Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

૦૬/૦૯/૨૦૨૬  

લેખ નંબર = ૧૦

“હેપ્પી બર્થડે – લાડો”  

વાંચન સમય = ૪ મિનિટ  

            ૪૦ વર્ષ પહેલા આજના દિવસે (૦૬/૦૯/૧૯૮૬) પત્રકાર હરીશ ભનોત પોતાની દીકરીના કોફીનને લેવા મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બીજા દિવસે એટલે કાલે ૦૭ સપ્ટેમ્બરે આ દીકરીનો જન્મ દિવસ હતો. દેશ માટે આ દીકરીએ જે કામ કર્યું હતું તેના માટે કોઈ પણ પિતા માટે ગર્વની વાત કહેવાય પણ એક પિતા તરીકે ૨૨ વર્ષની દીકરીને ગુમાવવા બદલ એક પિતાનું હ્રદય અંદરથી તૂટી ગયું હતું.

              ભારતની એક દીકરી જેને પાકિસ્તાનની સરકારે માનવતા અને બહાદુરી માટે સન્માનિત કરી હોય. પાકિસ્તાની ન્યાયતંત્ર, સરકાર અને મીડિયા દ્વારા તેની વર્ષો સુધી પ્રસંશા કરી હોય તે કેટલી આશ્ચર્યજનક વાત કહેવાય.  ભારતમાં  અશોકચક્ર સન્માનિત પ્રથમ મહિલા તેમજ અમેરિકન સરકારે પણ બહાદુરી અને માનવતા માટે  સન્માનિત કરેલ ભારતીય એરહોસ્ટેસ નિરજા ભનોતની આ વાત છે.  

                ૫/૯/૧૯૮૬ : મધ્ય રાત્રી ૧૨.૧૫.  મુંબઈ ખાતે પેન.એમ એરની ગાડી એર હોસ્ટેસ નિરજા ભનોતને રિસીવ કરવા તેના ઘરે આવી ત્યારે માતાએ તેને કહ્યું, ‘તારી સાત સપ્ટેમ્બરે વર્ષગાંઠ છે. સમયસર આવી જજે.’  

      ૧.૩૦ વાગ્યે મુંબઈ- ન્યુયોર્ક વાયા કરાંચી પેન એમ એર ફ્લાઈટે ઉડાન શરુ કરી. કરાંચી એરપોર્ટ પર સવારે ૪.૩૦ વાગ્યાની આજુઆજુ ફ્લાઈટ પહોંચી. કરાંચી એરપોર્ટ પર થોડા મુસાફરો ઉતરી રહ્યા હતા અને નવા ૨૦ જેટલા મુસાફરો બોર્ડીંગ કરી રહ્યા હતા ત્યારે નિરજાને સવારે છ વાગ્યે સૌથી પહેલા ખ્યાલ આવ્યો કે વિમાનમાં કરાંચીથી મુસાફરો સાથે ચાર ટેરરિસ્ટ આવી ગયા છે. નિરજાએ મુખ્ય પાયલોટને કેબિનમાં ‘હાઈજેક કોડ’ પહોંચાડી પાયલોટ અને મુખ્ય એન્જિનિયરને પ્લેનની બહાર મોકલી દીધા અને પ્લેઈનને  ટેઈક ઓફ ના થવા દીધું.

               અબુ નીદાલ ગ્રુપના આતંકવાદીઓ પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ જેવી જ વર્દી પહેરી તેમના જેવા જ  વાહનમાં પ્લેન સુધી આવવામાં સફળ થયા હતા.  ઇઝરાયલની જેલમાં બંધ પેલેસ્ટાઇન ઉગ્રવાદીઓને છોડાવવાની તેમની ઈચ્છા હતી. પ્લેન હાઈઝેક કરી ઇઝરાયલ અથવા સાયપ્રસ લઇ જઈ તેઓએ તેમની માંગણી પૂરી કરવી હતી. અમેરિકાએ ઇઝરાયલને ટેકો જાહેર કરેલ હોવાથી પ્લેનમાં હાજર ૪૩ અમેરિકન મુસાફરો તેમનો મુખ્ય ટાર્ગેટ હતો.

                    બન્ને પાયલોટે પ્લેન છોડી દીધું આથી પ્લેન ટેઈક ઓફ ના થઇ શક્યું આથી આતંકવાદીઓ ખુબ ગુસ્સામાં હતા. હવે પ્લેનમાં રહેલ મુસાફરોની સઘળી જવાબદારી ૨૨ વર્ષની નિરજા માથે હતી. આતંકવાદીઓ સાથે વાતચીત પણ તે જ કરતી હતી. બપોર સુધીમાં તેણે ૪૩ અમેરિકન નાગરિકોના પાસપોર્ટ અલગ કરી છુપાવી દીધા આથી આતંકવાદીઓ  અમેરિકન નાગરિકોને ઓળખી જ ના શક્યા. દિવસભર તે ૩૬૦  જેટલા મુસાફરોને હિંમત આપતી રહી.

                 કઠિન પરિસ્થિતિમાં પણ તે હસતા મોઢે બધા મુસાફરોને મળતી રહી, હસાવતી તેમજ શાંત રાખતી. રાત્રે ૯.૩૦ વાગ્યે પ્લેનની અંદરની લાઈટો જતી રહી.  આતંકવાદીઓ ગભરાઈ ગયા કે કમાન્ડો એટેક થઈ રહ્યો છે. ગભરાટમાં આવીને તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને ગ્રેનેડ ફેંક્યા.  ગોળીઓ વર્ષાવા લાગી ત્યારે નીરજાએ તાત્કાલિક ઇમરજન્સી એક્ઝિટ ડોર ખોલી નાખ્યો અને બાળકોને બહાર કાઢવા લાગી. ત્રણ બાળકોને બહાર કાઢતી વખતે જ્યારે એક આતંકવાદીએ બાળકો પર બંદૂક તાકી, ત્યારે નીરજાએ વચ્ચે આવીને ગોળીઓ પોતાની છાતી પર ઝીલી લીધી.  

          પાકિસ્તાનની  એસ.એસ.જી. (SSG) કમાન્ડો ટીમે પ્લેનમાં એન્ટ્રી કરી અને હુમલો કર્યો. એક આતંકવાદી માર્યો ગયો બાકીના પકડાયા. આ કરુણ ઘટનામાં નીરજા સહિત કુલ ૨૦ લોકોના જીવ ગયા હતા. નિરજાએ  ટેરરિસ્ટોથી ડર્યા વિના ઈમરજન્સી ડોર ખોલ્યો હતો તેનાથી  ૩૬૦ જેટલા મુસાફરોને નિરજાએ બચાવ્યા. આતંકવાદીઓએ તેને પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી ઠાર કરી. રાત્રે ૧૧ વાગ્યે કરાંચીની હોસ્પિટલમાં નીરજાને પહોંચાડતા રસ્તામાં જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

            નિરજાએ બચાવેલ ત્રણ બાળકોમાંથી એક બાળક પાયલોટ બન્યો. પોતાને નવું જીવન આપવા બદલ વાંરવાર નિરજાને યાદ કરે છે.

        છેલ્લો બોલ :

                ૦૬/૦૯/૧૯૮૬  તારીખે તેનું કોફીન લેવા તેના માતાપિતા મુંબઈ એરપોર્ટ પર આવ્યા. તેના પિતા તેના કોફીન પાસે જઈ બોલ્યા, ‘હેપ્પી બર્થ ડે – લાડો’. બીજા દિવસે ૦૭/૦૯/૧૯૮૬ ના દિવસે નિરજાના જન્મદિવસે તેના અંતિમ સંસ્કાર કરતી વખતે પિતા હરીશ ભનોતે દીકરીને અંતિમ વિદાય આપતા કહ્યું, ‘ગુડબાય ડાર્લિંગ, પ્લીઝ કીપ કમિંગ…"

                          (માહિતી : નિરજાના ભાઈએ લખેલ પુસ્તક 'The Neerja I Knew', તેમજ હિન્દી ફિલ્મ ‘નિરજા’ માંથી)

ડો. આશિષ ચોક્સી

(drashishchokshi.com)

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!