૧૯૪૫ ની આસપાસ તામિલનાડુના રામેશ્વરમ પાસેના એક નાના ગામનો અવુલ પકીર નામનો ૧૪ વર્ષનો વિધાર્થી છાપા વેચીને પોતાના ગરીબ પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થવા મદદ કરતો. આ વિધાર્થી મહેનત કરીને ૧૯૫૫ માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ફિઝિક્સમાં આગળ અભ્યાસ માટે પહોંચ્યો. ત્યાંના ડીને એક અઘરો પ્રોજેક્ટ ત્રણ દિવસમાં પૂરો કરવા ચેલેન્જ ફેંકી. ‘પ્રોજેક્ટ પૂરો નહીં થાય તો તારી સ્કોલરશીપ પણ અટકી શકે છે.’ તેવી થોડી ધમકી પણ હતી. ડીનના આશ્ચર્ય વચ્ચે અવુલ પકીરે એ પ્રોજેક્ટ ત્રીજા દિવસે પૂરો કરી બતાવ્યો.
૧૯૬૦ માં ‘ફાઈટર પાયલોટ’ ના સિલેકશનમાં આંઠ જણા પસંદ થવાના હતા. અવુલ પકીર પસંદ નાં થયા કારણકે તેમનું પર્ફોમન્સ નવમાં નંબરનું હતું. ઈ.સ ૨૦૦૦ ની સાલમાં આ અવુલ પકીર ખુબ આગળ આવી ગયેલ. તેઓ તામિલનાડુની એક સંસ્થામાં લેકચર આપવા જતા હતા. પહોંચતાં રસ્તામાં ગાડી બગડી અને પહોચતાં રાતે બાર વાગ્યા તો પણ તેમણે કલાકોથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને નિરાશ નાં કર્યા અને મોડી રાત્રે પણ વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.
આ અવુલ પકીર એટલે ભારતરત્ન ડો. અવુલ પકીર જૈનુંલાબ્દીન અબ્દુલ કલામ (ડો. એ.પી.જે. અબ્દુલ કલામ). તેમના જીવન વિશે થોડું જાણીએ.
‘મિસાઈલ મેન’, ‘પીપલ્સ પ્રેસિડેન્ટ’, ‘આજીવન શિક્ષક’, ‘ગ્લોબલ લીડર’ તેમજ ‘યુવાનોના શ્રેષ્ઠ માર્ગદર્શક’ ગણાતા ડો.કલામ સાહેબ ડો.વિક્રમ સારાભાઈને પોતાના શિક્ષક માનતા અને પ.પુ.પ્રમુખ સ્વામીને પોતાના ગુરૂ માનતા. સિદ્ધાંતો મહાત્મા ગાંધી જેવા, વિચારોમાં સ્વામી વિવેકાનંદ જેવા અને કુતુહુલપણામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી ત્રણેય વિભૂતિઓના મિશ્રણ જેવું તેમનું વ્યક્તિત્વ હતું.
જ્યારે પણ કોઈને કાઈ શીખવાડીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે જ નવું શીખી રહ્યા હોઈએ છીએ તેમ તેઓ માનતા. કોઈ શાળા, કોલેજ કે IIM જેવી શૈક્ષણિક સંસ્થામાં લેકચર આપતી વખતે તેઓ સ્થળ અને સમયને ભૂલી જતાં. જે સંસ્થામાં પ્રવચન આપતા ત્યાંના વિધાર્થીઓને એવું જ લાગતું કે કલામ સાહેબ અમારા જેવા જ છે.
ઉત્તરપ્રદેશમાં એક શાળામાં પાંચમાં–છઠ્ઠા ધોરણના વિધાર્થીઓને લેકચર આપીને વિધાર્થીઓએ થોડા વધુ પ્રશ્નો પૂછ્યા. વાર્તાલાપ ત્રણ કલાક ચાલ્યો. કોઈકે યાદ કરાવ્યું કે સાંજે તેમણે બીજી સંસ્થામાં પણ પહોંચવાનું છે.
એરપોર્ટ હોય, દરિયાકિનારો હોય કે કોઈ ધર્મસંસ્થાનું પટાંગણ હોય કોઈ પણ જૂથ કાઈ શીખવા માંગતું હોય તો તેમને તેઓ આનંદથી સમજાવતા. જ્યારે પણ કોઈ લેકચર આપતા ત્યારે પોતાનો હોદ્દો કે ડીગ્રી ભૂલી અને ચર્ચાના વિષયમાં ખોવાઈ જતા. કોઈ નવી માહિતી આપે તો તેને પણ રસપૂર્વક સાંભળતા. જરાયે અહમ વિના નવું જાણવા તે વ્યક્તિને પ્રશ્ન પણ પૂછતા.
દેશના મિસાઈલ પ્રોજેક્ટના પ્રણેતા, ‘અગ્ની’, ‘પૃથ્વી’, ‘રોહિણી’, SLV III સહિત ઘણા બધા મિસાઈલ પ્રોગ્રામ સાથે તેઓ સંકળાયેલા. દેશના ન્યુક્લિયર પ્રોગ્રામને આગળ ધપાવેલ. ઘણી બધી યુનિવર્સીટીમાંથી ડોકટરેટની પદવી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ તેમજ ભારતરત્ન સન્માનિત. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ. ઘણા બધા પુસ્તકોના લેખક જેવી સિદ્ધિઓ તેમની કારકિર્દીમાં રહી. રાષ્ટ્રપતિ પદમાંથી નિવૃત્ત થયા બાદ ૭૬ માં વર્ષે તેમણે પછીના વર્ષોમાં એક લાખ યુવાનોને ભણાવવાનો ધ્યેય રાખ્યો હતો.
પોતે રાષ્ટ્રપતિ હતા તે સમયે બ્રહ્મલીન પુ.પ્રમુખસ્વામીની સામે બેસતા તેમના આસનની નીચે બેસવાની નમ્રતા કલામ સાહેબ જ બતાવી શકે. તેઓને ગુજરાતી નહોતું આવડતું, પ.પુ શ્રી પ્રમુખ સ્વામીજીને હિન્દી કે અંગ્રેજી નહોતું ફાવતું છતાં ૨૦૦૨ થી શરૂ થયેલી તેમની આંઠ મુલાકાતો બંધ બારણે કલાકો સુધી કેમની ચાલી હશે તે આશ્ચર્યનો વિષય છે.
૨૦૦૨માં આતંકવાદીઓએ ગાંધીનગર અક્ષરધામ પર કરેલા હુમલા બાદ શ્રી પ્રમુખ સ્વામીજીએ મૃતકોની જગ્યા પર જઈ તેમના આત્માને શાંતિ મળે તે માટે પવિત્ર પાણીનો છંટકાવ કર્યો. જેમાં આતંકવાદીના મૃત્યુ સ્થળ પર પણ કરેલ. શ્રી પ્રમુખ સ્વામીજીએ કહેલ, ‘દરેક મનુષ્યનો આત્મા પવિત્ર હોય છે.’ તેમના આ વિચારે કલામ સાહેબની વિચારધારા પણ બદલી નાખી અને તેઓએ શ્રી. પ્રમુખ સ્વામીજીને ગુરૂ માન્યા.
પોતાના એક પુસ્તકમાં તેમણે દેશના વિકાસ માટેના પાંચ મુદ્દામાં ખેતી, શિક્ષણ, આઈ.ટી, આંતરિક સાધનો માળખાનો વિકાસ અને વ્યક્તિગત વિકાસ ગણ્યા હતા. પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામીજીને તેમણે પૂછ્યું, ‘આપણા દેશ માટે આ પાંચ મુદ્દા કેવી રીતે સફળ થઇ શકે?’ પુ.સ્વામીજીએ કહ્યું, ‘છઠ્ઠો મુદ્દો ઉમેરો – ઈશ્વર અને આધ્યાત્મ પરત્વે શ્રધ્ધા.’
ઘણીવાર અમુક સંસ્થામાં પ્રવચન વખતે લાઈટ જતી રહે, માઈક ચાલે નહીં તો પણ બધાની વચ્ચે જઈ મોટા અવાજે તેમણે પોતાના લેકચર પુરા કર્યા હોય. કોઈ પણ સંસ્થામાં લેકચરનું નિમંત્રણ મળ્યું હોય તો તેમણે વળતરની અપેક્ષા ક્યારેય રાખી ન હતી. તે જગ્યાએ જતી વખતે તેમણે કયા વાહનમાં લઇ જવામાં આવે છે? કે શું સગવડ મળશે? તે વિશે ક્યારેય પુછપરછ કરતા નહીં.
શિક્ષક તરીકેની નમ્રતા, નિખાલસતા અને નિરાભિમાનપણું નખશિખ હતું. આજ સુધી તેમના માટેનો કોઈ નકારાત્મક લેખ, નેગેટીવ કોમેન્ટ, કોઈ કાર્ટુન કે કોઈ જોક બન્યા નથી એટલે કેવું વેશ્વિક વ્યક્તિત્વ હશે તે સમજી શકાય છે.
છેલ્લો બોલ : ડો.અબ્દુલ કલામસાહેબને કોઈએ પૂછ્યું હતું કે મૃત્યુ બાદ કઈ રીતે ઓળખાવાનું પસંદ કરશો? ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે, ભારતરત્ન તરીકે, મહાન વૈજ્ઞાનિક તરીકે, ૨૦૨૦ના વીસનરી, કે બેસ્ટ સેલર પુસ્તકના લેખક તરીકે …? તેમનો જવાબ હતો, ‘એક શિક્ષક તરીકે.’
આજીવન શિક્ષક તરીકેનો આત્મા ધરાવતા આવા શિક્ષકને મૃત્યુ પણ તેમણે ઈચ્છ્યું હતું તેવું જ ઈશ્વરે આપ્યું. ૨૭/૦૭/૨૦૧૫ ના દિવસે શિલોંગ IIM માં એક લેકચર આપતા આપતા જ વિધાર્થીઓ વચ્ચે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ લેકચરનો તેમનો વિષય હતો, “પૃથ્વીને રહી શકાય તેવી બનાવીએ”.
ઈશ્વર પાસે જતા છેલ્લા સમયે તેમની પાસે શું મૂડી હતી તે પણ જાણવા જેવું છે. થોડા પુસ્તકો, આર્ટીકલ્સના કાગળો, વીણા, લેપટોપ અને માનીતું સી.ડી પ્લેયર.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૬૦ – ૨૬/૦૭/૨૦૨૦