એપ્રિલ ૨૦૧૯ ની વાત છે. અમદાવાદના બોપલ સ્થિત ચિલ્ડ્રન હોમની ‘અપનાઘર’માં એક રાજકીય આગેવાન મુલાકાતે આવ્યા. સંચાલકો દ્વારા તેમણે જાણ્યું કે ૧૩ માસ પહેલા એક વિકાસ દાસ નામનો સાત વર્ષનો બાળક આસામ બાજુથી વિખુટો પડી ગુજરાતમાં અહીં આવી પહોંચ્યો હતો.
તરત જ રાજકીય આગેવાનને તે બાળકને મદદરૂપ થવાની ભાવના જાગી. તેમણે તરત જ આસામના તે વખતના નાણાપ્રધાન હેમંતા બીસ્વાસને ફોન કરી આસામના આ બાળકની વિગતો જણાવી. હેમંતા બિશ્વાસે સેલફોનપર જ તેના માતાપિતા વિશે અને તે ક્યાંનો રહેવાસી છે તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો. પણ ૧૩ માસથી અહીના બાળકો સાથે રહેતો વિકાસ પોતાની માતૃભાષા ભૂલી ગયો હતો.
અમદાવાદના રાજકીય આગેવાને પોતાના સેલફોનમાં વિકાસનો વિડીઓ શૂટ કરી આસામના નાણા પ્રધાનને મોકલી આપ્યો. હેમંતભાઈ બિશ્વાસે પણ તરત જ આ વિડીઓને પ્રચાર–પ્રસારના માધ્યમોમાં ફેરવતો કર્યો. સ્થાનિક ટીવી ન્યુઝ ચેનલ ‘ન્યુઝ લાઈવ’ પર પણ પ્રસારિત કર્યો. આશ્ચર્ય વચ્ચે વિકાસના માતાપિતા સુધી આ વિડીઓ પહોંચી ગયો.
તેઓ ગુવાહાટીમાં ન્યુઝ ચેનલના કાર્યાલય પહોંચ્યા. વિડીઓમાં દેખાઈ રહેલો બાળક પોતાનો જ છે તે માટેના દસ્તાવેજી પુરાવા પણ તેમણે રજુ કર્યા. ૨૪/૦૪/૨૦૧૯ તારીખે બાળક અને માતાપિતાની લાઈવ વિડીઓ પર મુલાકાત કરવામાં આવી. બન્ને એકબીજાને ઓળખી ગયા. વિકાસ આસામના કામરૂપ જિલ્લાના સમનાગોડીનો રહેવાસી છે તે જાણી શકાયું.
પોતાની સત્તા અને સમ્પર્કનો સાચો ઉપયોગ કરી આ રાજકીય આગેવાને ભારતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અશક્ય જણાતા મિલનને શક્ય બનાવ્યું.
આપણી પાસે જે સમયે જે સાધનો હોય તેનો સચોટ અને સમયસર ઉપયોગ જરુરી હોય છે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૧૧ – ૧૬/૦૯/૨૦૨૦