આપણા સંપર્કમાં આવતા જગતના સર્વ જીવો જો આપણાથી પ્રસન્ન હોય તો સમજવું કે પરમાત્મા પણ આપણાથી પ્રસન્ન છે.
એક વખત એક બાળકને બતાવવા એક બહેન આવ્યા ત્યારે સાહજિકતાથી તેમનાથી બોલાઈ ગયું, ‘મારું કોઈ જ નથી.’ આ વાક્યનો અર્થ મને જે સમજાય છે તે લખું છું.
જે વ્યક્તિને એવું લાગે કે ‘મારું કોઈ નથી’ ત્યારે ખરેખર તો તેઓ જ કોઈના બન્યા નથી હોતા.દરેક માણસ પાસે જન્મ વખતે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી… એમ મેળવેલા સબંધો હોય છે. જીવન જેમ આગળ વધે તેમ તેમાં મિત્રો, પડોશીઓ ઉમેરાતા જાય છે તેમની સાથેના જે સબંધો બને તેને કેળવેલા સંબંધો કહે છે.
મેળવેલા સબંધો માણસને જન્મતા જ સીધા મળ્યા હોય છે જ્યારે કેળવેલા સબંધો માણસે જાતે બનાવવાના હોય અને પછી નિભાવવાના હોય છે. મેળવેલા સબંધો + કેળવેલા સબંધો એટલે આપણું સર્વસ્વ. પણ જ્યારે આપણને એમ લાગે કે ‘મારું કોઈ નથી’ ત્યારે આ બન્ને સબંધો આપણે કેમ સાચવી નાં શક્યા? તેમાં આપણી શું ભૂલો હતી? આપણું કયું વર્તન,વાણી કે વિચાર આને જવાબદાર હતા? તે વિચારવું પડે.
સબંધોને નબળા પાડતા ચાર કારણો હોય છે.
- અપેક્ષા.
જ્યાં અપેક્ષા આવે ત્યાં સબંધોની સીમાનું વિસ્તરણ અટકી જાય છે.
સામેની વ્યક્તિ આપણી અપેક્ષિત વર્તણુક કરવામાં પાછી પડે કે તરત તેની સાથે સબંધ ઓછો કરી નાખવો. - આપણી સાથે સંકળાયેલી વ્યક્તિઓની વાંરવાર ભૂલો કાઢવાની અને તેને સુધારવાની વૃત્તિ.
(આપણી સાથે સંકળાયેલ વ્યક્તિઓની ખુબી નહીં પણ સતત ખામીઓ કાઢવાનું વલણ)
(૩) ભૂતકાળની પીડાદાયક ઘટનાઓ અને પરિસ્થિતિઓનું વાંરવાર પોસ્ટમોર્ટમ કરવું
(4) સતત ફરિયાદીપણાવાળો સ્વભાવ. પોતાની સાથે સતત કઈક ખોટું થઈ રહ્યું છે તેવી લાગણી.
(હંમેશ પોતે જ સાચા છે તેવું પુરવાર કરવાનો પ્રયત્ન)
બીજાને અપેક્ષા વિના સતત કઈક આપતા રહેવાના સ્વભાવવાળાને બધું જ મળતું હોય છે અને તેની સાથે બધાને બનતું હોય છે.બે મિત્રો હતા. એકને ફેસબુક પર ૪૦૦ જેટલા મિત્રો હતા. બીજાને ફક્ત ૪૦ જેટલા મિત્રો હતા. જેને ૪૦૦ મિત્રો હતા તે ઘણીવાર બીજા મિત્ર પર હસતો. કહેતો મારું સર્કલ કેટલું વિશાળ છે. તારા જેટલા મિત્રો છે તેનાથી વધુ તો રોજ મને મારી પોસ્ટ્સ પર લાઈક્સ મળતી હોય છે.
એક વખત તે બીમાર પડ્યો. હોસ્પિટલમાં દાખલ હતો. તેના અઠવાડિયાના સ્ટે દરમ્યાન એક પણ જણને રૂબરૂ આવી તેને મળવાનો ટાઈમ ન મળ્યો. પણ સોશિયલ મીડિયા પર તેની માંદગી માટે તેને ઘણી ઈમોજી મળી. આ મિત્ર ઘણો દુઃખી થયો. તેણે ઘણાને ફોન કર્યા પણ દરેકને કઈક કામ હતું. તેની પાસે આવી હોસ્પિટલમાં બેસવા સમય ન હતો.
જેને ૪૦ મિત્રો હતા તે આગળ ભણવા દેશની બહાર ગયો હતો. તે દરમ્યાન તેના પિતાજીનું અવસાન થયું. તેની ગેરહાજરીમાં તેના થોડામાંના મિત્રોએ તેના ઘરે આવી પિતાની બધી જ અંતિમ વિધિ પૂરી કરી. પછીના અઠવાડિયા સુધી તેના ઘરે રોજ આવી તેના પરિવારને સાંત્વન આપ્યું અને જરુરી કામો પણ કર્યા. આ બધું જ તે મિત્રની સુચના વગર.
હવે કોના સબંધો સાચા? સબંધો સંખ્યાથી નથી મપાતા પણ તેમના માટે નિસ્વાર્થભાવે કરેલી મદદથી મજબુત બનતા હોય છે. જીવન ખુબ વિવિધતાવાળું છે. જીવનપથ ક્યારેય સપાટ તકલીફો વિનાનો નથી હોવાનો. તેમાં ઘણા ખાડા–ટેકરા, નદી–નાળા–ટેકરીઓ આવશે. ખળખળ વહેતા ઝરણા પણ આવશે. પશુની ગર્જના તો પંખીઓનો મધુર અવાજ પણ સંભળાશે.
આ બધાનો આનંદ લેતા લેતા આગળ વધો. લોકો તમારા થાય કે ના થાય તમે એમના થાવ.રસ્તામાં બધાને કઈક આપતા જાવ, હસતા જાવ, ખુલ્લા આકાશમાં ક્યારેક કાળું દિબાંગ વાદળું પણ જોવા મળશે અને ક્યારેક મેઘધનુષ પણ જોવા મળશે. બન્નેની સુંદરતા માણો.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૯૦ – ૨૫/૦૮/૨૦૨૦