જ્યારે કોઈએ તમારી ક્ષમતા પ્રત્યે શંકા કરી હોય, ક્યાંક નીચા દેખાડ્યા હોય અને અપમાનિત અવસ્થામાં મુક્યા હોય તેમના માટે મનમાં ક્યારેય કડવાશ રાખશો નહીં. તેમના જીવનભર આભારી રહેજો કારણકે આ એ લોકો હતા કે જેમણે તમારી ક્ષમતા એક બંધ ઢાંકણા નીચે દબાઈને પડેલી હતી તેને સજીવન કરી ફૂફાડા મારતી બહાર લાવવામાં મદદ કરી છે. જે પ્રોત્સાહન અને પ્રેરણા તમારા માતાપિતા કે શિક્ષક નથી કરી શક્યા તે કામ આ લોકોએ કરી જીવનમાં નવી ઉંચાઈએ તમને લઈ જવામાં મદદ કરી છે. એ લોકો તમારા જીવનમાં આવ્યા એટલા તમે નસીબદાર છો.આથી ક્યારેય તેમના પ્રત્યે નકારાત્મક લાગણી કે અયોગ્ય વર્તન ન કરવું. કોઈના અયોગ્ય વર્તનને યાદ રાખી એ બોજ સાથે જિંદગી જીવી, શા માટે આપણી આંતરિક શક્તિઓને નબળી પાડવી?
વિશ્વના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને જીવાણુશાસ્ત્રી લુઈ પાશ્ચર તેમના સંશોધનો અને પ્રયોગોના શિખર પર હતા. ૪૬ વર્ષની ઉંમરે ૧૮૬૮ માં તેમની પર પક્ષાઘાતનો હુમલો થયો. તેમનો ડાબો પગ અને ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરુપયોગી થઇ ગયા હતા. માત્ર એક હાથ અને એક પગથી રોજના કામો કરવામાં પણ તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. લોકોએ અફસોસ વ્યક્ત કર્યો કે આવી મહાન પ્રતિભાની શક્તિ હવે વિલીન થઇ ગઈ.
લોકોના નકારાત્મક વર્તન અને અફસોસના લીધે લુઈ પાશ્ચરને કોઈ અજ્ઞાત પ્રેરણા મળી ચુકી હતી.તેમણે ૧૮૭૫ પછી ફરી પોતાના સંશોધનો શરૂ કર્યા. ૧૮૮૦ માં એન્થ્રેક્સ અને ચિકન કોલેરાની રસી તૈયાર કરી. ૦૬/૦૭/૧૮૮૫ ના રોજ શોધેલી હડકવાની રસી તો દુનિયાભરમાં માનવજાત માટે મદદરૂપ થઇ જેનાથી કેટલાય લોકોને જીવતદાન મળ્યું. પક્ષાઘાત પછીના ૨૦ વર્ષોમાં વિકલાંગ અવસ્થામાં માત્ર જમણા હાથ અને જમણા પગની મદદથી માનવજાતને મદદરૂપ થતા શ્રેષ્ઠ સંશોધનો કર્યા.
૧૯૯૬ – બેંગ્લોરનું ચિન્નાસ્વામી ક્રિકટ ગ્રાઉન્ડ. ભારત –પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડકપની ક્વાર્ટર ફાયનલ મેચ. ખુબ ટેન્શન હતું. જે હારે તે વર્લ્ડકપની બહાર ફેંકાઈ જવાનું હતું. ભારતે પહેલો દાવ લઈ ૨૮૭ રન કર્યા હતા. ૨૮૮ રનના પડકાર સાથે આમિર સોહેલ અને સઈદ અનવરે પાકિસ્તાનને ખુબ સુંદર શરૂઆત આપી. સઈદ અનવરની પહેલી વિકેટ ૮૪ રન પર પડી ત્યારે પાકિસ્તાનનું પલ્લું ભારે જણાતું હતું. આમિર સોહેલ ઘણા સ્ફોટક બન્યા હતા. પાકિસ્તાનનો સ્કોર ૧૦૯ રન માત્ર ૧૩ ઓવરમાં હતો ભારતના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકતી હોય તેમ લાગતું હતું, ખેલાડીઓ થોડા હતાશ જણાતા હતા.
આમિર સોહેલે ભારતના બોલરોને ખાસ કરીને વેંકટેશ પ્રસાદને હતાશ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે વેંકટેશ પ્રસાદના એક બોલને ઓફ સાઈડમાં ચોક્કો ફટકારી વેંકટેશ તરફ બેટથી ઈશારો કરી કહ્યું, ‘તારા હવેના બોલમાં આજ દિશામાં આજ જગ્યાએ શોટ મારીશ.’ બીજો કોઈ બોલર હોય તો બોલાચાલી થઇ જાય, નિરાશ થઇ જાય. વેંકટેશ પ્રસાદે મૌન રાખ્યું. તેના મગજમાં આમિર સોહેલને સબક શીખવવા ધમાસાણ મચ્યું. આમિર સોહેલે તેને કઈક અલગ કરી બતાવવા પ્રેરણા આપી દીધી હતી. પછીના બોલમાં આમિર સોહેલે બાઉન્સરની તૈયારી રાખી હતી. વેંકટેશે સહેજ નીચો, ધીમો, લેગ સ્ટમ્પ પર બોલ નાખી આમિર સોહેલને ક્લીન બોલ્ડ કર્યો. મેદાન પર ખુબ ઠંડા રહેતા વેંકટેશ પ્રસાદે હવે આમિર સોહેલને પેવેલિયનનો રસ્તો બતાવી તે તરફ જવા કહ્યું. ભારતીય ટીમ પૂરી રીતે ચાર્જ થઈ ગઈ હતી. ભારત એ મેચ ૩૯ રને જીતી શાનદાર રીતે સેમીફાઈનલમાં પ્રવેશ્યું.
ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં CA ટોપર આવેલી એક સ્ટુડન્ટે કહ્યું, ‘નવમાં ધોરણમાં હું મેથ્સમાં ફેઈલ થઈ, મને સ્કુલમાંથી LC આપી દેવામાં આવ્યું. મારા પેરેન્ટ્સને કહેવામાં આવ્યું કે તમારી દીકરી ૧૦ માં ધોરણનું મેથ્સ ક્લીયર નહીં કરી શકે અને અમારી સ્કુલનું રીઝલ્ટ બગડશે. આ દિવસ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. હું એ પછી અહીં સુધી પહોંચી શકી.
રસોઈનું એક સુંદર પુસ્તક લખનાર એક બહેને તેમના પુસ્તકની પ્રસ્તાવનામાં લખેલું, ‘મારી સગાઈ બાદ હું મારે સાસરે જતી ત્યારે તેમની અપેક્ષા મુજબ ખાવાનું બનાવતા મને નહોતું ફાવતું. મારી સગાઈ તૂટી ગઈ. પછીની મારી જર્ની રસોઈકળામાં નિષ્ણાત મારા જેવા લોકોને મદદરૂપ થવા એક પુસ્તક લખવા સુધીની રહી.
કોઈના નકારાત્મક વર્તનને પ્રેરણાનો સ્ત્રોત ગણી તેના દ્વારા પોતાનો જીવન વિકાસ કરવાની આવડત દરેકમાં નથી હોતી. આવા વર્તનને પણ જીવનવિકાસની એક તક ગણવી. આવી તક જીવનમાં વાંરવાર આવતી નથી.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ કડી ૫૭ – ૨૩/૦૭/૨૦૨૦