૨૦૦૩ માં આવેલ હિન્દી પિક્ચર ‘બાગબાન’ ના એક સીનમાં વેલેન્ટાઈન ડે ની પાર્ટીમાં ગયેલ ગ્રાન્ડડોટરની પાછળ હેમામાલિની પહોંચી જાય છે. તેની પૌત્રીને એક છોકરો હેરાન કરવાનું શરૂ કરે છે, ત્યાં જ હેમામાલિની પહોંચી ખુન્નસ સાથે છોકરાને થપ્પડ મારે છે અને કહે છે, ‘આ મારી દીકરી છે. તું એને લાવારીસ સમજે છે? એની સામે આંખ ઉઠાવવાની હિંમત કરી તો આંખ કાઢી લઇશ.’ પિકચરમાં પૌત્રી અને દીકરા–વહુએ હેમામાલિનીનું ઘણું ઈન્સલ્ટ કર્યું, પણ દાદી હેમામાલિની તો ‘દાદી’ તરીકેની ફરજ બજાવ્યાનો સંપૂર્ણ સંતોષ હતો.
ઘણા વર્ષો પહેલા સોનિયા ગાંધી પણ પ્રિયંકાગાંધીને બાળકનો બર્થ થયો ત્યારે હોસ્પિટલમાં લેબરરૂમ બહાર આખી રાત બેસી રહ્યા હતા. “grandma’s heart is patchwork of love’ એમનેમ નથી કહેવાતું. અન્ય એક પ્રસિદ્ધ ક્વોટ છે કે ‘દાદા–દાદી તેમના બાળકોને બધું જ શીખવાડે છે, માત્ર તેમના વિના કેમ રહેવાય તે શીખવી શકતા નથી.’દાદા–દાદી બહાર નીકળે એટલે સુરજે પણ વાદળો પાછળ ઢંકાઈ જવું પડે છે કારણકે તે પણ દાદા–દાદીનું તેજ સહન કરી શકતો નથી.
- ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહેવાથી બાળકો માતૃભાષાનું જ્ઞાન સુંદર રીતે મેળવી શકે છે.
સુતી વખતે બાળકના કપાળ પર ઉષ્માસભર હાથ રાખી બાળવાર્તાઓ અને બાળગીતો બાળકોને દાદા-દાદી કે નાનાનાની શ્રેષ્ઠ રીતે કહે છે. - અત્યારે ઘણા દાદા–દાદી તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને સ્કુલે લેવા મુકવા જવાથી માંડી દસમાં–બારમાં ધોરણમાં ખુબ ધ્યાન રાખી તેમની કેરિયર બનાવવામાં ખુબ મદદરૂપ થતા હોય છે.
- ઘણા ગ્રાન્ડ પેરેન્ટ્સ તેમના ટીનએઈજ બાળકો પાસે મોબાઈલ-ટીવીના ઉપયોગ શીખતા હોય છે.
અમિતાભ બચ્ચને કહ્યું હતું, ‘મને નવા ગેઝેટ્સનો બેસ્ટ ઉપયોગ કરતા શ્વેતા બચ્ચનના સંતાનોએ શીખવ્યો.” આનંદ બન્ને પક્ષે છે. - દાદા દાદીનું ઘડપણ ત્યારે જ સફળ થયેલું ગણાય જ્યારે તેમનો સમય તેમના પૌત્ર–પૌત્રીઓ સાથે રમી–ઝગડીને તેઓ વિતાવી શકે.
- માતા–પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસ સાથેના સહજીવનથી થાય છે.
ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, કઈક આપવું, સહનશીલતા, વડીલોને આદર, કપરા સંજોગોમાં શ્રેષ્ઠ નિર્ણય લેવાની કળા જેવા ગુણો બાળકોને ક્યારેય કોઈ પાઠશાળામાં શીખવા મળવાના નથી હોતા જે તેમનામાં ગ્રાન્ડપેરેન્ટસ સાથે માત્ર રહેવાથી ઉતારવાના હોય છે.
- ગ્રાન્ડપેરેન્ટ્સ પાસે આખા જીવનના સુખ-દુઃખનું તેમજ અનુભવોનું ભાથું હોય છે.
જે વસ્તુઓ તેઓ પોતાના સંતાનોને નથી આપી શક્યા તે હવે તેમના સંતાનોના સંતાનોને આપવા ઉત્સુક હોય છે.
એક દાદાએ વાત કરી હતી કે હું મારા દીકરાને ભણાવતો હતો ત્યારે તેના પર ખુબ ગુસ્સે થતો અને ક્યારેક તેને મારતો પણ હતો પણ હવે તેના દીકરાને ખુબ સરસ રમતા રમતા ભણાવું છું અને ક્યારેય ગુસ્સો આવતો નથી.
- દરેક માતાપિતાની ફરજ છે કે તેમના સંતાનોને તેઓ તેમના ગ્રાન્ડપેરેન્ટસની ત્રુટિઓ અને ખામીઓ કહે તેનાં કરતા તેમના ગુણોની વાતો કરે જેથી બાળકોને પણ તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહેવા મળવાની ઈચ્છા થાય.
તેમના થોડા અવગુણોને અવગણીને પણ એવું ગોઠવવું કે બાળકને વધુને વધુ ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે રહેવા મળે.
ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે વધુ સમય માટે રહેલું બાળક પુખ્તવયમાં આપોઆપ સંવેદના અને માનવીય મુલ્યો સભર હોવાનું જ.
- બાળકોમાં કુટુંબ પ્રેમ પણ ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહીને જ આવતા હોય છે.
દુરના સગાવહાલાઓ તેમજ તેમના વિશે માહિતી, તેઓએ પોતાના ઘર માટે શું કર્યું? જેવી વાતો ગ્રાન્ડપેરેન્ટ્સ પાસેથી સાંભળી બાળકમાં સામાજિક ગુણોનો વિકાસ થાય છે. બાળકને દેશ, ન્યાત, ધર્મ, તહેવારો, અધ્યાત્મ અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ જ્ઞાન ગ્રાન્ડપેરેન્ટ્સ આપી શકે છે. .
- બાળકોના ભૂલ, જીદ, ગુસ્સો અને તોફાન જેવા લક્ષણો શ્રેષ્ઠ રીતે સહન અને મેનજ કરી શકે છે.
પૌત્ર કે પુત્રીના કામોમાં તેઓ ક્યારેય થાકતા નથી.
તેમની હાજરીથી વર્કિંગ પેરેન્ટ્સને ખુબ હળવાશ રહે છે.
ઘણીવાર પોતાનું ગ્રાન્ડ ચિલ્ડ્રન શું કહેવા માંગે છે?, તેના મનમાં શું છે? અને તે તેના પેરેન્ટ્સ પાસેથી શું ઈચ્છે છે? તે પોતાના સંતાનોને શ્રેષ્ઠ રીતે ગ્રાન્ડપેરેન્ટ્સ સલાહ આપી શકે છે. કારણકે ગ્રાન્ડપેરેન્ટ્સ પોતાના સંતાન અને પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ બન્નેની લાગણીઓને શ્રેષ્ઠ રીતે સમજે છે. એ વખતે પેરેન્ટ્સે તેમના પેરેન્ટ્સને સાંભળવા જોઈએ. તમે અમારી વચ્ચે ના આવો તેમ કહી ઉતારી પાડવા ના જોઈએ.
- તેમની હાજરી જ ઘરમાં એક પોઝીટીવ વાઈબ્રેશન સર્જે છે.
પતિપત્ની એકબીજાને રીસ્પેક્ટ આપે છે.
વડીલોને લીધે ઘરના સભ્યો એકબીજાના સારા ગુણોને જોતા અને ખરાબ ગુણોને સહન કરતા શીખે છે.
છેલ્લો બોલ : અફસોસ એ છે કે અત્યારનું સામાજિક ચિત્ર બદલાઈ ગયું છે. ઘરડાઘર ગ્રાન્ડપેરેન્ટ્સથી ઉભરાઈ રહ્યા છે અને પૌત્રો–પૌત્રીઓએ બેબી સીટીંગમાં રહેવું પડે છે.
જે વર્કિંગ પેરેન્ટસ તેમના બાળકોને ગ્રાન્ડપેરેન્ટસથી દુર રાખે છે તેઓ કમાઈને પણ અનેકગણું ગુમાઈ રહ્યા હોય છે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૦૮ – ૧૩ સપ્ટેમ્બર