૦૧/૧૧/૨૦૨૬
લેખ નંબર = ૧૮
વૈશ્વિક ગૌરવથી ભંગારની દુકાન સુધીની સફર
વાંચન સમય ૯ મિનિટ
લેખક : ડો. આશિષ ચોક્સી
કોઈ વસ્તુને દુનિયાનું શ્રેષ્ઠ સન્માન મળ્યું હોય પછી તે ક્યાંક ખોવાઈ જાય ત્યારબાદ તેના માટે એવું માની લેવાય કે હવે તેનું અસ્તિત્વ જ નહીં હોય અને અચાનક તે વસ્તુ ૧૦ વર્ષ બાદ કોઈને ભંગારની દુકાનમાંથી મળી આવે તો તે કેટલું મોટું આશ્ચર્ય કહેવાય.
૧૯૫૫ – ૧૯૫૬ ની આજુબાજુના સમયમાં એક વખત કલકત્તાના કબાડી બજારમાં બંગાળી કેમેરામેન સુબ્રત મિત્ર ફરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક જુના કટાઈ ગયેલા ટીનબોક્ષ પર પડી. સામાન્ય રીતે આવા ટીનબોક્ષમાં એ વખતે ફિલ્મની પ્રિન્ટ રાખવામાં આવતી. કતુહુલવશ તેમણે એ ટીનબોક્ષ ખોલ્યું તો ધૂળના થર જામેલી ફિલ્મની પ્રિન્ટ હતી. ધૂળના થર દુર કરતા ફિલ્મનું નામ વાંચવા મળ્યું, ‘નીચા નગર’.
સુબ્રત મિત્ર સત્યજીત રે સાથે કામ કરી રહ્યા હતા. તેમને અને સત્યજીત રે ને આ ફિલ્મનું ઐતિહાસિક મહત્વ અને પ્રિન્ટ ભારત માટે કેટલી મહત્વની છે તે જાણ હતી. છેલ્લા દસકાથી લોકો જે શોધી રહ્યા હતા તે વસ્તુ અનાયાસે જ તેમના હાથમાં આવી ગઈ હતી. તેમણે આ પ્રિન્ટ પુનાની નેશનલ આર્કાવ્સને મોકલી. નેશનલ આર્કાઈવ્ઝે કેમિકલ ટ્રીટમેન્ટ આપી પ્રિન્ટનું રીસ્ટોરેશન કરી જણાવ્યું કે ‘નીચા નગર’ ફિલ્મની આ ઓરિજિનલ પ્રિન્ટ હતી.
૧૯૪૬ માં રજુ થયેલ ‘નીચા નગર’ ફિલ્મમાં શ્રીમંત મકાનમાલિક અને ઝૂપડપટ્ટીમાં રહેતી ગરીબ વ્યક્તિ વચ્ચેના ઘર્ષણની વાત છે. સમાજના ઊંચનીચનો ભેદ સમજાવતી ફિલ્મ ‘નીચા નગર’ એક માત્ર ભારતીય ફિલ્મ છે જેને કાન્સ ફેસ્ટીવલનું સર્વોચ્ચ સન્માન ‘ગોલ્ડન પામ’ મળ્યું છે.
ચેતન આનંદનું પહેલી ફિલ્મ નિર્દેશન, પંડિત રવિશંકરનું પ્રથમ ફિલ્મ સંગીત, કામિની કૌશલનનો ફિલ્મ પ્રવેશ, ઝોહરા સાયગલનું નૃત્ય નિર્દેશન ધરાવતી આ ફિલ્મને એ વખતે કોઈ વિતરકે ખરીદી નહીં. મુંબઈથી થોડે દુર એક ગામમાં રજુ કરી દર્શકોના અભાવે ફિલ્મને ઉતારી લેવી પડી. એવું મનાય છે કે કદાચ કલકત્તામાં રજુ કરવા એક પ્રિન્ટ ત્યાં ગઈ હશે જે રજૂઆતના અભાવે ભંગારમાં વેચાઈ હશે.
૧૯૪૬ માં ભારતમાં આઝાદીનો માહોલ હતો દર્શકોને મનોરંજન જોયતું હતું. 'નીચા નગર' માં મનોરંજન ગાયબ હતું. તેમાં ગરીબી, ભૂખમરો, રોગચાળો અને ગંભીર સામાજિક આંદોલન બતાવવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિબ્યુટર્સે ચેતન આનંદને મોઢામોઢ કહી દીધું હતું કે, "આવી ગંભીર વાસ્તવિકતા જોવા માટે દર્શકો પૈસા ખર્ચીને થિયેટરમાં નહીં આવે." પરિણામે, કોઈ સર્કિટના વિતરકે આ ફિલ્મને હાથ પણ ન લગાડ્યો.
૧૯૪૬ માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. ફ્રાંસના કાંસ શહેરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ ‘કાંસ’ ના નામે શરુ થયો. તેમણે દુનિયાભરના ફિલ્મ નિર્દેશકોને સામાજિક સંદેશ આપતી પ્રયોગાત્મક ફિલ્મ મોકલવા આમંત્રણ આપ્યું. ફિલ્મના લેખક ખ્વાજા અહેમદ અબ્બાસે ચેતન આનંદને આ ફિલ્મ કાંસ ફેસ્ટીવલમાં મોકલવા સલાહ આપી.
ફિલ્મનો એક સીન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો વાર્તામાં જ્યારે જમીનદાર ગામનું પાણી બંધ કરી દે છે, ત્યારે તરસથી વ્યાકુળ એક નાનું બાળક પીવાનું ચોખ્ખું પાણી ન મળવાને કારણે તડપીને રસ્તા પર વહેતા ગંદા-દૂષિત પાણીના ખાબોચિયામાંથી પાણી પી લે છે. આ દ્રશ્ય કાંસના જ્યુરી સભ્યો માટે ખુબ હૃદયદ્રાવક અને પ્રભાવશાળી રહ્યું.
ફિલ્મના ક્લાયમેક્ષ દ્રશ્યમાં પંડિત રવિશંકરે ભારતીય વાધ્યો જેમ કે સિતાર, વાંસળી, ઢોલક અને ભારતીય નગારાનો ઉપયોગ કરી ગજબનો ક્રાંતિ અને રોમાંચનો માહોલ ઉભો કર્યો હતો. દુનિયાની શ્રેષ્ઠ ૧૧ ફિલ્મોમાં એ વખતે આ ફિલ્મને સ્થાન મળ્યું. બિમલરોયની ‘દો બીઘા જમીન’ અને સત્યજીત રે ની ‘પાથેર પંચાલી’ તેમજ ‘સલામ બોમ્બે’ અને ‘મસાન’ ફિલ્મને કાંસની અલગ અલગ કેટેગરીમાં સન્માન મળ્યું છે પણ ‘ગોલ્ડન પામ’ સન્માન મેળવનારી આ ફિલ્મ હજુ સુધી એકમાત્ર ભારતીય ફિલ્મ છે.
એ પછી તરત ભારતમાં આઝાદીનો માહોલ આવ્યો. ફિલ્મના પ્રોડ્યુસર ફિલ્મની પ્રિન્ટ લઈને પાકિસ્તાન જતા રહ્યા. પાકિસ્તાનમાં પણ આ ફિલ્મને રજુ કરવામાં અનુકુળ માહોલ મળ્યો નહીં હોય એને કારણે સરહદની બન્ને બાજુ આ ફિલ્મ ડબ્બામાં જ પડી રહી. સત્યજીત રે સહિત ઘણા ભારતીય ફિલ્મ રસિકોએ આ ફિલ્મની પ્રિન્ટ શોધવા પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહીં. લોકો આ ફિલ્મને ભૂલી ગયા.
આ ફિલ્મમાં ચેતનઆનંદે પહેલી વખત ફિલ્મ નિર્દેશન કર્યું. તેમના ભાઈ વિજયઆનંદ (ગોલ્ડી) એ બાળકલાકારનો રોલ કર્યો. પંડિત રવિશંકરે ફિલ્મ સંગીતમાં આ ફિલ્મથી શરૂઆત કરી. લેખક ખ્વાજા અહેમદ અને ઝોહરા સહેગલે આ અગાઉ આ જ વર્ષમાં રીલીઝ થયેલ ‘ધરતી કે લાલ’ માટે કામ કર્યું હતું. ચેતન આનંદના પત્ની ઉમા આનંદે આ ફિલ્મમાં પ્રથમ વખત કામ કર્યું.
આ ફિલ્મના અન્ય એક પાત્ર માટે એક અભિનેત્રીની શોધ ચિલી રહી હતી. ઉમા આનંદે તેની કોલેજની મિત્ર અને લાહોર રેડિઓમાં કામ કરતી ઉમા કશ્યપનું નામ સૂચવ્યું. બે ‘ઉમા’ નામ ભેગા થઇ ગૂંચવાડો ના થાય તે માટે ચેતન આનંદે ઉમા કશ્યપને નામ બદલી ‘કામિની કૌશલ’ નામ સૂચવ્યું. કામિની કૌશલ માટે પણ આ ફિલ્મ કેરિયરની શરૂઆત હતી. આમ આખી ટીમમાં નવયુવાનો હતા અને મોટાભાગના પહેલી વખત ફિલ્મ ક્ષેત્રે પદાપર્ણ કરી રહ્યા હતા તેમના જુસ્સાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું.
૧૯૮૦ માં દૂરદર્શને ટીવી પર આ ફિલ્મ રજુ કરી ત્યારે ભારતીય દર્શકો આ ફિલ્મને જોઈ શક્યા. એ પછી આજના દિવસે એટલે ૦૧/૧૧/૨૦૧૫ ના દિવસે મુંબઈના રીગલ સિનેમામાં આ ફિલ્મનો સ્પેસ્યલ શો થયો ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલી એકમાત્ર જીવિત વ્યક્તિ ૮૮ વર્ષના કામિની કૌશલે તેમાં હાજરી આપી હતી. હાલ યુ ટ્યુબ પર આખી ફિલ્મને જોઈ શકાય છે.
ફિલ્મના મુખ્ય પાત્ર અભિનેતા રફિક અનવર ૧૯૪૭ માં પાકિસ્તાન જતા રહ્યા. ત્યાંથી લંડન સ્થાયી થયા. વર્ષો પછી ૧૯૭૭ માં આવેલ જેમ્સ બોન્ડની ફિલ્મ ‘ધ સ્પાય હુ લવ્ડ મી’ માં તેઓ દેખાયા હતા.
છેલ્લો બોલ :
ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ૦૧/૧૧/૧૯૪૮ ની આજુબાજુના દિવસોમાં ભારતે ૧૧,૫૭૫ ફૂટની ઊંચાઈએ આવેલ ઝોજી-લા ઘાટ પર ટેન્કો પહોંચાડી પાકિસ્તાનને અચંબામાં મૂકી દીધું. ૧૯૧૫ માં બ્રિટને પહેલી વખત ટેંક બનાવી ત્યારથી એ દિવસ સુધી આટલી ઊંચાઈએ કોઈ દેશે ટેંક પહોંચાડી હોય તેવું ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું. (માહિતી : પુસ્તક ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’ : લેખક : વિજયગુપ્ત મૌર્ય)
ડો. આશિષ ચોક્સી
(drashishchoksi.com)
