Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

એક વિશિષ્ટ ગુણ – વિશિષ્ટ ઓળખાણ

કૌટુંબિક ફરજો, વ્યવસાયિક ફરજો, માતાપિતાની ફરજો અને મિત્રતાની ફરજોમાં આપણો એક વિશિષ્ટ ગુણ એવો રાખવો કે જેને લીધે આપણા બધા જ અવગુણ વિલીન થઇ જાય.

દાનેશ્વરી કર્ણના દાનેશ્વરી ગુણની ભગવાનને પણ પરીક્ષા લેવાની ઈચ્છા થઇ. વરસતા વરસાદમાં તેમણે એક વ્યક્તિને કર્ણ પાસે મોકલ્યો. ભગવાને તે વ્યક્તિને કહેલું, ‘કર્ણ પાસે ચંદનનું સુકું લાકડું માંગજે. વરસાદમાં તો ચંદનનું લાકડું ભીનું હોય તે આપવું શક્ય નથી.’ પેલા વ્યક્તિએ કર્ણ પાસે જઈને ચંદનના સુકા લાકડાની માંગણી કરી. કર્ણએ ચારે બાજુ જોઈ પોતાના માણસોને હુકમ કર્યો, ‘આપણા મહેલના બારણા ચંદનના છે. એક બારણું ખોલી આવનારને દાન આપી દો.’ કર્ણ દાનેશ્વરી એમનેમ નથી કહેવાયા.

સુપરસ્ટાર અમિતાબ બચ્ચન પોતાના સમયપાલન માટે ખુબ જાણીતા છે. તેઓ મોડા હોય તો ઘડિયાળમાં ટાઈમ ખોટો હોઈ શકે તેવું તેમના સમયપાલનના ગુણ માટે કહેવાય છે. ઘણીવાર તેમની છેલ્લી સીપ્ટ રાત્રે ત્રણ વાગ્યે પૂરી થઇ હોય અને બીજા દિવસની પહેલી સીપ્ટમાં સવારે સાત વાગ્યાના સમયે તેઓ હાજર હોય.

એક વિધાર્થીના માર્ક્સ ખુબ ઓછા આવતા છતાં તેના મરોડદાર અક્ષરવાળું પેપર શિક્ષક આખા ક્લાસમાં અને સ્કુલમાં બતાવતા. તેના સુંદર અક્ષરના ગુણે તેને સ્કુલમાં પ્રખ્યાત બનાવી દીધો હતો.

સાઉથ આફ્રિકન ક્રિકેટર જોન્ટી રોડ્સ તેમની ચિત્તા જેવી ચપળતાવાળી ફિલ્ડીંગને લીધે જગતભરમાં જાણીતા હતા. બેકવર્ડ પોઈન્ટ તેમની ફિલ્ડીંગ પોઝીશન હતી, તેને ભેદીને બેટ્સમેને ફટકારેલો બોલ પસાર કરવો લગભગ અશક્ય. ઘણીવાર નબળી બેટિંગ છતાં ચુસ્ત ફિલ્ડીંગને કારણે જ તેમનું સ્થાન તેઓએ ટીમમાં ટકાવી રાખ્યું હતું. એકવખત એક હાથે એક બોલ પકડતા કોણીએ ઈજા થઇ. અસહ્ય દુખાવા સાથે કોઈને જણાવ્યા વિના તેઓ ફિલ્ડીંગ કરતા રહ્યા. એ પછી પણ એક કેચ પકડ્યો અને ૩૦ ૩૫ રન રોક્યા. મેચ પછી જાણવા મળ્યું કે તેમને એલબો જોઈન્ટનું હેર લાઈન ફ્રેકચર હતું અને તેઓએ પછી બે માસ ક્રિકેટથી દુર રહેવું પડ્યું.

આપણે પણ બહાર જમવા જઈએ ત્યારે આ રેસ્ટોરન્ટની આ વાનગી સારી છે, આ રેસ્ટોરન્ટમાં કોન્ટીટી સારી આપે છે કે ચોખ્ખાઈ સારી છે એમ કોઈ એક ગુણ ધ્યાનમાં રાખ્યો જ હોય છે. અમારા ડોક્ટરના વ્યવસાયમાં તો પેશન્ટ ઘણીવાર સારવાર કરતા ડોક્ટરના અન્ય ગુણો જ જોતા હોય છે. આ ડોક્ટર શાંતિથી વાત કરે છે, આ ડોક્ટર ફોન પર કાયમ સરખો જવાબ આપે છે કે આ ડોક્ટરનો ચાર્જ રીઝનેબલ છે એમ ટ્રીટમેન્ટ ઉપરાંત કોઈ અન્ય ગુણથી ડોક્ટરની વિશેષતા નક્કી થતી હોય છે.

એક ટ્યુશન ક્લાસનો સમય સવારે છ વાગ્યાનો પોણા છ વાગ્યે ક્લાસ ખોલવા એક છોકરો નિયમિત આવતો. પોણા છ વાગ્યે આવવા સિવાય અન્ય તે કોઈજ બીજા કામમાં ખાસ કામ લાગતો નહીં. પણ આખું વર્ષ ગમે તેવા ટાઢ અને વરસાદના વાતાવરણમાં પણ પોણા છ વાગ્યે તે ક્લાસ ખોલીને બેઠો હોય. આવનાર વિધાર્થીઓને કોઈ જ તકલીફ ના પડે. તેના એક ગુણને લીધે તે વર્ષો સુધી ક્લાસ ખોલવાની સર્વિસમાં ટકી ગયો.

  1. આપણા કોઈ એક ગુણથી આપણી ઓળખાણ થવી જોઈએ.
  2. કોઈ એક વિશિષ્ટ ગુણને વિકસાવવો તે કોઈ પણ વ્યક્તિ માટે અઘરું કે અશક્ય નથી.
  3. આપણે જ્યારે ના હોઈએ ત્યારે લોકો આપણને આપણા એ ગુણથી યાદ કરવા જોઈએ.
  4. આપણા એ ગુણને લીધે લોકોને આપણી પાસે આવવાનું મન થાય અને મનની શાતા પહોંચે તેમ થવું જોઈએ. આપણી પાસેથી જતા કઈક લઈને ગયા તે અનુભૂતિ લોકોને થવી જોઈએ.
  5. આ ગુણને વિપરિત સંજોગોમાં પણ ના છોડવો (જ્હોનટી રોડ્સનું ઉદાહરણ).
  6. આપણા વિશિષ્ટ ગુણનું અભિમાન ના કરવું તેમાં જ ગુણનું ગૌરવ જળવાય છે.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૯૮ ૦૨/૦૯/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp