૧૯૫૦ ના સમયમાં હિન્દી ફિલ્મોમાં સુરૈયા વધુમાં વધુ પૈસા લેતી હિરોઈન હતી. દેવઆનંદ સાથે તેણે સાત જેટલી સફળ ફિલ્મો આપી. તે સમયના ડેશિંગ હોલિવુડ હીરો ગ્રેગરી પેકને તે ખુબ પસંદ કરતી હતી. ગ્રેગરી પેકના ‘ગન ફાઈટર’ અને ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ પિક્ચર જોયા પછી તેના દિલોદિમાગમાં ગ્રેગરી પેક છવાઈ ગયા હતા.
એવું કહેવાતું કે દેવઆનંદ થોડા થોડા ગ્રેગરી પેક જેવા દેખાતા આથી સુરૈયાને દેવઆનંદ પ્રત્યે કુણી લાગણી હતી. જીવનમાં એક વખત સુરૈયાને ગ્રેગરી પેકની રૂબરૂ મુલાકત કરવી હતી. તેની ઈચ્છા પર યુનિટના સભ્યો હસતા હતા. ૧૯૫૨માં મુંબઈમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હોલિવુડ ડાયરેક્ટર ફ્રેંક કાપ્રાની મદદથી તેણે ગ્રેગરી પેકને મળવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. તેણે ફ્રેંક કાપ્રાને પોતાનો એક ઓટોગ્રાફ વાળો ફોટો ગ્રેગરી પેક સુધી પહોંચાડવા આપેલ.
હવે જે આગળ તમે વાંચશો તે કદાચ સાચું નહીં માની શકો. ૫ જાન્યુઆરી, મંગળવાર ૧૯૫૪. રાત્રે આશરે ૧૧ વાગ્યાનો સમય. સુરૈયાના મુંબઈ ખાતે મરીન ડ્રાઈવ સ્થિત ફ્લેટની ડોરબેલ વાગે છે. સુરૈયાની માતા ફ્લેટનું બારણું ખોલે છે. બહાર ઉભેલા એક હેન્ડસમ યુવાને સુરૈયાની માતાને પૂછ્યું, ‘સુરૈયા ક્યાં છે? મેડમ?’ સુરૈયાની માતાને ખબર પડી કે આ યુવાન ગ્રેગરી પેક છે ત્યારે તેને પરીકથા જેવું લાગ્યું.
તે સુરૈયાને ઉઠાડવા ગઈ, ત્યારે સુરૈયાને પણ મજાક લાગી, કારણકે ઘણીવાર તેના ફેન્સ આ રીતે તેને હેરાન કરતા હતા. પણ જ્યારે તે આંખો ચોળતા ચોળતા બહાર આવી અને જોયું કે ગ્રેગરી પેક ખુદ તેના ઘરે આવેલ છે. જે વ્યક્તિને જોવા માટે પણ તેણે કેટલા પ્રયત્નો કર્યા હતા? આજે એ વ્યક્તિ ખુદ પોતાના બારણે આવી ઉભા છે ત્યારે તે ઘણી ઉત્સાહિત થઈ ગઈ. પછી તો ગ્રેગરી પેક સુરૈયાના ફ્લેટ પર કલાક જેટલું રોકાયા, ફોટોગ્રાફ્સ લીધા, ગ્રેગરી પેકે ઓટોગ્રાફ પણ આપ્યો.
૫ જાન્યુઆરી ૧૯૫૪ ના રોજ મુંબઈમાં પહેલો ફિલ્મફેર એવોર્ડ હતો. તેના ચીફ ગેસ્ટ ગ્રેગરી પેક હતા. તેઓ શ્રીલંકા ખાતે હોલિવુડ ફિલ્મ ‘ધ પર્પલ પ્લેઈન’ નું શુટિંગ પતાવી યુ.એસ.એ પાછા જતા વચ્ચે મુંબઈ એક દિવસ રોકાઈ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં હાજરી આપવાના હતા. તેમનું પ્લેન લેઇટ હોવાથી તેઓ ફિલ્મ ફેર એવોર્ડમાં હાજરી ન આપી શક્યા. એ ફંકશનમાં પણ સુરૈયાએ ગ્રેગરી પેકની એક ઝાંખી થાય તે વિચારથી હાજરી આપી હતી. પણ તેમની મુલાકાત શક્ય ન બની.
ફંક્શન પછીની પાર્ટીમાં અલનસીર નામનાં ફોટોગ્રાફરે ગ્રેગરી પેકને વિનંતિ કરી કે તેમનો એક ઓટોગ્રાફ વાળો ફોટો આપે. જે ફોટો પોતે સુરૈયા પાસે પહોંચાડવા માંગે છે. ગ્રેગરી પેકે જાણ્યું કે સુરૈયાનું ઘર હોટેલથી નજીક છે અને તેની પાસે યુ.એસ.એની ફ્લાઈટ પકડવા પહેલા પુરતો સમય પણ છે. બસ બોલીવુડ સુપર સ્ટાર પહોંચી ગયા સુરૈયા ના ઘરે. એ વખતના ન્યુઝપેપરોમાં આ સમાચાર પહેલા પાને હતા.
છેલ્લો બોલ : જ્યારે તમે કોઈ વસ્તુ મેળવવા માટે ખરા હ્રદયથી પ્રયત્નો કર્યા હોય, અનેક નિષ્ફળતા છતાં તમારા પ્રયત્નો ચાલુ રાખ્યા હોય ત્યારે સ્વયં ઈશ્વરે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે છે કે તમારી ઈચ્છા પૂર્ણ થાય.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – ૧૭ મી કડી – ૧૩/૦૬/૨૦૨૦