- તંદુરસ્ત બાળક કોને ગણવું?
થોડા સમય પહેલા એક બહેન તેમના એક વર્ષના ૧૦.૫ કિગ્રા. વજન ધરાવતા બાળકને લઈને આવ્યા હતા. થોડા વ્યથિત હતા. તેમણે કહ્યું, ‘તંદુરસ્ત બાળકની હરિફાઈમાં મારા બાળકનું વજન ૧૦.૫ કિગ્રા હોવા છતાં ૯ કિગ્રા. વજન ધરાવતા બાળકને પ્રથમ ઇનામ મળ્યું. આવું થઇ જ કેવી રીતે શકે.’
બહેનની મુઝવણ અત્યારની સામાજિક માન્યતા પ્રમાણે સાચી હતી. અત્યારે સામાજિક રીતે એવું માનવામાં આવે છે કે દેખીતું વધારે વજનવાળું (જાડું) બાળક તંદુરસ્ત ગણાય. પણ હકીકતમાં એવું નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં મત પ્રમાણે તંદુરસ્ત બાળકની વ્યાખ્યામાં બાળકનો માનસિક વિકાસ, રસીકરણ, ચોખ્ખાઇ, માતાનું ધાવણ કેટલા સમય સુધી લીધું, વજન, લંબાઈ તેમજ માથાનો ઘેરાવો જેવી બધી જ વસ્તુને ધ્યાનમાં લઇ બાળકનો સર્વાંગી વિકાસ જોવો. તે પ્રમાણે બાળકને તંદુરસ્ત ગણવું.
બાળકનું વજન કેવી રીતે વધશે?
- પુરા મહિને જન્મેલા તંદુરસ્ત બાળકનું વજન ૨.૮ – ૩.૨ કિગ્રા વચ્ચે હોય છે જે ચાર મહિને ડબલ, એક વર્ષે ત્રણ ગણું, બે વર્ષે ચાર ગણું અને ચાર થી પાંચ વર્ષ વચ્ચે પાંચ ગણું અને આઠ થી દસ વર્ષ વચ્ચે દસ થી બાર ગણું થાય છે.
- પહેલા ત્રણ મહિના દરમ્યાન બાળકનું વજન દર મહિને ૬૦૦ – ૮૦૦ ગ્રામ, ચાર થી છ માસ દરમ્યાન દર મહિને ૫૦૦ – ૬૦૦ ગ્રામ, સાત થી નવ માસ દરમ્યાન દર મહિને ૩૦૦ – ૫૦૦ ગ્રામ, દસ થી બાર માસ વચ્ચે દર મહિને ૨૦૦ – ૩૦૦ ગ્રામ જેટલું વધે છે.
- પહેલા વર્ષે લગભગ ૫ થી ૭.૫ કિગ્રા જેટલું, બીજા વર્ષે ૨ થી ૩ કિગ્રા જેટલું અને ૨ થી ૧૨ વર્ષ સુધી દર વર્ષે ૧.૮ થી ૨ કિગ્રા જેટલું વધે છે.
- બે થી બાર વર્ષ વચ્ચે દર વર્ષે ૧.૮ થી ૨ કિગ્રા એટલે દર મહિને ૧૫૦ – ૨૦૦ ગ્રામ જેટલું અને રોજનું ૫ – ૬ ગ્રામ જેટલું વજન વધે છે.
- પહેલા બે વર્ષ દરમ્યાન બાળકના વજન માં ૭ થી ૧૦ કિગ્રા જેટલો વધારો જોવા મળે છે પછી ૨ થી ૧૨ વર્ષ વચ્ચે દર વર્ષે અચાનક ૨ કિગ્રા જેટલો જ વધારો જોવા મળે છે આથી માતા પિતાને લાગે છે કે હવે બાળકનું વજન વધતું જ નથી અને તેનો વિકાસ અટકી ગયો છે. પણ એવું હોતું નથી આ ઉંમરનાં ગાળામાં બાળકનું વજન વારંવાર કરવાની જરૂર નથી હોતી. તેના વજનની સરખામણી છ કે બાર માસ પહેલાના વજન સાથે કરવી. છ માસ દરમ્યાન એક કિગ્રા અને એક વર્ષમાં ૨ કિગ્રા વજનનો વધારો જોવા મળે તો તેનો વિકાસ બરાબર જ થઇ રહ્યો છે તેમ સમજવું.
- જન્મથી એક વર્ષ સુધી તો દર માસે વજનમાં વધારો જોવા મળે જ છે પણ એક વર્ષ પછી એવું નથી થતું. એક વર્ષ બાદ એવું બને કે સળંગ ત્રણ માસ બિલકુલ વજન નાં વધે અને ચોથા માસે ૫૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલું વજન વધી જાય. એટલે જ બે થી બાર વર્ષના ગાળા દરમ્યાન બાળકનું વજન વારંવાર જોવું ટાળવું અને ખોટી ચિંતાથી દુર રહેવું.
- જન્મ બાદ ફક્ત ધાવણ ચાલતું હોય તે બાળકનું પ્રથમ છ માસ દરમ્યાન તો સારું વજન વધે જ છે. પરંતુ છ માસ બાદ જ્યારે ઉપરથી ખોરાક ચાલુ કરવાનો સમય આવે ત્યારે જો યોગ્ય રીતે ઉપરથી ખોરાક ચાલુ નાં થયો હોય અને માતા ફક્ત ધાવણ જ આપ્યા કરતી હોય તો બાળકનો વિકાસ અટકી જાય છે અને તે કુપોષણવાળું બની જવાની શક્યતા રહે છે. માતાનું ધાવણ તો બે વર્ષ સુધી આપી શકાય અને આપવું જોઈએ પરંતુ છ માસ બાદ ધાવણ સાથે ઉપરનો ખોરાક પણ બાળકોના ડોક્ટરનું માર્ગદર્શન લઇ યોગ્ય રીતે ચાલુ કરવો જેથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય ગતિએ વધે.
- પ્રથમ વર્ષે ૮ થી ૧૦ કિગ્રા વચ્ચે, પાંચમાં વર્ષના અંતે ૧૬ થી ૨૧ કિગ્રા વચ્ચે અને દસમાં વર્ષના અંતે ૨૮ થી ૩૫ કિગ્રા વચ્ચે વજન જોવા મળે છે.
- ઉપર જણાવેલા વજનના માપમાં છોકરીઓમાં છોકરાઓની સરખામણીમાં ૧૨ વર્ષ સુધીમાં ૧૦% જેટલું વજન ઓછુ હોઈ શકે છે.
- બાળકનું વજન જે ઉમરે જે હોવું જોઈએ એના કરતા ૨૦% થી ઓછુ હોય તો બાળક કુપોષણ વાળું કહી શકાય અને ૨૦% થી વધુ હોય તો મેદસ્વી કહી શકાય.
- ઉપરના માપમાં થોડી વધઘટ જોવા મળે તો ચિંતા નાં કરવી. બાળકોના વજન પર વારસાગત અને જાતિની પણ અસર જોવા મળે છે. (પંજાબી માતાનું જ સરેરાશ વજન ૮૦ થી ૮૫ કિગ્રા. હોઈ તેમના બાળકનું જન્મે વજન ૩.૫ થી ૪ કિગ્રા. હોય તે સામાન્ય છે) કોઈ બાળકનું વજન એક વર્ષે સાત કિગ્રા, પાંચ વર્ષે ૧૫ કિગ્રા હોય પછી આંઠ થી બાર વર્ષ વચ્ચે અંતઃસ્ત્રાવના ફેરફારને લીધે અચાનક ૧૨ થી ૧૫ કિગ્રા જેટલું વધે તેવું પણ બને.
- બાળક જન્મે પછી પહેલા છ માસ દર માસે, છ માસ થી બે વર્ષ દરમ્યાન દર બે મહિને, બે થી પાંચ વર્ષ દરમ્યાન દર છ માસે તેમજ પાંચ વર્ષ થી બાર વર્ષ વચ્ચે દર વર્ષે બાળકનું વજન જોવું જોઈએ. કોઈ એક જ સમયના વજનના આધારે તેની તંદુરસ્તી મુલવી નાં શકાય. પાછલા ત્રણ કે ચાર વજનને આધારે તેના વજનનો વિકાસ મૂલવવો જોઈએ.
૨ થી ૧૨ વર્ષના બાળકનું આદર્શ વજન શોધવાની સાદી ગણતરી
વજન (કિગ્રા) = ૧૦ (વર્ષમાં) + ( ઉંમર – ૧ ) * ૨
ધારોકે કોઈ બાળકની ઉમર ૭ વર્ષ છે તો તેનું વજન =
૧૦ + ( ૭ – ૧ ) * ૨ = ૧૦ + ( ૬ ) * ૨ = ૧૦ + ૧૨ = ૨૨ કિગ્રા.
- ૧ પાઉન્ડ = ૨.૨ કિગ્રા. અને ૧ ઔંસ = ૨૯ ગ્રામ.