ઘણાવર્ષો પહેલાની મહુવા પાસેના કળસાર ગામની ‘ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદીવિદ્યાલય‘ નામની માધ્યમિક શાળાની વાત છે. શાળાના સંચાલક બળવંતભાઈ પારેખ હતા. આ શાળાને ૫૫,૦૦૦ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મંજુર થઇ. એ વખતે આ રકમ ખુબ મોટી ગણાતી. તે વખતે માધ્યમિક શાળાને સરકારી ગ્રાન્ટ જે તે ગામની વસ્તીનાધોરણે મળતી હતી. કળસાર ગામની વસ્તી તે વખતે ૫૦૮૬ હતી. સરકારી નિયમ એવો હતોકે જો ગામની વસ્તી ૫૦૦૦ કે તેનાથી ઓછી હોય તો શાળાને પુરેપુરી ગ્રાન્ટ મળેઅને જો ગામની વસ્તી ૫૦૦૦ થી વધુ હોય તો શાળાને ગ્રાન્ટ નાં મળે.
આસંસ્થાનું સંચાલન ખુબ સારું હતું. ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીને આ સંસ્થાપ્રત્યે ભલી લાગણી હતી. શિક્ષણ અધિકારીએ પોતે જ એક સમાચાર મોકલ્યા કે તમારાગામની વસ્તી ૫૦૦૦ જેટલી જ છે તેવું એક લખાણ મોકલી આપો જેથી અમે તમને તરતસરકારી ગ્રાન્ટ ચૂકવી આપીએ.
સંચાલક બળવંતભાઈએ વિચાર્યું ‘આ રકમ ચોક્કસ મોટી છે. આ રકમથી સંસ્થાના ઘણા ઉપયોગી કામો પણ થઈ શકે. પણ આટલા મોટા રૂપિયા લેવા માટે આપણે જો એક વખત નીચે ઉતરીશું તો પછી ભવિષ્યમાં પણ નાની નાની રકમો લેવા માટે આપણને નીચે ઉતરવાનું મન થશે. શાળાના વિધાર્થીઓ પણ આવું જ શીખશે.’ આ રકમ મંજુર કરવા માટે એકસામાન્ય કાગળ લખવાનો હતો. પણ શ્રી બળવંતરાયે અનીતિનો આશરો નાં જ લીધો.તેમણે ગ્રાન્ટ જતી કરી. તેમના જવાબથી ખુદ શિક્ષણ અધિકારી ચક્તિ થઈ ગયા.
સૌથી મોટી ગ્રાન્ટ નીતિમત્તાની છે.શ્રી બળવંતરાય ગ્રાન્ટ જતી કરીને ગ્રેઇટ બન્યા.
માહિતી સ્ત્રોત : રસિકલાલ વૈષ્ણવ
છેલ્લો બોલ : વસ્તુ મળવાની જ ના હોય અને તેના માટે ઈચ્છા ના રાખવી કોઈ પણ વ્યક્તિ માટે સરળ છે. પણ તે ચોક્કસ મળવાની જ હોય પણ તેનો રસ્તો અયોગ્ય હોવાથી તેને જવા દેવી તે ઉત્તમ ચારિત્ર્યનું પરમ શિખર છે.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૨ – ૦૮/૦૬/૨૦૨૦
