ગુજરાતના એક વિશ્વવિખ્યાત ગીતકાર–સંગીતકારને ૧૯૭૫–૧૯૭૬ ના સમયમાં ‘લાખો ફુલાણી’ પિકચરમાં એક ગુજરાતી ગીતને કિશોરકુમારના અવાજમાં ગવડાવવાની ઈચ્છા થઇ. આ માટે પિકચરના નિર્માતા સાથે તેઓ મુંબઈમાં જુહુ સ્થિત કિશોરકુમારના ઘરે પહોંચી ગયા. કિશોરકુમારના ઘરના ઝાંપે જ તેમને ખબર મળ્યા કે કિશોરકુમાર મહેમુદ સાથે કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા છે.
પછી તેઓએ કિશોરકુમારને રૂબરૂ મળી શકાય તે આશા છોડી પોતાનું નામ, ટેલીફોન નંબર ચિઠ્ઠીમાં લખી કિશોરકુમારને પહોંચાડ્યું. ચિઠ્ઠીમાં ‘ફુરસદે વાત કરવા’ વિનંતિ કરી હતી. કિશોરકુમારે ચબરખીમાં બારણે આવનારનું નામ વાંચ્યું – “અવિનાશ વ્યાસ”. તેઓ જાતે ઉભા થઈ બહાર આવ્યા, બુમ પાડીને અવિનાશભાઈને રોક્યા, વાંકા વળી ચરણરજ માથે ચઢાવી અને કહ્યું, ‘ગુરુજી, મેરે ઘર આપ પહેલી બાર પધારે ઔર બિના આશિર્વાદ દિયે હી લૌટ જાના ચાહતે થે.”
“પદ્મશ્રી” અવિનાશ વ્યાસ એટલે બારેક હજાર ગીતોના ગીતકાર, ૨૫૦ જેટલી ફિલ્મોના સંગીત નિર્દેશક. અસંખ્ય ગીત–ગરબાઓના રચયિતા, ૪૦ વર્ષ સુધી ગીત–સંગીતની દુનિયામાં છવાયેલું અવિનાશી નામ એટલે અવિનાશ વ્યાસ. લત્તા મંગેશકર, કિશોરકુમાર, મુકેશ અને મુહમદ રફી જેવા ટોચના ગાયકો પણ તેમને ગુરૂ માનતા અને તેમને જુવે તો ચરણ સ્પર્શ કરતા આટલું તેમનું સન્માનીય વ્યક્તિત્વ હતું.
“ગાઓ સૌ સાથે તમને બજરંગીની આણ છે…..” ગુજરાતી સ્વરમાં કિશોરકુમારનું પહેલું ગુજરાતી ગીત ‘લાખોફુલાણી ‘ પિકચરમાં હતું. ૧૯૪૯ માં રજુ થયેલ ‘મંગલફેરા’ ફિલ્મનું ગીત ‘રાખના રમકડા..’ અમર થઈ ગયું. ૧૯૭૭ માં આવેલ ‘દાદા હો દીકરી’ નું ટાઈટલ સોંગ વાગતું ત્યારે જાણે અડધું થિયેટર રડતું તેમ કહેવાતું. ‘માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો’ તેમની કારકિર્દીનો માસ્ટર પીસ હતો. ‘પંખીડાને આ પિંજરું જુનું જુનું લાગે’ હજુ લોકોની જીભે રમે છે. એકવાર સાંભળ્યા પછી વાંરવાર સાંભળીયે એટલે હુ તુ, તુ, તુ ……જામી રમતોની ઋતુ…… વાદળોની પાછળ પેલા સંતાયેલા પ્રભુજીને પામવા …જગત આખું રમે ..હુ તુ તુ‘
આવી ઈર્ષા ઉપજાવે તેવી લોકચાહના છતાં તેઓ સ્વભાવે ખુબ નમ્ર અને સૌજન્યશીલ હતા. કિશોર કુમારે તેમને શ્રેષ્ઠ અંજલી આપતા કહ્યું હતું, ‘લક્ષ્મી–પ્યારે હો યા કલ્યાણજી– આનંદજી સબ ઇસકે આસીસ્ટન્ટ રહ ચુકે હૈ, ઇતના બડા આદમી કિતના સીધા હૈ..’ શા માટે તેમના માટે લખાયેલા લેખોની આગળ ‘અમર રહે અવિનાશ..’ લખાય છે તે સમજી શકાય છે.
છેલ્લો બોલ : ૨૦૧૨ માં શ્રી અવિનાશભાઈની ૧૦૦ મી જન્મજયંતિ વખતે તેમને શ્રધાંજલી આપવા અમદાવાદમાં એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના હોસ્ટે કાર્યક્રમની શરૂઆતમાં અવિનાશભાઈની સિદ્ધિઓ, ગીતોના આંકડા અને તેમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું, આમ તેઓ ગુજરાતી ગીત ક્ષેત્રે બ્રેડમેન હતા.
પછી કાર્યક્રમ શરૂ થયો. કાર્યક્રમની અધવચ્ચે એક શ્રોતાએ સ્ટેજ પર આવી માફી માંગતા કહ્યું, ‘મારે કઈક કહેવું છે.’ હોલમાં શાંતિ છવાઈ ગઈ. આમ પ્રોગ્રામ અટકાવીને આ ભાઈને શું કહેવું હશે? તેમણે કહ્યું, ‘હોસ્ટે જે શરૂઆતમાં કહ્યું, કે અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન હતા. તેમાં મારે થોડો સુધારો કરવો છે. બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ આપણે કહેવું જોઈએ.’ હોલ તાલીઓથી ગુંજી ઉઠ્યો.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૫૩ – ૧૯/૦૭/૨૦૨૦
(જો સમય મળે તો આ લેખની સાથે ‘હુ, તુ, તુ…. જામી રમતોની ઋતુની લિંક મુકું છું. સમય મળે તો સાંભળજો. રવિવારે વાદળોની પાછળ સંતાયેલા પ્રભુજીને મળ્યાની અનુભૂતિ થશે.)
(માહિતી સ્ત્રોત : વર્તમાન પત્રો, ઇન્ટરનેટ, ‘દિગંત ઓઝા લિખિત – ગુજરાતી મલકના માનવી પુસ્તક)