‘પીકુ’ પિક્ચરના એક સીનમાં અમિતાભ બચ્ચન તેના હિયરીંગ એઇડ ભૂલી ગયા હોય છે. કાર ડ્રાયવર ઈરફાનખાનને તેમણે ગાડી પાછી લઈ હિયરીંગ એઇડ લેવા જવા કહ્યું. ઈરફાનખાને નાં પાડી કે તેવી જૂની વસ્તુ લેવા પાછા નથી જવું. આગળ જઈ નવા લઈ લેજો.
માણસની ઉંમર જેમ વધતી જાય તેમ તેને પોતાની જૂની વસ્તુઓ પ્રત્યે લગાવ વધતો જતો હોય છે. જેમ કે જુનું પુસ્તક, લાકડી, જુના કપડા, પેન, જુના ફોટા, ચશ્માં તેમજ ઘરનો હિંચકો વગેરે. આ વસ્તુઓ નિર્જીવ હોવા છતાં તેની સાથે વડીલોને કેમ એક આત્મીયતા કે પોતીકાપણું લાગતું હશે? આ વસ્તુઓ તેમના ભૂતકાળના શ્રેષ્ઠ સમયની સાક્ષી હોય છે. તેની સાથે તેમના જીવનના શ્રેષ્ઠ સમયના સ્મરણો જોડાયેલા હોય છે. આ વસ્તુઓને સ્પર્શ કરતા, હાથમાં લેતા તેમને એક જીવંતતાનો અનુભવ થતો હોય છે. આ વસ્તુઓ સાથે તેઓ મનોમન વાતો પણ કરતા હોય છે.
આગળના સમયમાં ઘરની વ્યક્તિઓ સાથેનો સંવાદ થોડો ઓછો કરી અમુક નિર્જીવ વસ્તુઓ સાથેના માયા અને લગાવ દ્વારા પોતાના ભવ્ય ભૂતકાળમાં સરી જઈ તેમના મનને ઘણી શાતા મળતી હોય છે. તૂટી ગયેલી ચશ્માંની ફ્રેમ નવી અપાવો કે તૂટી ગયેલી લાકડીની જગ્યાએ નવી લાકડી અપાવો પણ આ નવી વસ્તુઓ સાથે જૂની યાદો ક્યાં જોડાયેલી હોય છે? તેમને જેમાં વિશેષ આત્મસંતોષ મળે તે વસ્તુઓથી તેમને અળગા પણ શા માટે કરવા? આથી જ તેઓ તેમને ગમતી જૂની વસ્તુઓ સાથે તેઓ જોડાયેલા રહે તેમાં મદદ કરવી તે સંતાનોનું શ્રેષ્ઠ કર્તવ્ય કહી શકાય.
કદાચ તેઓ એક સંદેશો પણ આપી દેતા હોય છે કે હું જીવંત વ્યક્તિઓ સાથેની મારી માયા સંકેલી રહ્યો છું, તમે પણ મારા સ્મરણો અને મારી વસ્તુઓની યાદોને વાગોળવા તૈયાર થઈ જજો.આથી જ સંતાનો દ્વારા તેમના જીવન દરમ્યાન તેમને મળેલી સુંદર ભેટોમાં ઉપરોક્ત વસ્તુને અવશ્ય ગણી શકાય.
વોટ્સઅપ પર વાંચેલું એક સુંદર વાક્ય, “પિતાના એક વેણથી રાજપાટ છોડીને રામ વનમાં જતા રહ્યા હતા. મહાનતા રામની નહોતી. મહાન તો પિતા દશરથે આપેલા સંસ્કાર હતા.”
ડો. આશિષ ચોક્સી
ગુડ મોર્નિંગ – કડી ૨ – ૨૯/૦૫/૨૦૨૦