતા ચાલતા સંગીત સાંભળી શકતા.  

             ૨૦૧૦ માં સીડીનું આગમન થયું ત્યાં સુધી ઓડીઓ કેસેટનું  સંગીત પ્રેમીઓના ઘરમાં સ્થાન રહ્યું. લોકો ગીતોનું લીસ્ટ લઈને જાય તે પ્રમાણે મ્યુઝિક શોપવાળા કેસેટમાં રેકોર્ડ કરી આપે. કેસેટની ટેપ ક્યારેક બહાર નીકળી જતી કે અટકી જતી, ત્યારે લોકો તેને પેન અથવા પેન્સિલ ભરાવીને ગોળ-ગોળ ફેરવીને હાથથી સરખી કરતા હતા.

છેલ્લો બોલ :

                        ૫૧ વર્ષ પહેલા આજના દિવસે (૩૦/૦૮/૧૯૭૫) ગુજરાતી ફિલ્મ ‘મેના ગુર્જરી’ ગુજરાતમાં રીલીઝ થઇ હતી. ૧૫ દિવસ પહેલા જ રીલીઝ થયેલ ‘શોલે’ અને ‘જય સંતોષી માં’ ના વાવાઝોડા વચ્ચે ‘મેના ગુર્જરી’ એ ગુજરાતમાં ધૂમ મચાવી હતી. ફિલ્મમાં ડાકુઓનો સામનો કરતી મેનાને (મલ્લિકા સારાભાઈને) જોઈ લોકો તાલીઓના ગડગડાટથી થીએટર ગજવી દેતા.

            ઉષા મંગેશકરના સ્વરે ગવાયેલું આ પિકચરનું ગીત જે પછીથી ગુજરાતનો પ્રખ્યાત ગરબો થઇ ગયો. કોઈ નવરાત્રી આ ગરબા વિના ખાલી ન જતી, તે હતું ….’સાથિયા પુરાવો દ્વારે …દિવડા પ્રગટાવો રાજ’. નવરાત્રી વખતે ઘર ઘર અને દરેક શેરી કે મહોલ્લામાં મલ્લામાતાની આરતી પછી આ ગરબો ગુંજતો રહેતો.

          હેમામાલિની (શોલે), અનિતા ગુહા (જય સંતોષી માં) અને મલ્લિકા સારાભાઈ (મેના ગુર્જરી) નો સમાન સંદેશો ‘સ્ત્રીશશક્તિકરણ’ ૫૧ વર્ષ પહેલા નવો હતો.

પિક્ચરની ટિકિટનો ભાવ = લોઅર સ્ટોલ : ૧.૨૦ રૂ, અપર સ્ટોલ : ૧.૫૦ રૂ, બાલ્કની : ૨.૦૦ રૂ

ડો.આશિષ ચોક્સી

drashishchokshi.com

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!