Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

અર્થપૂર્ણ જીવન જીવ્યાની અનુભૂતિ

૨૦૨૦ માં કોવિદ ૧૯ સાથે સંકળાયેલી માનવતાની ઘટનાઓ દુનિયાભરમાં જોવા મળી. ૨૦૨૦ માં ૧૫ માર્ચે ૭૨ વર્ષીય ઇટાલિયન પાદરી ડોન ગીસેપ બેરારડેલી અને ૨૦ માર્ચે બેલ્જીયમમાં ૯૦ વર્ષીય સુઝાન હોય લેરત્સે જતું કરવું અને જરૂરિયાતમંદને કઈક આપવાની ભાવના બતાવી તે સમગ્ર દુનિયા માટે ઉદાહરણીય હતી.

સુઝાન અને ગીસેપ બન્ને વેન્ટીલેટર પર હતા. સભાન હતા. એટલા વિશેષ ગંભીર ન હતા. પણ પોતાના જાન પરના ખતરાથી બહાર પણ ન હતા. તેઓને ખબર પડી હતી કે પોતે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યાં અન્ય યંગ પેશન્ટને વેન્ટીલેટરની જરૂર છે અને હવે હોસ્પિટલ પાસે વેન્ટીલેટર નથી.

તેઓએ ડોક્ટરને રીક્વેસ્ટ કરી કે અમને વેન્ટીલેટર પરથી મુક્ત કરી યંગ પેશન્ટ કે જેઓ બચે અને જેમની તેમના પરિવારને ખુબ જરૂર છે તેમને વેન્ટીલેટર આપવામાં આવે.

૯૦ વર્ષીય સુઝાને તો જે કહ્યું એ હકીકતમાં સમગ્ર માનવજાત માટે ઉપયોગી સંદેશો પણ હતો. તેણે કહ્યું, મેં મારું જીવન સંપૂર્ણ સંતોષ સાથે જીવી લીધું છે. સંતોષી જીવન જીવ્યા પછી હવે મને ઈશ્વર પાસે આનંદથી જવું ગમશે.’

  1. અર્થપૂર્ણ જીવન જીવ્યાની આંતરિક અનુભૂતિ સાથે આનંદથી ઈશ્વર પાસે જવાનો વિચાર કોને આવે? અને એ પણ એ વ્યક્તિ માટે કે જેને તેઓએ જોઈ પણ નથી અને પોતાની પરિચિત પણ નથી.
  2. જેઓ જીવન બીજા માટે જીવ્યા હોય, જેઓનું જીવન સદાચાર, સત્કર્મો, સત્સંગ અને સદવિચારોથી ભરેલું હોય તેઓએ જ ખરેખર જીવનનો ખરો વૈભવ માણ્યો હોય છે. તેમને જ અર્થપૂર્ણ જીવન જીવ્યાની આંતરિક અનુભૂતિ થતી હોય છે.
  3. છેલ્લા સમયમાં પરમશાંતિ અને પરમસંતોષ એને જ મળી શકે જેણે જીવનભર દરેક માણસ માટે મનમાં ઉત્તમ ભાવ, ઉત્તમ વિચારો રાખી ઉત્તમ કર્મો કરેલા છે. જેણે પૃથ્વી પરના દરેક જીવમાં ઈશ્વરના દર્શન કર્યા છે. આ લોકોને પોતાના પછી પોતાના પરિવારનું સુખ અને આનંદનું વિઝન દ્રશ્યમાન થઇ ચુક્યું હોય છે.
  4. પોતે જતન કરેલા વટવૃક્ષ પર લચી પડતા ફળો અને વૃક્ષની શીતળતા અનુભવી લીધી હોય છે. ઈશ્વરે સોંપેલા કામો શ્રેષ્ઠ રીતે પુરા કર્યા હોઈ મન અને હ્રદય પર કોઈ બોજો હોતો નથી.
  5. જે લોકોએ જીવનભર અનીતિથી ધન ભેગું કર્યું હોય, અનીતિના કામો કર્યા હોય, લોકોને દુઃખ અને તકલીફો આપવામાં કોઈ કસર છોડી ના હોય, અંત સમયમાં તેમને પોતાના જીવન જીવ્યાનો એક ભાર અનુભવાતો હોય છે. તેઓને રણની વચ્ચે ઉભા હોય અને તાપ, અશાંતિ અને એકલપણું દ્રશ્યમાન થતું હોય છે.
  6. અશાંત મન શરીરને સંસારમાંથી વિદાય લેવા પરવાનગી આપતું નથી. કદાચ હજુ થોડું વધુ જીવી શક્ય એટલું સત્કર્મોનું ભાથું બાંધવાની લાલચ થાય છે એટલે દેહત્યાગ ઝડપથી થતો નથી.
  7. નીતિથી સંકળાયેલા કાર્યો કરી શ્રેષ્ઠ કર્મ કરવાની તક ઈશ્વર વાંરવાર આપે જ છે પણ મનુષ્ય તે સ્વીકારતો નથી અને જ્યારે તેને સત્કર્મો કરવાની ઈચ્છા થાય ત્યારે ઘણીવાર મોડું થઈ ચુક્યું હોય છે.
  8. સત્કર્મો શરૂ કરવાનો કોઈ સમય હોતો નથી. તેનું જ્ઞાન થાય તે ક્ષણથી જ સત્કર્મનું ભાથું બાંધવાનું શરૂ કરી દેવું જોઈએ.ઈશ્વર પાસે તો બધાએ જવાનું જ છે. પણ સુઝાને કહ્યું તેમ મન અને હ્રદય પર બોજ રાખ્યા વિના હળવા ફૂલ થઈને જવું છે કે શરીર પર હજારો કિલોના ભાર સાથે જવું છે તે ચોઈસ દરેકની પોતાની હોય છે.

છેલ્લો બોલ : આપણા સંપર્કમાં આવતા જગતના સર્વ જીવો જો આપણાથી પ્રસન્ન રહે તો સમજવું કે પરમાત્મા આપણાથી પ્રસન્ન છે.

આચાર્ય વિજયરત્નરાજસૂરિજી

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૧૦૭ ૧૨/૦૯/૨૦૨૦

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp
URL has been copied successfully!