૪ સપ્ટેમ્બર ૧૯૮૬. પેન એમ એરની ૨૪ વર્ષીય એક એર હોસ્ટેસ જે મોડેલ પણ હતી તેણે સવારે ૯ થી રાત્રે ૮ સુધી એક જાહેરાત માટે શુટિંગ કર્યું. શુટિંગ ડાયરેક્ટર આયેશા સયાનીને બાય કહી રાત્રે ૮ વાગ્યે ઘરે આવી ડીનર લઈ તેણે તેની માતાને કહ્યું, ‘મને રિસીવ કરવા કોલ આવશે. તે પહેલા હું ૯૦ મિનિટની સુંદર ઊંઘ લઈ લઉં છું.’ માતાએ તેને કહ્યું, ‘શક્ય હોય તો ના પાડી દે. તે આખો દિવસ કામ કર્યું છે.’
પણ પોતાના કામને સમર્પિત દીકરીએ ના પાડી. ૫ તારીખ વહેલી સવારે ૧.૧૫ વાગ્યે પેન.એમ એર ની ગાડી તેને રિસીવ કરવા આવી ત્યારે માતાએ તેને કહ્યું, ‘તારી સાત તારીખે વર્ષગાંઠ છે. ક્યા મિત્રોને બોલાવશું?’ દીકરીએ કહ્યું, ‘સાત તારીખે મારે આવતા મોડું–વહેલું થાય. આ વખતે હું માત્ર કુટુંબના સભ્યો સાથે જ એ દિવસ વિતાવવા ઈચ્છું છું.’
આ વાત એરહોસ્ટેસ નિરજા ભનોતની છે. ૦૫/૦૯/૧૯૮૬ વહેલી સવારે મુંબઈ– ન્યુયોર્ક વાયા કરાંચી – ફ્રેન્કફર્ટ પેન એમ એર ફ્લાઈટ ૭૩ ની તે મુખ્ય કેબિન ક્રુ હતી. કરાંચી એરપોર્ટ પર તેને સૌથી પહેલા ખ્યાલ આવ્યો કે વિમાનમાં ચાર ટેરરિસ્ટ આવી ગયા છે. ટેરરિસ્ટની ઈચ્છા બને તેટલું ઝડપથી પ્લેઈન ટેઈક ઓફ થાય તેમ હતી.
પણ નિરજાએ એ દિવસે ઉપરોક્ત શબ્દો યથાર્થ કરતું કામ કરી બતાવ્યું જેનાથી તેના માતાપિતા જીવનભર ગર્વ લઈ શકે. ઉપરોક્ત શબ્દો પિતા હરીશ ભનોતને તેમની લાડકી દીકરી નિરજાએ જેને તેઓએ જન્મથી ‘લાડો’ સંબોધનથી જ બોલાવેલી તેણે તેના પિતાને આ શબ્દો કહ્યા હતા. અને તેણે આ શબ્દો સાચા પણ પાડ્યા.
એ સમયે નિરજાએ કરેલા હિમતભર્યા કામને ટૂંકમાં જોઈએ
(1) તેણે મુખ્ય પાયલોટને કેબિનમાં ‘હાઈજેક કોડ’ પહોંચાડ્યો જેનાથી પાયલોટ જાણી શક્યા કે પ્લેન હાઈજેક થયું છે. પછી તેમણે પ્લેઈન ટેઈક ઓફ જ ના કર્યું. જો પ્લેઈન ટેઈક ઓફ થયું હોત તો અંદર રહેલા ૩૮૦ જણાનો જીવ સંપૂર્ણપણે જોખમમાં આવ્યો હોત.
(2) તે ટેરરિસ્ટની ખુબ જ નજીક રહી ઈમરજન્સી ડોર ખોલવામાં સફળ રહી. આ ડોર ખોલી સૌથી પહેલા તે બહાર ભાગી શકતી હતી. પણ તેણે વૃધ્ધો અને બાળકોને બહાર કાઢવાની કોશિશ કરી. ગુસ્સે થયેલા ટેરરીસ્ટોને લાગ્યું કે હવે ગમે ત્યારે કમાન્ડો એટેક થઇ શકે છે આથી તેમણે નિરજાની પોની પકડી તેને પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી ઠાર કરી. તેના શરીરમાં ગોળી ગયા પછી પણ તેણે અન્ય મુસાફરોને મદદ કરવાના પ્રયત્ન ચાલુ રાખ્યા હતા.
(૩) ફ્લાઈટમાં હાજર મુસાફર કિશોર મુર્થીના કહેવા મુજબ ખુબ જ ગંભીર અને જોખમવાળા સમયે પણ તેના મુખ પર હાસ્ય જ હતું. આ સ્માઈલ જોઈ અન્ય મુસાફરો હળવા જ રહ્યા તેમને લાગ્યું કે ટેરરિસ્ટો સમાધાન કરી લેશે. મુસાફરો સ્ટ્રેસમાં ના રહે અને બધું જ સ્ટ્રેસ તેણે પોતાના પર લઈ તે હસતી જ રહી.
પ્લેનમાં આતંકવાદીઓનો હિંમત પૂર્વક સામનો કરી ૩૬૦ જેટલા મુસાફરોને એરહોસ્ટેસ નિરજા ભનોતે બચાવ્યા. હતા. કુલ ૨૦ જણાનો જાન ગયો હતો. ૭/૦૯/૧૯૮૬ તારીખે તેના જન્મ દિવસે નિરજા નહીં પણ તેનું કોફીન લેવા તેના માતાપિતા મુંબઈ એરપોર્ટ પર આવ્યા. તેના પિતા તેના કોફીન પાસે જઈ બોલ્યા, ‘હેપ્પી બર્થ ડે – લાડો’ ત્યારે એરપોર્ટ પર હાજર બધાની આંખો ભીની હતી. નિરજાને દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘અશોકચક્ર’ મળ્યો. આ સન્માન મેળવનારી દેશની પહેલી સામાન્ય નાગરિક હતી.
છેલ્લો બોલ : ૨૦૧૬ માં આ ઘટના પરથી બનેલ ‘નિરજા’ પિકચરમાં નિરજાનું પાત્ર કરનાર સોનમ કપૂરને એક સીનમાં સાંભળવું પડે છે. “તારામાં શું વિશેષ છે?” નિરજાએ “એનામાં શું વિશેષ હતું” તે બતાવી આપ્યું હતું.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૦૧ – ૦૫/૦૯/૨૦૨૦