Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

૨૦/૦૯/૨૦૨૬

લેખ નંબર = ૧૨

ગબ્બર સિંહ

વાંચન સમય = ૪ મિનિટ  

૨૦/૦૯/૧૯૭૩

                     દક્ષિણ મુંબઈની એક મેટરનિટી હોસ્પિટલ : બપોરના સમયે શૈલાખાન નામની એક મહિલાએ એક દીકરાને જન્મ આપ્યો. શૈલાખાનના ૩૩ વર્ષીય પતિએ થોડા મહિના અગાઉ રીલીઝ થયેલ હિન્દી ફિલ્મ ‘હિન્દુસ્તાન કી કસમ’ માં નાનો નેગેટીવ રોલ ભજવ્યો હતો. આ વિલન – અભિનેતાની આર્થિક હાલત ખુબ ખરાબ હતી. તેની પાસે મેટરનિટી હોમનું ૪૦૦ રૂ બિલ ભરવાના પૈસા પણ ન હતા. આ સમયે ‘હિન્દુસ્તાન કી કસમ’ ના દિગ્દર્શક ચેતન આનંદે ૪૦૦ રૂ ની આ અભિનેતાને  મદદ કરી.

               એ જ દિવસે સાંજે આ અભિનેતાને એટલે અમજદખાનને રમેશ સિપ્પીએ બોલાવ્યા અને પોતાની ફિલ્મ ‘શોલે’ માં ના ગબ્બરસિંહના રોલ માટે ૧૧,૦૦૦ રૂ માં સાઈન કર્યા. અમજદખાન પોતાના પ્રથમ સંતાન શાદાબખાનને મોસ્ટ લકી માનતા કારણકે તેના જન્મ દિવસે જ (૫૩ વર્ષ પહેલા આજના દિવસે) તેમને ‘શોલે’ માટે સાઈન કરવામાં આવ્યા જે ફિલ્મે તેમને કરોડો રૂ નું સ્ટારડમ આપ્યું.

         ગબ્બરસિંહના રોલ માટે પહેલા ડેની ને સાઈન કરવામાં આવ્યા હતા. આ અગાઉ ડેનીએ  ફિરોઝખાનની ‘ધર્માત્મા’ સાઈન કરી હતી જેનું શુટિંગ સપ્ટેમ્બર ૧૯૭૩ માં જ અફઘાનિસ્તાનમાં શરુ થયું. રમેશ સિપ્પી ‘શોલે’નું શુટિંગ પણ આ જ સમયમાં શરુ કરવાના હતા આથી ડેનીએ ૧૫ સપ્ટેમ્બરની આસપાસ ‘શોલે’ માટે ના કહી.

            ૧૯૬૩ માં દિલ્હીમાં ‘એ મેરે વતન કે લોગો’ નામનું નાટક ભજવાયું હતું. આ નાટકમાં ૨૩ વર્ષના અમજદખાને એક લશ્કરી અધિકારીની શાનદાર ભૂમિકા નિભાવી હતી. જાવેદ અખ્તરે આ નાટક જોયું હતું. ત્યારથી અમજદખાનનો અભિનય  તેમના મનમાં યાદ રહ્યો હતો. ડેનીની નાં પછી તેમણે શોલેના તેમના જોડીદાર લેખક સલીમખાનને  અમજદખાન વિશે વાત કરી.

             જાવેદખાને પોતે લખેલા ‘શોલે’ ના વિલનના ડાયલોગ અમજદખાન બોલશે તો તે કેવા લાગશે તેનું વિઝ્યુઆલાઈઝેશન કરી લીધું હતું. બન્નેએ રમેશ સિપ્પીને વાત કરી. રમેશ સિપ્પી ડેનીની ના પછી ગબ્બરસિંહના રોલ માટે રણજીતને લેવા વિચારતા હતા પણ ગોઠવાયું નહીં.

                   રમેશ સિપ્પીને  ખૂંખાર ડાકુ માટે અમજદખાનનો ચહેરો અને વ્યક્તિત્વ યોગ્ય લાગ્યા. તેમણે અમજદખાનને દાઢી વધારી આર્મી કપડા પહેરી સામે આવવા કહ્યું. અમજદખાને તે પ્રમાણે કર્યું અને થોડા સંવાદ ક્રૂર હાસ્ય સાથે બોલી બતાવ્યા. અમજદખાનને સાઈન કર્યા પછી શું થયું તેનો ઇતિહાસ તો આપણે બધા જાણીએ જ છીએ.

      ભારતીય સિનેમા ઇતિહાસમાં અમર થઇ ગયેલ ડાયલોગ ‘કિતને આદમી થે..?’ માટે અમજદખાને ૪૦ રીટેઇક આપ્યા હતા. સંજીવકુમાર, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા ધુરંધરોની હાજરીમાં અમજદખાન ડાયલોગ બોલતા થોડા નર્વસ થઇ જતા પણ રમેશ સિપ્પી તેમને પ્રોત્સાહિત કરતા.

                        ફિલ્મનું શુટિંગ ૦૧/૧૦/૧૯૭૩ શરુ થયું. ૧૫/૦૮/૧૯૭૫ ના દિવસે ‘શોલે’ રીલીઝ થઇ.  રીલીઝ થયાના શરૂઆતના ત્રણ દિવસ મુંબઈમાં ખુબ વરસાદ પડ્યો અને થિયેટર ખાલી રહેતા. ચોથા દિવસથી ધીરે ધીરે માઉથ ટુ માઉથ પબ્લિસિટીને કારણે ફિલ્મ ચાલવા લાગી. અમજદખાનની ખુબ ઈચ્છા હતી કે પોતાના પિતા અને અભિનેતા જયંત આ ફિલ્મ જુએ. પણ શોલે રીલીઝ થવાના બે મહિના અગાઉ તેઓનું નિધન થયું.

છેલ્લો બોલ :

                ચંબલના ડાકુઓ પર લખાયેલું એક પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ નો અભ્યાસ અમજદખાને ગબ્બરના પાત્રમાં જાન લાવવા માટે કર્યો. આ પુસ્તકમાં ડાકુઓનું જીવન, વર્તન, ભાષા અને રહેણીકરણી એટલી સચોટ હતી કે અમજદખાન ગબ્બરસિંહના પાત્રમાં ખુંપી ગયા હતા અને પાત્ર જીવંત બનાવી દીધું.

          આ પુસ્તકના લેખક એક વરિષ્ટ પત્રકાર હતા. આ પુસ્તક લખવા તેઓ દિવસો સુધી ચંબલના ડાકુઓ સાથે રહ્યા અને તેમની  બોલી અને રહેણીકરણીનો અભ્યાસ કર્યો હતો. આ પત્રકાર અને પુસ્તકના  લેખકનું નામ હતું તપન ભાદુરી. (જ્યા બચ્ચનના પિતા).  

ડો. આશિષ ચોક્સી

(drashishchokshi.com)

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!