અત્યારના બાળકોમાં ખાસ કરીને ૫ થી ૧૦ વર્ષના બાળકોમાં તેઓ તેમના કાર્યમાં ધ્યાન પરોવી શકતા નથી, તેમને એકની એક સુચના વારંવાર આપવી પડે છે, એક જગ્યાએ બેસી શકતા નથી, ખુબ તોફાન કરે છે, નાની બાબતમાં ગુસ્સે થઇ જાય છે, ચિડીયાપણું તેમનામાં જોવા મળે છે. આને કારણે તેઓ ધ્યાનપૂર્વક વાંચી કે લખી શકતા નથી તેમજ તેમની યાદશક્તિ ખુબ નબળી જોવા મળે છે તેવી ફરિયાદો ખુબ સાંભળવા મળે છે. આ બાળકોની એકાગ્રતા વધી શકે તેમજ તેઓ કોઈ પણ વસ્તુમાં ધ્યાન પરોવી શકે તે માટેના થોડા ઉપયોગી સૂચનો.
પોષણયુક્ત આહાર:
- બહારના મીઠા તેમજ ખાંડથી પ્રચુર નાસ્તા, કલર અને મેંદાયુક્ત ગળ્યા નાસ્તા સ્વાદ અને દેખાવમાં સુંદર લાગે પરંતુ બાળકને વધુ તોફાની તેમજ વધુ ચંચળ બનાવતા હોય છે.
- પુરતા પ્રમાણમાં કઠોળ, ફળ, શાકભાજી બાળકના શરીર અને મગજને સંતુલિત બનાવે છે.
- તેનાં શરીર અને મગજને એકાગ્ર બનાવે છે તેમજ જીવાણું સામે લડવા સક્ષમ બનાવે છે.
રોજના કાર્યોનું સમયપત્રક બનાવવું:
- ઊંઘ, નાસ્તા, નહાવું, છાપાનું વાંચન, થોડી ગૃહકાર્યમાં મદદ જેવા કામોને એક ચોક્કસ સમયપત્રકથી અનુસરવા પ્રોત્સાહન આપવું.
- આમ કરવાથી તેના મગજમાં નિયમિત કામોની એક કડી( પેટર્ન ) ગોઠવાઈ જશે.
- આ કામ પછી આ જ કામ આવશે તે નિયમિતતાને તે ચુસ્તપણે વળગી રહેશે.
- તે કામોને યાદ નહિ રાખે તો પણ કામો સુંદર રીતે પુરા થશે.
- ધીમે ધીમે કામોની સંખ્યા વધારી પણ શકાશે.
ટીવી તેમજ વિજાણું સાધનોનો નિયંત્રિત ઉપયોગ:
- વધુ સમય માટે ટીવી તેમજ વિડીયો ગેઈમ, કે મોબાઈલની આદતથી બાળકની રમવાની, વાંચવાની, લખવાની, મિત્રો સાથે ભળવાની ક્ષમતામાં ઘટાડો થતો જાય છે.
- આ સાધનો સાથે ૨૪ કલાકમાં એક કલાકથી વધુ સમયનું જોડાણ ધીરે ધીરે એકાગ્રતા ને પણ નુકશાન પહોચાડે છે.
કસરત:
- ખુલ્લા મેદાનમાં હળવી કસરત અને રમતો શરીર અને મગજને તાજગીસભર અને કાર્યરત રાખે છે.
- શરીર અને મગજના દરેક ભાગમાં પ્રાણવાયુ પહોચાડે છે.
- બાળકની શક્તિ યોગ્ય દિશામાં વપરાવાને કારણે તેની ચંચળતા આપોઆપ ઘટે છે અંતે તેની એકાગ્રતા વધે છે.
ભણવાનો બોજ ઘટાડવો:
- તેની ક્ષમતા પ્રમાણે જ તેને ભણાવવો.
- ચિત્રો, કાર્ટૂન, સીડી, વાર્તાના સ્વરૂપે તેને ભણાવવાથી વિષયવસ્તુ તેનાં મગજમાં સહેલાઈથી અંકિત થઇ જશે.
- નાના જવાબો, શબ્દો, ખાલી જગ્યાનું વારંવાર પુનરાવર્તન કરાવવું.
- ધીરે ધીરે તેને થોડા મોટા જવાબો લખતા પણ આવડશે.
રાત્રે સુતા કયા રોજિંદા કાર્યો તેણે કર્યા અને કયા રહી ગયા તેની પાસે જ યાદ કરાવી લખાવો. દિવસ દરમ્યાન તે ભૂલો કરે તેજ સમયે તેને વારંવાર ટોકવાથી તેનામાં નકારાત્મક ભાવના આવશે અને તેનો આત્મવિશ્વાસ ઘટશે. તેની ભૂલોને થોડા કલાકો પછી તેને યાદ કરાવાનું કહેવાથી તે હકારાત્મક રીતે સ્વીકારશે. ભૂલેલા કામોને યાદ રાખવાનો તે પ્રયત્ન કરશે.