બદલાયેલી જીવનશૈલીથી પ્રભાવિત થયેલા માં–બાપ દ્વારા જ જાણે અજાણે પોતાના બાળકોને ખોરાક દ્વારા ઝેરી તત્વો કઈ રીતે અપાઈ જાય છે તે જાણવું રસપ્રદ રહેશે. અત્યારે લોકોને બહારનો ખોરાક ઝડપથી જોઈએ છે, સાથે લાંબા સમય સુધી બગડે નહીં તેવો ઉપરાંત સ્વાદ–સુગંધ અને દેખાવમાં આકર્ષક હોય તેવો જોઈએ છે.
બાળક પણ ટીવી–મોબાઈલ પર આ ફૂડની જાહેરાત જોઈ તે ખાવા લલચાય છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પણ આ પદાર્થો સાથે લલચામણી ભેટો આપી તેમના ટાર્ગેટ કુમળા–વિકસતા બાળકોને જ રાખે છે. ખોરાકને આકર્ષક, સ્વાદિષ્ટ, રંગ સુગંધવાળો અને લાંબા સમય સુધી બગડે નહીં તેવો બનાવવા તેમાં કેવા ખતરનાક રંગરસાયણો (food additives) ઉમેરવા પડે છે તે જોઈએ.
- એનેલીન ડાઈ – કુત્રિમ સ્વાદ અને સુગંધ જાળવી રાખવા માટે.
- ટાટરીઝિન – ખાટીમીઠી ગોળીઓ, જેલી, જામ તેમજ ક્રીમમાં પીળા રંગ માટે.
- એબ્રુબાઇન – કસ્ટરડ, ગોળા તેમજ શરબતોમાં લાલ કલર માટે.
- કાર્મોઇઝીન – કુત્રિમ સ્વાદ અને સુગંધ માટે.
- એરીથકોસીન અને એસ્પેરેટમ – કેક, ઠંડા પીણા અને મીઠાઈઓમાં કુત્રિમ ગળપણ લાવવા માટે.
- મોનો સોડીયમ ગ્લુટામેટ(આજીનોમોટો) – ખાદ્ય પદાર્થોને લાંબો સમય ટકાવવા માટે.
- એલ્યુમિનિયમ વરખ – મીઠાઈઓ ઉપર ચાંદીના વરખને બદલે.
આ નામો વાંચતા જ પાર્કિન્સન્સના દર્દીની જેમ ધ્રુજારી છુટી જાય તેવા અખાદ્ય રસાયણો જેને પચાવવા માનવ શરીરમાં કોઈ સિસ્ટમ જ નથી તે માતાપિતા જ બાળકના શરીરમાં પધરાવે છે. આ નામો સાથે ટીન અને ડબ્બા પર બિલોરી કાચથી પણ મહામહેનતે સમજી શકાય તેટલા ઝીણા અક્ષરમાં લખ્યું હોય છે, ‘માન્ય અથવા સ્વીકૃત રંગો’. આ માન્ય અથવા સ્વીકૃત રંગો કેટલા પ્રમાણમાં ઉમેરાય અને શેમાં ઉમેરાય કે નાં ઉમેરાય તેની પુરતી ગાઈડલાઈન નથી.
આ તત્વો ધરાવતા ખોરાકમાં પોષક તત્વો ઓછા અને ઝેરી તત્વો વધુ હોય છે. આ રસાયણો બાળશરીરમાં માનવબોમ્બનું કાર્ય કરી બાળકના શરીરને રોગોનું મ્યુઝિયમ બનાવી દે છે. ગર્ભસ્થ મહિલાઓ જો આવા ખોરાક લે તો અવિકસિત ગર્ભની આંખો, મગજ અને જીવનભર બાળક રિબાતું રહે તે રીતે વિવિધ અંગોને નુકશાન પહોંચે છે.
આ રસાયણોને લીધે ખોરાક આકર્ષક, ચળકતા અને ગળ્યા બને છે જેનો વધુ ઉપયોગ લાંબાગાળે અરેરાટી ઉપજાવે તેવી ખોડખાંપણ ઉભી કરે છે. જેના ડાઘા શર્ટ પર પડે તો પણ મહામહેનતે જાય તે રંગરસાયણો શરીરમાં જઈ કેવી તકલીફો ઉભી કરતા હશે તે જાણીએ.
- એલર્જિક કફ, એલર્જિક રીએક્શન અને આંતરડાના રોગો.
- લીવર, આંતરડા અને મૂત્રમાર્ગ પર સોજો.
- ચેતાતંતુ અને ચેતાકોષો સુધી પહોંચી બાળમગજમાં બાયોલોજીકલ ઝેર ફેલાવવું.
- નાની ઉંમરે બાળકોમાં અસ્થમા, ડાયાબિટીસ, લ્યુકેમિયા તેમજ અન્ય કેન્સર આ રસાયણોને આભારી છે.
- મગજ અને ચેતાતંત્ર સુધી પહોંચેલા રસાયણોની અતિ ગંભીર અસર ૧૪ થી ૧૫ વર્ષ પછી થાય છે. શરૂઆતમાં માત્ર ચીડિયું, બેધ્યાનપણું બતાવતું બાળક સમય જતા ADHD (એટેન્શન ડેફિસિટ), EPILEPSY (વાઈ અથવા ખેંચ) ની બિમારીનો શિકાર બને છે.
- આ રસાયણો બાળકોના રંગસુત્રોને પણ હાની પહોંચાડે છે. આને પરિણામે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ અમુક હઠીલા રોગો બાળકોના બાળકોને પણ વારસામાં મળે છે.
દુનિયાભરમાં છેલ્લા ૨૫ વર્ષમાં ૧૦ વર્ષથી નીચેના બાળકોમાં ડાયાબિટીસ, લ્યુકેમિયા અને બેધ્યાનપણું (ADHD) વધી જવાનું એક કારણ બાળકોના માતાપિતાએ ઝેરી રસાયણોયુક્ત ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન કર્યું છે તે વૈજ્ઞાનિક રીતે સાબિતી સાથે પુરવાર થયેલું છે. હવે પછીની પેઢીમાં કેવા રોગો હશે તે વિચાર માત્રથી શરીરમાં રુંવાડા ખડા થઇ જાય છે.
બાળકોના ન્યૂરોફિઝીસિયન અને બાળકોના મનોચિકિત્સકનું કામ છેલ્લા દશકામાં ખુબ વધી ગયું છે. હવે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા શું થઇ શકે?
- ગર્ભાવસ્થામાં અને ધાવણ આપતી માતાએ ફક્ત ઘરમાં જ બનેલો પોષ્ટિક આહાર લેવો.
- જન્મ પછી પ્રથમ છ માસ બાળકને ફક્ત સ્તનપાન કરાવવું.
- છ માસ બાદ બજારમાં મળતા ડબ્બાને બદલે ઘરે બનાવેલા ખોરાકની જ ટેવ પાડવી.
- બે વર્ષ બાદ બાળકને તૈયાર પડીકાઓને બદલે મગસ, સુખડી, ચિક્કી તેમજ ઘરે બનાવેલ સેવ, પૂરી, શક્કરપારા જેવા નાસ્તાની ટેવ પાડવી.
- બાળકને બજારમાં મળતા કલરવાળા ખોરાકથી દુર રાખવા.