એક વખત ટીવી સિરિયલ ‘કોન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચને વાત કરી હતી કે ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ માં સૌથી ઝડપી જવાબ આપેલા સ્પર્ધકને હોટ સીટ પર મારી સામે આવવાનો ચાન્સ મળે છે પણ બની શકે કે બાકીના નવમાંના ઘણાને તેનાથી વધારે જનરલ નોલેજ હોય. છતાં ‘ફાસ્ટેસ્ટ ફિંગર’ વખતની ક્ષણોમાં સંપૂર્ણ ફોકસ કરી એ ક્ષણોમાં વિજયી બનનાર જ આગળ આવે છે.
૧૯૮૭–૮૮ ના સમયમાં દુરદર્શન પર એક ‘રંગબેરંગી’ નામની ટીવી સિરિયલ ટેલીકાસ્ટ થઈ હતી. આ સિરિયલમાં એક લેખક પોતાની સ્ટોરી લઈને ઘણા ફિલ્મ નિર્માતા પાસે પોતાની વાર્તા સંભળાવવા ધક્કા ખાતો બતાવવામાં આવે છે. કોઈ નિર્માતા પાસે તેની વાર્તા સાંભળવાનો ટાઈમ હોતો નથી. છેવટે એક નિર્માતાએ તેને પોતાની હોટલના રૂમથી બહાર પાર્ક કરેલ કાર સુધી તેઓ પહોંચે તે દરમ્યાનના સમયમાં થોડી મિનિટો ફાળવી વાર્તા સંભળાવવાનો ટાઈમ આપ્યો, આટલી ઓછી મિનિટોમાં પણ તે લેખક પોતાની વાર્તા નિર્માતાને સમજાવવામાં સફળ થયા.
૧૯૮૧–૧૯૮૨ ના સમયમાં ભારતમાં ટેલીફોન ક્રાંતિના જનક સામ પિત્રોડાએ તે વખતના વડાપ્રધાન શ્રી ઈન્દિરા ગાંધીનો સમય લેવા ઘણા પ્રયત્નો કર્યા. તેઓ અમેરિકાથી ભારતમાં આવી પોતાના દેશ માટે શું કરવા માંગે છે તે વડાપ્રધાનને સમજાવવા માંગતા હતા. માંડ માંડ તેમને ૧૫ મિનિટ ફાળવવામાં આવી. જો કે પછીથી આ સમય ૪૫ મિનિટ સુધી લંબાયો તે અલગ વાત છે. શ્રી ઇન્દિરા ગાંધી પછી શ્રી રાજીવ ગાંધીએ પણ શામ પિત્રોડામાં વિશ્વાસ રાખ્યો અને ત્યારબાદ શામ પિત્રોડાએ ભારતમાં ટેલીફોન ક્ષેત્રે ક્રાંતિ કરી ઇતિહાસ રચી નાખ્યો.
ડોક્ટર પાસે આવતા ‘મેડીકલ રીપ્રેઝેન્ટેટિવ’ ને પણ ડોક્ટરને મળવાની ગણતરીની મિનિટો મળતી હોય છે. આ મિનિટોમાં પોતાની પ્રોડક્ટ અને કંપની વિશે તેમણે ડોક્ટરને માહિતી આપવાની હોય છે, અને ડોક્ટર પોતાની કંપનીની દવા લખે તે માટે કન્વીન્સ કરવાના હોય છે. સ્ટેટ લેવલની ક્રિકેટની મેચોમાં સિલેકશન વખતે ઘણા ઉગતા ખેલાડીઓનું સિલેકશન તેમના એક–બે ઓવરના પર્ફોર્મન્સ પરથી થાય છે.
વેસ્ટ ઇન્ડીઝના જાણીતા એમ્પાયર સ્ટીવ બકનર ક્રિકેટમાં LBW કે કોટ બિહાઇન્ડનું ડિસીઝન લેવામાં એટલો બધો સમય લેતા કે મેદાન પરના ખેલાડીઓ અને પ્રેક્ષકો પણ કંટાળી જતા. અન્ય એમ્પાયર્સ બે–ત્રણ સેકન્ડમાં નિર્ણય આપતા જ્યારે સ્ટીવ બકનર ૧૫–૧૭ સેકન્ડનો સમય લેતા. આથી તેઓ ‘સ્લો ડેથ’ તરીકે ઓળખાતા.
છેલ્લો બોલ : “જીવનમાં બહાદુરી બતાવવાની તક વાંરવાર આવે છે પણ ઇતિહાસ રચવાની તક ખુબ ઓછી વખત આવે છે.” જેઓ ઝડપ, દિશા, લક્ષ્ય અને તેમને મળેલા સમયનું ધ્યાન રાખે તેઓ જ ઇતિહાસ રચી શકે છે. પોતાનું પર્ફોમન્સ બતાવાની આવી તક વખતે મન અને હ્રદયને એકાકાર કરીને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે અર્જુનની જેમ આજબાજુની દુનિયા ભૂલીને લક્ષને વિઝ્યુલાઈઝ કરી પોતાની આવડતને સમર્પિત કરવી પડે.
એક સરખી શક્તિ, એક સરખા મળેલા સાધનો અને સમાન જ્ઞાન હોવા છતાં ઘણા બધામાંથી કોઈ જે લક્ષ્ય પૂરું કરવાની ફોર્મ્યુલાનો સચોટ ઉપયોગ કરી શકે છે તે જ લક્ષ્ય પૂરું કરી શકે છે.
લક્ષ્ય પૂરું કરવાની ફોર્મ્યુલા =
જરૂરી ઝડપ + સચોટ દિશા + લક્ષ્ય પરનું જ ફોકસ + મળેલા સમયનો યોગ્ય ઉપયોગ
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૪૭ – ૧૩/૦૭/૨૦૨૦