Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

૧૫/૧૧/૨૦૨૬

લેખ નંબર : ૨૦

ભયમુક્ત કેળવણીની ક્રાંતિ

વાંચન સમય = ૬ મિનિટ

લગભગ ૧૯૨૨ – ૧૯૨૩ નો સમય.

ભાવનગરનું દક્ષિણામૂર્તિ વિદ્યાભવન

           એક નાનું બાળક દોડતું દોડતું બાળમંદિરમાં આવ્યું. તે પોતાના પગરખા જેમતેમ ક્લાસરૂમ તરફ ફેંકી દોડી ગયું. સંસ્થાના આચાર્ય આ ઘટના જોતા હતા. તેમણે બાળમંદિરનું કાર્ય શરુ થયા પછી એ બાળકને બહાર બોલાવ્યું. તેને પ્રેમથી નજીક બેસાડી તેઓ પોતે અસ્તવ્યસ્ત પડેલા બધા પગરખા લાઈનમાં વ્યવસ્થિત ગોઠવવા લાગ્યા. તેમને જોઇને બાળક પણ પગરખા ગોઠવવાના કામમાં જોડાયું.

                        આ પ્રસંગ પોતાના પુસ્તકમાં લખનાર ગિજુભાઈ બધેકા સમજાવે છે, ‘જો બાળક બાળમંદિરમાં  આવ્યું ત્યારે જ ગુસ્સામાં અને શિસ્તના ભાગરૂપે ઊંચા અવાજે બધાની વચ્ચે તેના ચંપલ સરખા મુકવાનું મેં તેને કહ્યું હોત તો તેનું સ્વમાન ઘવાત. તેને પછીથી બોલાવી તેની સામે મેં જ ગોઠવવાનું શરુ કર્યું તેમાં તેને સમજાયું કે વ્યવસ્થિતતા કેટલી શ્રેષ્ઠ બાબત છે અને તેણે મારું અનુકરણ કર્યું. હવે તે જીવનભર ક્યાંય પણ જશે, પોતાના ચંપલ વ્યવસ્થિતપણે જ ગોઠવશે.’ આચરણથી શીખવેલી વસ્તુઓ તેના હ્રદયમાં વસી જાય છે.

             પ્રેમ, વાર્તા અને રમતો દ્વારા ભણતરને આનંદદાયક બનાવનાર ગિજુભાઈ બધેકાની આજે ૧૪૨ મી જન્મજયંતિ  છે. (૧૫/૧૧/૧૮૮૫). તેમને મોટી મૂછો હોવાથી ગાંધીજીએ પ્રેમથી તેમને ‘મુછાળી માં’ નામ આપ્યું હતું. તેઓની પોતાની વકીલ તરીકે સારી પ્રેક્ટીસ હતી પણ ૧૯૧૩ માં પોતાના બાળકના જન્મ પછી તેમને સમજાયું કે શિક્ષણને ડર, મારપીટ અને ગોખણપટ્ટીના ભારમાંથી મુક્ત કરવું જોઈએ. આ માટે તેઓ ૧૯૧૬ માં  ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાભવન સાથે જોડાયા.  

            એકવાર બાળકો ક્લાસમાં કાગળના ડુચા ઉછાળતા હતા. ગિજુભાઈએ બાળકોને આંખો બંધ કરી બે મિનિટ શાંત રહેવા કહ્યું. બે મિનિટ પછી બાળકોને પૂછવામાં આવ્યું, તમે શું સાંભળ્યું?’ જવાબ હતા પક્ષીઓના અવાજો, રસ્તા પરના ગાડાનો અવાજ, મારા હ્રદયના ધબકારા, બાજુના ક્લાસમાંથી આવતો શિક્ષકનો અવાજ. બાળકેળવણી પર લખેલા તેમના ૨૦૦ જેટલા પુસ્તકોમાંથી ‘દીવાસ્વપ્ન’ પુસ્તક શિક્ષણ જગતમાં સીમાચિન્હરૂપ ગણાય છે.

               ભયમુક્ત બાળકેળવણી માટેના તેમના સિધાંતો  –  

બાળદેવો ભવ

ભયમુક્ત શિક્ષણ

વાર્તા અને સંગીત દ્વારા શિક્ષણ

સ્વતંત્રતા અને

પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ.

             ૧૯૨૦ માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાળમંદિર શરુ કર્યું. ૧૯૨૨ માં કસ્તુરબાએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાળમદિરના નવા મકાનનું ઉટઘાટન કર્યું. કાકા સાહેબ કાલેલકરે તેમને ‘બાળ સાહિત્યના બ્રહ્મા’ કહ્યા. તેમના કાર્યને તે સમયે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારજી અને દિવાન પ્રભાશંકર પટણીએ ખુબ પ્રોત્સાહન આપ્યું હતું.  

              તેઓના એક પુસ્તકનું વાક્ય : ‘ઘર ભાડે લેતા રસોડું કેવું છે? ચોકડી કેવી છે? બેઠકરૂમ કેટલો મોટો છે? તે બધા વિચાર કરે છે પરંતુ બાળકને માટે રમવાની જગ્યા કેટલી અને કેવી છે? તે ખાસ જોવું જોઈએ.’  મનુ ભાઈ પંચોળી (દર્શક)’, તારાબહેન મોદક, હરિહર ભટ્ટ, મોંઘી બહેન બધેકા જેવા મહાનુભાવો તેમના વિધાર્થી હતા.  ૧૯૩૯ માં તેમનું નિધન થયું.

           ૧૯૨૦ થી ૧૯૩૯ દરમ્યાન તેમની સાથે તેમની ભત્રીજી મોંઘીબહેન શિક્ષણયજ્ઞમાં જોડાયા. મોંઘીબહેન બાળવિધવા થયા હતા. ગિજુભાઈએ મોંઘીબહેનને બાળ શિક્ષણકાર્ય માટે પ્રેરણા આપી. ગિજુભાઈના માર્ગદર્શન અને ઉછેર હેઠળ મોંઘીબેન દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં એક અત્યંત પ્રભાવશાળી અને કુશળ શિક્ષિકા બન્યા.                      

                     જ્યારે કોઈ વિશ્વવિખ્યાત લેખકને પોતાના બેસ્ટ સેલર પુસ્તકમાં લખેલ સૂચનો, વિચારો અને વાક્યોનું અનુકરણ જોવા મળે તો કેટલી સરસ પ્રતિતિ થાય. ૧૯૩૯ – ૧૯૪૦ માં  મોંઘી બહેન બધેકા મદ્રાસ ખાતે  વિશ્વપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી મેડમ મારિયા મોન્ટેસરીને મળ્યા. તેમના શિક્ષણ કાર્ય અને બાળકોને સંભાળવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને મેડમ મારિયા મોન્ટેસરીએ પણ મોંઘીબેનની પ્રશંસા કરી.  અને કહ્યું, ‘મને ગિજુભાઈના સંઘર્ષ અને સમપર્ણની સુવાસ આવે છે.’

                 બાળશિક્ષણ માટેની જે પદ્ધતિ અને વિચારો મેં મારા પુસ્તકમાં લખ્યા હતા તે પહેલી વખત સાચા અર્થમાં આજે જીવંત જોયા.  મોંઘી બહેન પશ્ચિમના શ્રેષ્ઠ શિક્ષકો કરતા પણ સુંદર રીતે બાળકોને ભણાવે છે. એ પછી ગીજુભાઈના પ્રયોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી.

બાળશિક્ષણ ક્ષેત્રે વૈચારિક ક્રાંતિ સર્જનાર ગિજુભાઈ બધેકાને વંદન.

ગિજુભાઈ બધેકા ( ૧૫/૧૧/૧૮૮૫ – ૨૩/૦૬/૧૯૩૯)

ડો. આશિષ ચોક્સી

(drashishchokshi.com)

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!