Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

જેની કમનસીબીએ માર્ગ બદલવો પડ્યો – 13

૨૭/૦૯/૨૦૨૬  

લેખ નંબર =  ૧૩

જેની કમનસીબીએ માર્ગ બદલવો પડ્યો  

વાંચન સમય = ૭ મિનિટ

         તકલીફો પડ્યા છતાં ઘણા લોકો જીવનમાં એટલા બધા આત્મવિશ્વાસ સભર હોય છે કે કમનસીબીએ તેમના જીવનમાંથી માર્ગ બદલવો પડે છે. પોતાની સફળતાની કથા હાથ દ્વારા નહીં પણ પગ દ્વારા લખનાર અને પુરવાર કરનાર સુધા ચન્દ્રનની વાત છે. આજે તેમનો ૬૨ મો જન્મ દિવસ છે. (૨૭/૦૯/૧૯૬૫).

       ખુબ નાની ઉંમરે નૃત્યમાં નિપુણતા મેળવી સુધાએ  ૧૯૮૧ માં ૧૬ વર્ષની ઉંમર સુધીમાં ૭૫ જેટલા સ્ટેજ શો કર્યા. ૧૯૮૧ માં એક  બસ અકસ્માતમાં તેમનો જમણો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.  સારવાર દરમ્યાન તેમાં સડો પ્રસર્યો. જિંદગી બચાવવા પગ કપાવવો પડ્યો. તે પછી ચાર મહિને શારીરિક માનસિક રીતે થોડા  સ્વસ્થ થઇ તેણે ઘોડીથી ચાલવાનું શરુ કર્યું. તેમનું લક્ષ્ય ફક્ત ચાલવાનું ન હતું, તેમને પહેલાની જેમ ફરી નૃત્ય કરવું હતું. તેઓની નિપુણતા ભરત નાટ્યમ અને કથકમાં હતી જે કપાયેલા પગે શક્ય ન હતું.

         આ દરમ્યાન તેની મુલાકાત જયપુરમાં કુત્રિમ પગ બનાવતા ડો.પરમ સેઠી સાથે થઇ. સુધાએ  પહેલી મુલાકાતમાં જ ડોક્ટર સેઠીને કહ્યું, ‘મારે ફક્ત ચાલવું નથી, મારે નૃત્ય પણ કરવું છે. તમે મારા માટે  નૃત્ય કરી શકું તેવો પગ બનાવી આપી શકશો?’ સુધાની ફરીથી નૃત્ય શરુ કરવાની અદમ્ય ઈચ્છાને સફળ બનાવવાનો પડકાર ડો.સેઠીએ ઝીલી લીધો.  

                  સુધાના ફરી ભરત નાટ્યમ કરવાના સ્વપ્નને પૂરું કરવા ડો. સેઠી અને તેમના સાથી તેમજ શિલ્પકાર રામચન્દ્રને તેમની  કાર્યકુશળતાને પુરેપુરી  કામે લગાવી દીધી. કોઈને મદદ કરનાર વ્યક્તિ દાનેશ્વરી કહેવાય. કોઈનું સ્વપ્ન પૂરું કરનાર વ્યક્તિને દેવદૂત કહેવાય. સુધાનું સ્વપ્ન પૂરું કરવા બે દેવદૂતોએ પોતાની સર્વસ્વ તાકાત લગાવી દીધી હતી.

           તેમણે અને પંડિત રામચન્દ્રએ સુધાના સ્ટેપ્સ ધ્યાનથી જોયા અને  એલ્યુમિનિયમ, લાકડું, પોલીયુરેથીન, ઈવા ફોમ અને વોટર પ્રૂફ રબરના ઉપયોગથી  વજનમાં હલકો કુત્રિમ પગ બનાવી આપ્યો. આ પગ સાથે સુધાએ ફરી પ્રેક્ટીસ શરુ કરી. કપાયેલા પગની ચામડી અને કુત્રિમ પગના ઘર્ષણથી થતું અસહ્ય દર્દ ભૂલી સુધાએ પોતાના નૃત્યની સાધના ચાલુ રાખી.  ડો. સેઠીએ તેને કહ્યું હતું, ‘હું મારાથી બનતું શ્રેષ્ઠ કરીશ. તું પ્રેક્ટીસ અથવા પર્ફોર્મન્સ વખતે તે કુત્રિમ પગ પહેર્યો છે તે ભૂલી જજે.’

             એ સમયે તો સુધા એટલી પ્રખ્યાત વ્યક્તિ પણ ન હતી. ડો. સેઠીની એપોઇન્ટમેન્ટ ૧૯૮૧ માં છ માસે મળતી હતી. આટલા વ્યસ્ત ડોક્ટર અને રામચન્દ્ર પોતાનું બધુ કામ પૂરું કરી મોડી રાત્રે સુધાના નૃત્યના સ્ટેપ જોતા, ચર્ચા કરતા. એ વખતે કોમ્પ્યુટર ન હતા. નાના નાના માઈક્રો ફેરફાર કુત્રિમ પગમાં કરી સુધા ભરત નાટ્યમમાં પગ પછાડવાના સ્ટેપને પણ દર્દ વિના કરી શકે તેમજ ૧૮૦ ડીગ્રીએ ફરી શકે તેવો અનુકુળ કુત્રિમ પગ બનાવવા ઘણા પ્રયત્નો કર્યા.

              તેમની મહેનત અને પ્રતિબદ્ધતાનું પરિણામ ૨૮/૦૧/૧૯૮૪ ના દિવસે જ્યારે સુધાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પરફોર્મ કર્યું ત્યારે સમગ્ર દુનિયાએ જોયું.   આ શો વખતે તાળીઓના ગડગડાટ વચ્ચે સુધા ભૂલી ગઈ હતી  કે તેણે કુત્રિમ પગ પહેર્યો છે. કુત્રિમ પગ સાથે આ પહેલો શો પૂરો થયો ત્યારે તેના પિતાએ સુધાના પગને સ્પર્શ કરતા કહ્યું, ‘હું એ છોકરીના પગને અડું છુ જેના ભાગ્યએ પણ ઘૂંટણ ટેકવવા પડ્યા હોય.’

          ડો.સેઠીએ સુધાને અભિનંદનનો ટેલિગ્રામ કર્યો. (નાચે મયુરી પિકચરમાં ઈમોશન લાવવા ડો.સેઠી સુધાના આ પર્ફોર્મન્સ વખતે હાજર હોય તેવું ખોટું બતાવવામાં આવ્યું છે.)

                તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ તેની વાત  રસ પૂર્વક જાણી હતી. પછીથી તો તેણે સંખ્યાબંધ એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા. તેની સંઘર્ષકથા ૧૯૮૪ માં તેલુગુમાં ‘મયુરી’ અને ૧૯૮૬ માં હિન્દી ફિલ્મ ‘નાચે મયુરી’ માં જોવા મળી. કોઈ વ્યક્તિની બાયોપિકમાં તે વ્યક્તિએ પોતે જ પોતાનો રોલ ભજવ્યો હોય તેવું પહેલી વખત બન્યું હશે.

              આ સફળતા પછી છ સાત વર્ષ અન્ય કોઈ કામ ના મળ્યું અને સુધાએ ઘરે બેસી રહેવું પડ્યું. પછીના વર્ષોમાં નૃત્ય સાથે અભિનય, ટીવી સિરિયલ, સિંગિંગ તેમજ એન્કરીંગમાં પણ સુધા ચન્દ્રને સફળતા મેળવી.

              ૧૯૮૧ માં અકસ્માત પછી સુધા ચન્દ્રનના પિતા તેને માટે વ્હીલચેર લાવેલા. વ્હીલચેર વર્ષો સુધી નવીને નવી જ ઘરમાં પડી રહી હતી.

છેલ્લો બોલ :

"कहते हैं अगर किसी चीज को दिल से चाहो… तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है।"

‘ઓમ શાંતિ ઓમ’ પિકચરમાં શાહરૂખ ખાન

ડો.આશિષ ચોક્સી

(drashishchokshi.com)

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!