દેશની ઘણી ટેક્ષટાઈલ મિલોના માલિક, એમ્બેસેડર કારના ઉત્પાદક અને ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક કૃષ્ણકુમાર બિરલાની નમ્રતાની વાત છે. તેઓ દેશના આગળ પડતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાના પુત્ર હતા. સત્તા અને સંપત્તિ સાથે ઉચ્ચ સંસ્કાર અને માનવતા ભર્યો વ્યવહાર તેમને વારસામાં મળ્યો હતો.
જ્યારે તેઓ ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક અને ચેરમેન હતા ત્યારે અખબારમાં એક ‘બ્રંચ’ નામની કોલમ ચાલતી. તેમાં ઘણીવાર તેઓ પોતાની જ જિંદગીના હલકા ફૂલકા પ્રસંગો લખતા. તેઓ અખબારના માલિક હોવા છતાં જ્યારે તેમનો લેખ તંત્રીને મોકલતા ત્યારે લેખ પર ખાસ પહેલી લાઈન લખતા. ‘આ લેખ તમને યોગ્ય લાગે તો જ છાપજો.’ ધન્ય છે આવા માલિકને કે પોતાને ત્યાં પગારથી કામ કરતા તંત્રીને પણ પોતાનું કામ યોગ્ય જણાય તો જ છાપવા કહેતા. મહેનત વગર આગળ આવવા માંગતા લેખકોએ આ વાત શીખવા જેવી છે કે ‘શું છાપવું અને શું ના છાપવું તે અધિકાર તંત્રીઓનો જ હોય છે.’
૧૯૬૦ ના દશકામાં લંડનની એક હેલ્થ ક્લબમાં કૃષ્ણકાન્ત બિરલાને એક જાપાની યુવતી મળી. વાતવાતમાં તેણે કહ્યું, ‘અમારા ધર્મગુરૂ દલાઈલામા છે. જીવનમાં એકવાર તેમના દર્શન કરવા છે.’ ભારત આવીને ભારતના આ ઉદ્યોગપતિએ પેલી છોકરીને તેના લંડનના સરનામે લંડન – દિલ્હીની રિટર્ન ટિકિટ મોકલી. દલાઈલામા જ્યાં હતા ત્યાં ધરમશાલા પહોંચાડવાની અને રહેવાની વ્યવસ્થા પણ તેમણે જ કરી આપી. પેલી છોકરીએ દસ દિવસ સુધી ધરમશાલામાં પોતાના ગુરુના પ્રવચનો સાંભળ્યા અને દર્શન કર્યા. લંડન પાછા જઈ તેણે કે.કે બિરલાને પત્ર લખ્યો, ‘મારા જેવી એક સામાન્ય છોકરી માટે તમે જે કઈ કર્યું છે તેનું વળતર હું ક્યારેય નહીં ચૂકવી શકું.’
છેલ્લો બોલ : પૈસાનું આગમન તમારા ઘરમાં ફેરફાર કરશે પણ પરમાત્માને ગમે તેવા પરોપકારી કાર્યો તમારા સમગ્ર જીવનમાં ફેરફાર કરશે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૯ – ૧૫/૦૬/૨૦૨૦