૧૯૬૫ : ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ ગુજરાતમાં કોયલી રિફાયનરી ખાતે આવેલ. ત્યાંથી નીકાળેલું અને શુદ્ધ થયેલું ક્રુડ તેલ ભરેલી એક આખી માલગાડી તૈયાર કરાઈ હતી. દેશની આ પહેલી ઓઈલ ટ્રેઈન હતી. જવાહરલાલ નહેરૂ આ ટ્રેઈનને લીલી ઝંડી બતાવવા છેક કોયલી આવ્યા હતા.
આ વખતે શ્રી પંડિત નહેરૂના કોટ પર ઓઈલના છાંટા ઉડયા. આ જોઈ આજુબાજુમાં ઉભેલા પત્રકારો અને સહાયક સ્ટાફમાં દોડધામ મચી ગઈ. એ લોકો વડાપ્રધાનના કોટ પર પડેલા ઓઈલના ડાઘા લુછવા પ્રયત્ન કરવા લાગ્યા. શ્રી પંડિત નહેરૂએ ખુબ વિનમ્રતાથી કીધું, “આ ડાઘા લુછશો નહીં, આ ડાઘા કોટ પર એમ ને એમ રહેવા દો. આ ડાઘા મારા માટે અને મારા દેશ માટે ગર્વની વાત છે કે હવે આપણો દેશ ક્રુડ ઓઈલ બાબતે સ્વનિર્ભર થઇ ગયો છે. હું આ ડાઘા ગર્વભેર સંસદમાં બતાવવા માંગુ છું અને ભવિષ્યમાં ભારતનું સ્થાન પણ ક્રુડ ઓઈલ બાબતે સ્વનિર્ભર હશે તે વાત સંસદમાં જણાવવા માંગુ છું.”
૧૯૪૦ : રિશીકપૂરના દાદા પૃથ્વી રાજકપૂર તેમની નાટક મંડળી ‘પૃથ્વી’ ને લઈને દેશના ગામેગામ નાટકના શો માટે ફરતા હતા. થોડા સમય માટે મંડળીને પૈસાની ખુબ તકલીફ પડી. નાટકના શો માં એટલી આવક થતી ન હતી અને પૃથ્વીરાજ કપૂર ખુબ દિલદાર ઇન્સાન ગણાતા, તેમની નાટક મંડળી સાથે સંકળાયેલ કલાકારોને કુટુંબના સભ્યો માનતા. તેમનો પગાર ઓછો કરવાનું તેમને માન્ય ન હતું. નાટકની ટિકિટના ભાવ વધારવાનું પણ તેમને માન્ય ન હતું.
આ સંજોગોમાં તેઓ પોતે નાટક પૂરું થાય એટલે હોલની બહાર વાડકો લઈ બેસતા. નાટક જોઈ બહાર નીકળતી વ્યક્તિઓએ ખુશ થઈ વધારાના પૈસા આપવા હોય તો તેઓ વાડકામાં નાખતા. એક વ્યક્તિએ મજાક કરવા વાડકામાં ધૂળ નાખી. પૃથ્વીરાજ કપૂરે કીધું, ‘આ ધૂળની મજાક ના કરશો. આ ધૂળ આપણા દેશની ધૂળ છે. તેનું મુલ્ય અમુલ્ય છે. તેને જેમતેમ ના વપરાય. તે આપણી માતાનું ઋણ છે.’ આવો હતો પૃથ્વીરાજ કપૂરનો વતનની ધૂળ પ્રત્યેનો પ્રેમ.
૧૯૬૩ : દિલ્હી ખાતે ‘રિપબ્લિક ડે’ ની ઉજવણીમાં શ્રી પંડિત નહેરૂ હાજર હતા. લત્તા મંગેશકરને કોઈ દેશભક્તિનું ગીત ગાવા માટે આમંત્રણ હતું. લત્તા મંગેશકરે પ્રદીપજીએ લખેલા ‘એ મેરે વતન કે લોગો’ ગીત ગયું. આ ગીતના શબ્દે શબ્દમાં દેશભક્તિ અને સૈનિકોના બલિદાનની ભાવના છલકાતી હતી. શ્રી પંડિત નહેરૂ પોતાની આંખમાં આંસુ રોકી નાં શક્યા.
૧૯૯૯ : પાકિસ્તાન સામે કારગિલ યુધ્ધ છેડાયું હતું. આપણા અમુક જવાનોની ફરજ ઝીરો ડીગ્રીથી પણ ઓછા તાપમાનવાળા બર્ફિલા પહાડો વચ્ચે આવી હતી. ઘણા જવાનો તેમના ખીસામાં એક કોથળી રાખતા. આ કોથળીમાં વતનની ધૂળ હતી. સમય આવ્યે વતનની ધૂળને અડતા હિંમત મળે અને રગેરગમાં વહેતું લોહી ગરમ થાય તેમ જવાનોનું કહેવું હતું. આવી છે આપણા દેશની ધૂળની કિમત આપણા જવાનો માટે.
૧૯૮૦ : સુનીલ ગવાસ્કર ક્યારેય હેલ્મેટ પહેરતા ન હતા. પત્રકારો ઘણીવાર તેમને હેલ્મેટ ન પહેરવાનું કારણ પૂછતા. તેઓએ કહ્યું, ‘આ પ્રેરણા મેં વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચાર્ડસ પાસેથી લીધી છે. રીચાર્ડસે એક વખત કીધું આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવા ટેસ્ટ કેપ પહેરવાનું નસીબ બહુ ઓછાને મળે છે. જ્યારે ઈશ્વરે આપણને દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપી છે તો આપણા માથાને પણ તે જ બચાવશે.’ બસ આ સાંભળ્યું છે ત્યારથી હું હેલ્મેટ પહેરતો નથી.
૧૯૩૬ : બર્લિન ખાતે હોકી ઓલમ્પિક ફાયનલ ભારત અને જર્મની વચ્ચે હતી. આ મેચ જોવા હિટલર ખુદ આવ્યા હતા. આ મેચમાં જર્મની નો પરાજય થયો. હિટલરે ધ્યાનચંદને કહ્યું, ‘અમારા દેશમાં આવી જાઓ, હું તમને લશ્કરમાં ટોપ રેન્કિંગમાં હોદ્દો આપીશ.’ ધ્યાનચંદે કહ્યું, ‘મને મારા દેશના નાના સૈનિક બનવાનું પસંદ છે. હું મારા વતનની ધૂળને છોડી નાં શકું.”
૨૦૧૯ : ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં અભિનંદન વર્થમાન ઇન્ડીયન આર્મીના વાયુદળની કામગીરી કરતા પાકિસ્તાનની બોર્ડરમાં ઘુસી ગયા. તેમનું ફાઈટર પ્લેન પાકિસ્તાનના કોઈ ગામમાં તૂટી પડ્યું. ભારત સરકારના પ્રયત્નો પછી તેઓ પાછા ટૂંક સમયમાં જ આવી ગયા. એક પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, ‘વતન માટે કદાચ જીવ ગયો હોત તો પણ વાંધો ન હતો, એ તો આનંદની વાત અમારા જવાનો માટે હોય છે પણ દેશની માટીમાં જાન જાય તો વધુ સૌભાગ્યની વાત હોય છે.’
છેલ્લો બોલ : જહાં ડાલ ડાલ પર સોનીકી ચિડિયા કરતી હૈ બસેરા,
જહાં સત્ય, અહિંસા ઔર ધર્મ કા લગતા હૈ ડેરા,
જહાં ઋષિમુની જપતે પ્રભુ નામકી માલા,
જહાં સુરજ સબસે પહલે આકર ડાલે અપના ડેરા,
જહાં રાગરંગ ઔર હસીખુશીક હરદમ લગતા હૈ મેલા,
જહાં આસમાનસે બાતે કરતે મંદિર ઔર શિવાલય,
જહાં પ્રેમકી બંસી બજતી આજભી સામ – સબેરા,
વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા.
(અનામી – વોટ્સઅપ મેસેજમાંથી)
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૭૯ – ૧૫/૦૮/૨૦૨૦