૨ ઓગસ્ટ ૨૦૦૨ નો રક્ષાબંધનનો દિવસ હતો. સ્થળ હતું, મધ્યપ્રદેશના ઇન્દોરની સેન્ટ્રલ જેલ. અહીં આજે ક્ષમા, માફી, પ્રેમ, કરુણા અને શાંતિ માટેનું અવિસ્મરણીય દ્રશ્ય સર્જાયું. એક મર્ડર માટે આજીવન કેદની સજા પામેલા ૫૩ વર્ષના કેદી સમંદરસિંઘને કેરાલાની ક્રિશ્ચન સાધ્વી સિસ્ટર સેલ્મીએ રાખડી બાંધી. સિસ્ટર સેલ્મીએ સમંદરસિંહના હાથ ચૂમ્યા. તેની પાસે રાખડી બંધાવતા સમંદરસિંહનાં હાથ ધ્રુજતા હતા. આમ તો આપણે ઘણીવાર વાંચીએ છીએ કે જેલના કેદીને ઘણી સામાજિક સંસ્થામાંથી રક્ષાબંધનના દિવસે બહેનો રાખડી બાંધવા જાય છે. પણ આ રાખડીનું મહત્વ વિશેષ હતું.
૨૫ ફેબ્રુઆરી ૧૯૯૫નો એ ગોઝારો દિવસ હતો. સવારે ૮.૧૫ મિનિટે મધ્યપ્રદેશના ઉદયપુરથી ઇન્દોર જતી બસમાં સાધ્વી રાની મારિયાએ જગ્યા લીધી. રાની મારિયા ઈન્દોર પહોંચી ટ્રેન દ્વારા પોતાના વતન કેરાલા જવા માંગતા હતા. તેઓ અહીં બે વર્ષથી મિશનરી કાર્ય કરી રહ્યા હતા. તેઓ અભણ ગ્રામજનો જેઓ શાહુકાર અને જમીનદારો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લઈ કાયમ ગુલામીમાં રહેવું પડે તે સ્થતિમાં જીવતા હતા તે ભોળા ગ્રામજનોને સરકારની ઓછા વ્યાજે મળતી લોનો અને મદદની માહિતી આપવાનું કામ કરતા હતા. તેમના આ કામથી અહીંના જમીનદારોના પેટમાં તેલ રેડાયું હતું. તેમણે સિસ્ટર રાની મારિયા સામે બદલો લેવાનું નક્કી કર્યું હતું.
આ માટે તેમણે સમંદરસિંહ નામની એક વ્યક્તિને સોપારી આપી અને સાધ્વીની હત્યા માટે તૈયાર કર્યો હતો. ઉદયપૂરથી ઉપડેલી બસ જંગલ જેવા વિસ્તારમાં પહોચી અને બસમાં જ બેઠેલા સમંદરસિંહ અને બે જમીનદારોએ બસને રોકી. બસમાં સમંદરસિહે ૫૦ થી વધુ પેસેન્જરની હાજરીમાં સિસ્ટર રાનીમારિયા પર તીક્ષ્ણ હથિયાર વડે ૫૪ જેટલા ઘા ઝીંકી તેઓની ઘાતકી હત્યા કરી. બસમાં હાજર મુસાફરોમાં બુમરાણ અને ભાગંભાગ મચી ગઈ. રાની મારિયાની હત્યા કરી સમંદરસિંહ અને તેની સાથેના જમીનદારો પણ ગાઢ જંગલમાં ફરાર થઈ ગયા. ત્રણ દિવસ બાદ તેઓ પકડાયા. સમંદરસિંહને આજીવન કેદની સજા થઈ. અન્ય બે જમીનદારો બે માસ બાદ જામીન પર છુટી ગયા.
૨૦૦૨ના માર્ચ માસથી જ રાની મારિયાની બહેન સિસ્ટર સિસ્ટર સેલ્મીના મનમાં સમંદરસિંહને મળવાનો વિચાર આવ્યો હતો. તે માટે તેણે ઇન્દોરના મિશનરી કાર્ય સાથે સંકળાયેલા ફાધર સદાનંદનો સંપર્ક કર્યો. ફાધર સદાનંદે બીજા ચાર માસમાં જેલમાં પાંચથી છ વખત મુલાકાત લઈ સમંદરસિંહને સિસ્ટર સેલ્મીને મળવા તૈયાર કર્યો.
આ સમય દરમ્યાન સમંદરસિંહને તેના કર્મની સજા ઈશ્વરે આપી દીધી હતી. તેની પત્નીએ છુટાછેડા લઈ લીધા. તેના મોટા પુત્રનું અવસાન થયું. તેને પણ ખરા હૃદયથી તેના કૃત્ય પ્રત્યે પસ્તાવો થતો હતો છતાં તેના મનમાં તેને સિસ્ટર રાની મારિયાને મારવા માટે તેને તૈયાર કરનાર બે જમીનદારો પ્રત્યે બદલાની ભાવના જાગી હતી. તેણે મનમાં વિચાર્યું હતું કે હું જેલમાંથી જ્યારે પણ છુટીશ પછી પહેલું કામ પેલા બે જમીનદારો જેણે મને દયાની દેવીનું ખૂન કરવા તૈયાર કર્યો હતો તેમનું ખૂન કરી પછી આત્મહત્યા કરી લઇશ. પણ ઈશ્વર કઈક અલગ જ વિચારતા હતા. ૨૦૦૨ ના ઓગસ્ટમાં સિસ્ટર સેલ્મીના હાથે રાખડી બંધાવ્યા બાદ અવારનવાર જેલમાં તેમની મુલાકાત સિસ્ટર સેલ્મી સાથે થતી રહી. સિસ્ટર સેલ્મીની વાતોએ સમંદરસિંહનું હૃદય પરિવર્તન કર્યું.
સિસ્ટર સેલ્મિએ તેને કહ્યું, ‘અમે તને માફ કરી દીધો છે. તારા હદયમાં દ્વેષભાવ નહીં પણ પ્રેમભાવ રાખજે. અને સહુનું ભલું કરજે.’ ૨૦૦૪માં સિસ્ટર સેલ્મી અને તેના પરિવારજનોએ મધ્યપ્રદેશ સરકારને પત્ર લખ્યો અને કોર્ટમાં પણ રજૂઆત કરી કે તેમને હવે સમંદરસિહ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. અને બને તેટલું ઝડપથી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે.
તેમના પ્રયત્નોને લીધે ૧૧ વર્ષની સજા બાદ સમંદરસિહ જેલની બહાર આવ્યા ત્યારે સમંદરસિંહ નહીં પણ પુનર્જન્મ મેળવેલ એક અલગ વ્યક્તિ હતા. તેમણે રાની મારિયાએ અધૂરું છોડેલું કાર્ય જ શરૂ કર્યું. તેઓ ભોળા અને અભણ ગ્રામજનો હવે શાહુકાર અને જમીનદારોના ઊંચા વ્યાજે ધીરેલા પૈસાની ચુંગાલમાં નાં ફસાય તે માટે કાર્ય કરતા. જ્યાં તેમણે રાની મારિયાનું ખૂન કર્યું હતું ત્યાંજ રાની મારિયાના મૃત શરીરને દફનાવી સરકારે એક શાંતિ અને પવિત્રતાના પ્રતિકનું સ્થળ બનાવ્યું હતું. તેમની કબર પાસે તેઓ અવારનવાર મુલાકાતે જતા. તેઓએ કહ્યું કે, ‘આ સ્થળની મુલાકાત લઈને મને શક્તિ અને શાંતિ મળે છે.’
સિસ્ટર સેલ્મીએ દર વર્ષે સમંદરસિંહને મળીને રાખડી બાંધવાની ચાલુ રાખી. ૨૦૦૮ માં કેરાલાના કોચી નજીકના ગામે સમંદરસિંહે રાની મારિયાના માતાપિતાની મુલાકાત લઈ ફરી પોતાના કૃત્યનો પસ્તાવો વ્યક્ત કર્યો. રાની મારિયાના કુટુંબીજનો તેને ગળે મળ્યા. તેમનો પોતાની કુટુંબની વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો અને પુત્રનું સ્થાન આપ્યું ત્યારે કરુણાની દેવી હાજર હોત તો તેમની આંખમાંથી પણ અશ્રુધારા વહેતી હોત. સિસ્ટર સેલ્મીનું માનવું હતું કે ઈશ્વરે સમંદરસિંહ પાસે જ દયા અને કરુણાનું કામ કરાવવું હતું. આ માટે તેનું હૃદય પરિવર્તન થાય તે જરૂરી હતું. તે માટે તેમણે મારી બહેનને પસંદ કરી તે અમારું સૌભાગ્ય છે. ઈશ્વરના દરબારમાં પણ રાની મારિયાનો આત્મા તેના કુટુંબીજનોએ કરેલા કાર્યથી શાંતિ અને તૃપ્તિની અનુભૂતિ કરતો હશે. ‘ક્ષમા નું ખરું સૌંદર્ય, સોહાર્દ અને સાર્થકતા બદલો લેવામાં નહીં પણ વ્યક્તિને બદલવામાં રહેલું છે.’તે વિધાન રાની મારિયા, સિસ્ટર સેલ્વી અને તેના કુટુંબીજનોએ સાબિત કરી બતાવ્યું.
આ ઘટના એ વખતના છાપાઓમાં આવી હતી. પણ એક સામાન્ય વાત ગણાઈ લોકોના મગજમાં ભુલાઈ પણ ચુકી હતી. ૨૦૧૧–૨૦૧૨ માં ઓસ્ટ્રેલિયાના કોઈ એક ફિલ્મ નિર્માતાએ આ ઘટના પર નાની ફિલ્મ બનાવી. આ ફિલ્મ વેટિકન સિટીના ક્રિશ્ચન ધર્મગુરૂ પોપે ૨૦૧૪મા જ્યારે જોઈ ત્યારે તેમણે સમંદરસિંહ, સિસ્ટર સેલ્મી અને તે બંનેને ભેગા કરનાર ફાધર સદાનંદને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે આ સમાચાર ફરી ન્યુઝપેપરમાં ચમક્યા. તેઓ ધર્મગુરૂ પોપને મળી શક્યા કે નહીં તે માહિતી અપ્રાપ્ય છે પણ જ્યારે આ લોકોને નિમંત્રણ મળ્યું ત્યારે ફાધર સદાનંદ અને સમંદરસિંહ પાસે તો પોતાના પાસપોર્ટ પણ ન હતા.
(સત્યઘટના : માહિતી સ્ત્રોત : ઈન્ટરનેટ)
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૬૮ – ૦૩/૦૮/૨૦૨૦