“જીવનના રંગમંચ પર તેઓનો અભિનય કેવો જોરદાર નીકળ્યો, કે અંત સુધી મેં તેમને હેરાન કર્યા, હું તેમના પર નાની નાની ઘટનાઓ પર ગુસ્સે થઇ, અયોગ્ય વ્યવહાર કર્યો, પણ અંતે તો તેઓ જ વિજયી બની મારી પહેલા ચાલ્યા ગયા. ખરેખર તો જીવનની દરેક વાતમાં મેં તેમને ‘ટેઇક ગ્રાન્ટેડ’ લીધા હતા.”
શશિનભાઈએ વિદાય લીધી. ૫૦ વર્ષના દાંપત્યજીવન બાદ ૭૫ વર્ષની ઉંમરે શશિનભાઈએ દુનિયામાંથી વિદાય લીધી અને ૭૨ વર્ષના કલાબહેન હવે એકલા પડી ગયા. બન્ને દીકરા ઇન્ડિયાની બહાર સેટલ થઇ ગયેલ. શશિનભાઈના ગયા પછી બન્ને દીકરા વારાફરતી માં પાસે થોડા દિવસ રહી પોતાના માળામાં પાછા ઉડી ગયા. હવે કલાબહેન એકલા પડ્યા. છેલ્લા ૫૦ વર્ષ શશિન સાથેના દિવસો યાદ આવી જતા. પાંપણો ભેજવાળી થઇ જતી.
થોડા દિવસમાં જ તેમને શશિનભાઈની ગેરહાજરી વર્તાવા લાગી. મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રીસિટીમાંથી ફોન આવી ગયો કે અઠવાડિયામાં બાકી રહેલ બિલ નહીં ભરો તો સેવા કપાઈ જશે. ઘરમાં પૈસા ખલાસ થઇ જતા પોતે બેંકમાં જવું પડ્યું. પોતાની દવા ખાલી થઈ ગઈ, બે દિવસ થઇ ગયા હવે મેડીકલ સ્ટોર્સમાં જવું પડશે. ભગવાનના દીવા માટે દિવેટ તેઓ જ બનાવતા. અમુક કપડાની ઈસ્ત્રી પણ તેઓ જ કરતા. ધોયેલા વાસણો પણ તેઓ જ ચઢાવતા. સવારે ઉઠ્યા પછી કેટલાય કામો હતા કે જે શશિન જ સંભાળી લેતા, કલાબહેનને આટલા વર્ષો સુધી અંદાજ જ ના આવવા દીધો કે આ બધા કામો પણ સમયસર પુરા કરવા અગત્યના હોય છે અને સમય પણ માંગી લે છે.
બાળકો ભણ્યા અને વિદેશ ગયા પછી શશિનને કાયમ હું મેણા મારતી રહી કે, ‘આખો દિવસ બેસી રહો છો, છાપું વાંચ્યા કરો છો, બે ટાઈમ જમવાનું મળે એટલે તમે તમારી જ દુનિયામાં રહો છો. ઘરમાં કશું જ કામમાં નથી આવતા.’ પણ ખરેખર શશિન ઘર ચલાવવા માટેનો કેટલો બોજ ઉઠાવતા, મારું બધું જ કામ સરળ રહે તે માટેની દરેક વસ્તુની તૈયારી તેઓ કેટલી સુંદર રીતે કરતા. હું તેમને નાની નાની વસ્તુ કહી સંભળાવતી. તેઓ મને એક પણ શબ્દ ન બોલતા. કશું જ ન બોલીને પણ મને કેટલા પ્રેમથી મનાવતા. મારું બીજી વસ્તુનું ફ્રસ્ટેશન તેમના પર હું કાઢતી. તેઓ મને સાંભળી નાના બાળકને પ્રેમથી સમજાવતા હોય તે મનાવી લેતા. કામવાળો ના આવ્યો હોય, ઘરમાં વોશિંગ મશીન કે કોઈ સાધન બગડે અને હું ગુસ્સે થાઉં કે મારો મુડ જતો રહે ત્યારે તેઓ કબીરનું વિધાન કહી મને શાંત પાડતા. ‘જ્યાં સોયથી કામ ચાલે તેવું હોય ત્યાં તલવાર શું કરવા વાપરવી.’
ખરેખર ભગવાન હું નસીબદાર હતી કે મને શશિન જેવા પતિ મળ્યા પણ હું તેમની હાજરીમાં તેમને સમજી જ ના શકી. ઘણીવાર કલાકો સુધી તેમની સાથે અબોલા રાખી હું તેમની સાથે બોલતી નહીં. મારો ગુસ્સો શાંત થતા પછી જ્યારે બોલું તો કઈ જ થયું ના હોય એટલા જ પ્રેમથી તેઓ મારી સાથે વાત કરતા. ઈશ્વર તું શક્ય હોય તો મને માફ કરી દે જે. જતા જતા તેઓ છેલ્લે મને કહેતા, ‘મને તારી સાથેના જીવનનો ખુબ સંતોષ છે. તારા માટે કઈક કરી શકું તે માટે ઈશ્વર હજુ મને થોડો સમય આપે તો સારું.’
જો પતિ કે પત્ની એકબીજાને સાચા અર્થમાં પ્રેમ કરે છે તો એકબીજા દ્વારા થતી અવગણનાની અવગણના કરવી, એ જે તે સંબંધને આપેલો શ્રેષ્ઠ આદર છે’. ડો.નિમિત ઓઝા
શ્રેષ્ઠ પતિપત્ની એકબીજાથી ખોટું લગાડતા નથી. તેઓ એકબીજાને તેમની ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા, માફ કરવાની ઉદારતા અને ભૂતકાળને ફરી યાદ નહીં કરવાનો ગુણ ધરાવતા હોય છે.
લાંબુ દાંપત્યજીવન ધરાવતા દરેક પતિપત્નીના જીવનમાં કોઈ એક તબક્કો તો એવો આવ્યો જ હોય છે કે બે માંથી કોઈ પણ એકે એવી ભૂલ કરી હોય કે જે ખરેખર માફીપાત્ર ન હોય. છતાં કોઈ એકે એ ભૂલને અવગણી જીવનને આગળ ધપાવ્યું હોય.
જો તમે કોઈ વ્યક્તિને સાચી રીતે પ્રેમ કરો છો અને તમને પ્રેમ કરતા આવડતું હોય તો તમારી વ્યક્તિને મનાવતા પણ આવડવું જોઈએ. પોતાની વ્યક્તિ પ્રત્યે ધીરજ રાખી તેને પ્રેમથી મનાવવી તે પ્રેમ કરવાનું જ કામ છે. ……….કૃષ્ણકાન્ત ઉનડકટ
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૫૮ – ૨૪/૦૭/૨૦૨૦