Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

૦૪/૧૦/૨૦૨૬  

લેખ નંબર = ૧૪

ઈશ્વરના દૂત  

વાંચન સમય = ૯  મિનિટ

                            ૧૯૯૭ ના ઓક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં પ્રગટ થયેલ ટાઈમ મિગેઝીને   સદીની ૫૦ માનવતાવાદી શોધોનું લીસ્ટ આપ્યું હતું. આ શોધોમાં તેમણે ભારતના ‘જયપુર ફૂટ’ ને સ્થાન આપ્યું હતું અને તેના વિશે લખ્યું હતું કે ‘કોઈ પણ દેશમાં  યુધ્ધમાં ઘવાયેલ  અંતરિયાળ ગામની વ્યક્તિ કદાચ ન્યુયોર્ક કે પેરીસ શહેરનું નામ નહીં જાણતી હોય પણ ૨૮ ડોલર (એ વખતે ૧૦૦૦ રૂ) માં નવજીવન આપતા જયપુર શહેર અને તેના ‘જયપુર ફૂટ’ ને જરૂર ઓળખતા હશે.’

                              ૧૯૬૫ ની સાલમાં જયપુરની એસ.એમ.એસ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પી. કે સેઠી  કપાયેલા પગના દર્દીઓને વિદેશી કુત્રિમ પગ આપતા. તેમણે જોયું કે દર્દીઓ થોડા સમયમાં જ લોખંડ, લાકડું અને ચામડાના બનેલ આ પગને વાપરવાનું બંધ કરી દે છે. દર્દીની મૂળભૂત સમસ્યા દુર નહીં કરી શકવા બદલ તેઓ થોડા વ્યથિત હતા. એક વખત તેઓ હોસ્પિટલમાં આંટો મારતા હતા ત્યારે  એક અન્ય વિભાગમાં તેમણે જોયું કે  પંડિત રામચન્દ્ર નામનો એક શિલ્પકાર રક્તપિત્તના દર્દીઓને લાકડાના રમકડા બનાવતા શીખવતો હતો.

                     જ્યારે પોતાના રડારમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ આવે ત્યારે ઈશ્વર તેમના દ્વારા માનવતાના કામો પુરા થાય તે માટે તેમનું મિલન અવશ્ય કરાવે છે. ડો. પરમ કરણ સેઠી આગ્રા તેમજ લંડનથી ભણેલ ઓર્થોપેડિક સર્જન હતા. પંડિત રામચન્દ્ર નાનામોટા શિલ્પ બનાવતા કારીગર હતા. બન્ને જાણે એકબીજા માટે જ સર્જાયા હતા. બન્નેએ ભેગા થઇ ૧૯૬૫ થી ૧૯૬૭ વચ્ચે ભારતીયોની જરૂરિયાત પ્રમાણે કુત્રિમ પગ બનાવવા જયપુરની (SMS) સવાઈ માનસિંહ હોસ્પિટલ માં ખુબ સંશોધનો કર્યા.

          વિદેશી કુત્રિમ પગોમાં લોખંડ અને ભારે લાકડું હતું તેની જગ્યાએ તેમણે હલકું લાકડું અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરી હલકો પગ બનાવ્યો જે ત્રણેય દિશામાં વળી શકે અને ભારતીય ખેડૂતો, મજૂરો અને સામાન્ય માણસોની જરૂરિયાત પૂરી કરી શકે. પણ હજુ આ શોધમાં કઈક ખૂટતું હતું, આથી બન્નેએ પોતાની શોધનો પ્રયોગ દર્દીઓ પર કર્યો ન  હતો.

                       જ્યારે ઈશ્વરને પૂરો ભરોસો કોઈ વ્યક્તિ માટે આવી જાય કે તે હવે માનવકલ્યાણ ના કાર્ય કરશે ત્યારે તેની પાસે ખૂટતી વસ્તુ તે ચમત્કાર દ્વારા આપી દે છે. ૧૯૬૭ – ૧૯૬૮ માં એક ચમત્કારિક ઘટના બની. પંડિત રામચન્દ્રની સાયકલને પંક્ચર પડ્યું. તેઓ પંક્ચર રીપેર કરી આપતા સાયકલવાળાની દુકાને ગયા. સાયકલવાળાએ રબરને કાપી થોડું ગરમ કરી પંક્ચર કરી આપ્યું. ગરમ રબર જે રીતે મોલ્ડ થઇ ટાયર પર ચિપકી ગયું તે જોઇને રામચન્દ્રને જયપુર પગમાં ખૂટતી કડી મળી ગઈ.

            હવે તેમણે કુત્રિમ પગને વણાક અને લવચિકતા આપવા લાકડા અને એલ્યુમિનિયમ સાથે  લિક્વિડ રબરનો ઉપયોગ કર્યો. વિજ્ઞાન અને શિલ્પ સાથે હવે માનવતાનો સંગમ થયો. ડો. સેઠીએ રામચન્દ્રને પગનો કયો જોઈન્ટ કેટલું વજન ખમી શકે તે સમજ આપી. રામચન્દ્રને  દર્દીના પગની સાઈઝ અને દર્દીના વજન અનુસાર પગની બનાવટમાં કુત્રિમ રબરના કેટલા પડ બનાવવા પડે તે સમજ હતી. આ પડ એકબીજા સાથે મોલ્ડ થઇ દર્દીની જરૂરિયાત પ્રમાણે લવચિકતા આપતા.

         ડો. સેઠી અને પંડિત રામચન્દ્રએ વિઝ્યુઅલાઈઝ કરેલ કુત્રિમ પગ હવે તૈયાર થઇ ગયો હતો. તેમણે રબરને મોલ્ડ એ રીતે કર્યો કે કુત્રિમ પગ અને આંગળીઓ અસલી પગ જેવા જ લાગે. આ પગથી ચાલવું, દોડવું, ઉભડક બેસવું, કાદવમાં કે પર્વત પર ચઢવા જેવા કામો પણ થઇ શકતા હતા.

                         ૧૯૬૮ માં એક ગરીબ મજુર કપાયેલા પગે SMS (સવાઈ માધોસિંહ) હોસ્પિટલમાં દાખલ થઇ રડતો હતો કે પગ વિના હવે પોતાનું આગળનું જીવન કેમનું ધપાવી શકશે? ડો.સેઠી અને રામચન્દ્રએ મજુરના પગનું માપ લઇ તરત પગ બનાવી નાખ્યો. મજુરના કપાયેલા પગમાં ફીટ કર્યો. બીજા જ દિવસે મજુર ચાલતો હતો, દોડતો હતો અને પલાઠી વાલી બેસી પણ ગયો. હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફની આંખમાં આંસુ હતા.                    

                       ડો. સેઠીએ પોતાની અને રામચન્દ્રની શોધની પેટન્ટ ના લીધી. ૧૯૭૫ સુધી તેમની શોધનો લાભ ૫૦ થી ૬૦ લોકોએ જ લીધો. ૧૯૭૫ માં દેવેન્દ્ર રાજ મહેતા નામના એક IAS  ઓફિસર  સંસ્થાના કાર્ય સાથે જોડાયા. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સીટી સાથે કરાર કર્યો. ૧૯૭૯ માં રશિયા અને અફગાનિસ્તાનના યુદ્ધ પછી UN ના સહયોગથી હજારો ઈજાગ્રસ્ત અફઘાન પુરુષો અને બાળકોને જયપુર ફૂટ બેસાડી તેમને નવજીવન આપવામાં આવ્યું.

          વિયેતનામ, શ્રીલંકા તેમજ ઘણા આફ્રિકન દેશોમાં જરુરી જગ્યાએ તેમની મોબાઈલ વાન તેમના મોબાઈલ વર્કશોપ સાથે પહોંચી જાય. જરૂરીયાતમંદ વ્યક્તિના પગનું માપ લે અને એક જ દિવસમાં પગ તૈયાર કરી તેને આપી તેને ચાલતો – દોડતો કરી દે. ૧૯૮૪ માં સુધાચન્દ્રનની સારવાર પછી સમગ્ર ભારતમાં જયપુર ફૂટ વિશે માહિતી ફેલાઈ ગઈ. લોકો ડો. શેઠી અને રામચન્દ્રને ઓળખતા થઇ ગયા હતા.  

             અત્યારે ૨૦૨૬ સુધીમાં  સુધી ૪૦ થી વધુ દેશોના ૨૫ લાખ લોકોને જયપુર ફૂટ બેસાડી સન્માનીય નવજીવન આપવામાં આવ્યું છે. હવે ૨૦ જેટલા દેશો પોતાના દેશની જરૂરીયાત પ્રમાણે જયપુર ફૂટની કોપી કરી પોતાના દેશમાં જ કુત્રિમ પગ બનાવતા થઇ ગયા છે. આ જ વસ્તુ ડો. સેઠીનું સ્વપ્ન હતું જે માટે તેઓએ પેટન્ટ લીધી ન હતી.  હાવર્ડ બિઝનેસ સ્કુલે પોતાના કોર્સમાં જયપુર ફૂટના સામાજિક અને માનવીય અભિગમની વાત સમાવી છે.

                    ડો. સેઠી અને તેમના કાર્યને રોમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, ડો.બી.સી રોય નેશનલ એવોર્ડ, ગિનીઝ એવોર્ડ ફોર સાયન્ટીફીક એચીવમેન્ટ, રોટરી એવોર્ડ  ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળ્યા છે. આમ, જયપુર ફૂટ માત્ર એક કૃત્રિમ પગ નથી, પણ વિજ્ઞાન અને માનવતાના ઇતિહાસમાં ભારતનું એક ગૌરવશાળી પ્રતીક છે. ડો. સેઠીએ નમ્રતાથી ઘણી બધી જગ્યાએ કહ્યું, ‘મારું કાર્ય રામચન્દ્રને કારણે જ પૂર્ણ થયું.’

           ૨૦૦૮ માં ડો. સેઠી અને ૨૦૧૮ માં રામચન્દ્ર ઈશ્વર પાસે પહોંચ્યા પણ તેમણે નિર્માણ કરેલી સંસ્થા હજુ પણ જયપુર ફૂટ બનાવી જરૂરીયાતમંદોને મદદ કરે છે.

છેલ્લો બોલ :

           કારગિલ વોર વખતે ૧૯૯૯ માં ઘવાયેલા ભારતીય લશ્કરના મેજર દેવેન્દ્રપાલ સિંહનો જમણો પગ ઘૂંટણના નીચેથી કાપવો પડ્યો. જયપુર ફૂટ અને પ્રોસ્થેટીક બ્લેડની ની મદદથી તેઓ ચાલી શક્યા, દોડી શક્યા અને ૨૬ જેટલી હાફ મેરેથોન વિવિધ જગ્યાએ પૂર્ણ કરી.

ડો.આશિષ ચોક્સી

(drashishchokshi.com)

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!