Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

જતા જતા

પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં ક્રિકેટના બાદશાહ ડોન બ્રેડમેન શૂન્ય રન બનાવી પેવેલિયનમાં પાછા ફરતા હતા. આથી તેમની કારકિર્દીની રનની એવરેજ આવી ૯૯.૯૬. તેમના ચાહકોએ હજુ વધુ એક ટેસ્ટ રમી કારકિર્દીનો અંત લાવવા કહ્યું. પણ ડોન નાં માન્યા. તેમણે કહ્યું, ‘મેં મારા દેશ માટે શ્રેષ્ઠ ઇનિંગો રમી છે. ચાહકો તે જ યાદ રાખે તે શ્રેષ્ઠ છે, ‘૧૦૦’ના મેજિકલ ફિગરથી લોકો મને યાદ રાખે તે જરુરી નથી.’

જીવનના આપણા પ્રોફેશનલ રંગમંચ પરથી સમયસર વિદાય લેવી પણ ખુબ ગ્રેસફૂલ છે. ‘હું હજુ મારું કામ કરું અને મારા પછીના મારા જેવું નહીં કરી શકે’ તે વિચાર જ એક દંભ છે.

જેઓ શ્રેષ્ઠ છે તેઓએ પોતાના કાર્ય સાથે પોતાની વિદાયનો સમય પણ નક્કી જ કરી રાખ્યો હોય છે. પોતાની આવડત અને કાર્યોને એક સુંદર તબક્કો લાવી સમયસર નીકળી જવું તે ખુબ ગૌરવપૂર્ણ વિદાય કહેવાય. પછીનાએ માત્ર તે ફૂટસ્ટેપ જ ફોલો કરવાના રહે, નવો રસ્તો કે નવા પગથિયા ના બનાવવા પડે પણ તે પગથિયા સુધી પહોંચી માત્ર આગળ જ વધવાનું રહે.

ઘણી મહાન વ્યક્તિઓએ જીવનમાં એટલું અદભુત કાર્ય કર્યું હોય છે, મહાન સિદ્ધિઓ મેળવી હોય છે પણ સમયસર નહીં નીકળવાના કારણે પોતાની ટીમ અને સાથીઓમાં અપ્રિય થઈ જાય છે આને કારણે સાથીઓએ તેમને ઉચકીને સંસ્થાના દવાર સુધી મુકવા આવવું પડે છે કે હવે તમે જાવ, આવા દાખલા પણ અમુક મહાન વ્યક્તિઓ સાથે થયેલા છે.

સુનીલ ગવાસ્કરે પણ આ બાબતે સુંદર વાત કહી હતી કે તમે રીટાયર થાવ ત્યારે લોકો ‘WHY’ પૂછે તે રીતે રીટાયર થાવ, ‘WHEN’ પૂછે અને જાવ તેમાં કોઈ મઝા નથી. ઘણું સમજાવ્યા છતાં ખુબ લોકપ્રિય રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ પણ તેમની બીજી ટર્મ માટે સહમત ના જ થયા.

રીટાયર થયા પછી તમારી આવડતનો અન્ય રીતે ઉપયોગ થઇ શકે. સમાજ ઉપયોગી કામો કે અન્ય ક્ષેત્રમાં પણ સફળ થઇ શકાય. બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ બીજા વિશ્વયુધ્ધપછી ચૂંટણી હારી ગયા તો થોડા સમયમાં જ નિરાશા ખંખેરી લેખનકાર્ય શરૂ કર્યું અને સાહિત્યમાં ‘નોબેલ’ પ્રાઈઝ મેળવ્યું. ઘણા ડોકટરો પણ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટીસમાં શ્રેષ્ઠ કામ કરી સમય અંતરે રીટાયર થઈ નાની જગ્યા કે ટ્રસ્ટ હોસ્પિટલોમાં પોતાની સેવા આપી નિવૃત્તિ પછીની શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતા હોય છે.

સ્વ. દેવઆનંદને કોઈએ પૂછ્યું,’૮૫ વર્ષની તમારી ઉંમરે હજુ તમે નવા પિકચરો બનાવો છો પણ હવે તમારા સર્જનમાં તમારા પહેલાના પિકચરો ‘ગાઈડ’ કે ‘હરે રામ હરે કૃષ્ણ’ જેવી ધાર રહી નથી.’ દેવઆનંદે કહ્યું, ‘હવે હું લોકો માટે નહીં પણ મારા પોતાના માટે પિકચરો બનાવું છું.’

છેલ્લો બોલ : અહીં નીકળી જવાની કે રણમેદાન છોડવાની વાત નથી પણ પોતે શીખેલા, પોતે મેળવેલા અનુભવોને અલગ રીતે પ્રદાન કરવાની વાત છે. ૫૦ ઓવરની મેચમાં ૪૫ ઓવર સુધી સ્ટેડી રમ્યા પછી છેલ્લી ઓવરોમાં આઉટ નથી થવાનું પણ વધુ શ્રેષ્ઠ રીતે ફટકાબાજી કરી ટીમના સ્કોરને (જીવનમાં તમારા પ્રદાનને) વધુ ઉંચાઈએ પહોંચાડવાની વાત છે.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૯૨ ૨૭ ઓગષ્ટ

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp