“લેજે વિસામો ન ક્યાંયે, હો માનવી દે જે વિસામો,
તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી દે જે વિસામો.”
વેણીભાઈ પુરોહિત
ડીગ્રી, સામાજિક દરજ્જો કે પદ ક્યારેય માનવતાના માપદંડ નથી હોતા.
આશરે ૧૦૦૦ વર્ષ પહેલા ગુજરાતમાં કુમારપાળ નામનો રાજા થઇ ગયો. અબોલ પક્ષી–પ્રાણીઓ માટે તેનો એટલો બધો પ્રેમ હતો કે ઘોડા અને ગાયના પીવાના પાણીને પણ તે ગળાવતો.
હમણાં ૨૩/૦૭/૨૦૨૦ ના રોજ લગભગ બધા જ છાપામાં તામિલનાડુના શિવગંગા જિલ્લાના પોથ્થાકુડી ગામની વાત હતી. ગામની સ્ટ્રીટલાઈટના કોમન સ્વિચબોર્ડમાં ઇન્ડીયન રોબિન પક્ષીએ ત્રણ ઈંડા મુક્યા હતા. કરુપ્પુરાજા નામનો ૨૦ વર્ષનો યુવાન રોજ સ્વિચ ચાલુ બંધ કરે. તેના ધ્યાનમાં આવ્યું કે સ્વિચબોર્ડમાં લીલા–વાદળી રંગના ત્રણ ઈંડા પક્ષીએ મુક્યા છે. અને સળી, તણખલાંના ઉપયોગથી બચ્ચા નીકળે તેમના માટે સુંદર માળો–ઘર બનાવ્યો છે.
તેણે માળો બચાવવા તેના ફોટા પાડી વોટ્સઅપ પર મુક્યા, તેના મિત્રોનો સાથ લઈ ગામના ૧૦૦ જેટલા ઘરે ફરી બધાને સમજાવ્યા, ત્યારબાદ પંચાયતના પ્રમુખને વાત કરી તેમને માળો બચાવવા સમજાવ્યા. છેલ્લે માળા પાસેથી પસાર થતો અને સ્વિચબોર્ડ નજીકનો લાઈવ વાયર કાપી નાખ્યો.
ગામમાં સાંજ પછી ૩૫ જેટલી સ્ટ્રીટ લાઈટ ૪૦ દિવસ બંધ રહી. કરુપ્પુરાજાના પ્રયત્નોને કારણે ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા. તેઓ ફરતા પણ થઇ ગયા. પીંછા પણ આવી ગયા અને થોડા સમયમાં ઉડી પણ ગયા.
આવી જ વાત તે જ વર્ષના માર્ચ માસમાં અમેરિકામાં લાસ વેગાસ ખાતે બની હતી. ત્યાંના આર્ટસ જિલ્લામાં કોલોરાડો એવન્યુ ખાતે એક એપાર્ટમેન્ટ બની રહ્યું હતું. ત્યાં કન્સ્ટ્રકશન એન્જીનીયર માઈક વિવિયરે જોયું કે એક માળો છે તેમાં હમિંગબર્ડ પક્ષીના બે બચ્ચા છે. બેબી હમિંગબર્ડને બચાવવા તેણે પણ બાંધકામ અટકાવી દીધું. હમિંગબર્ડને લાલ કલર પસંદ હોવાથી માળાની આજુબાજુ લાલ પટ્ટીઓ પણ મારી.
૧૯૯૨ ના સમયમાં શ્રી. ટી.એન.શેશન આપણા ઈલેકશન કમિશનર હતા. તેમની પત્ની સાથે ઉત્તરપ્રદેશમાં સરકારી ગાડીમાં પોલીસ એસ્કોર્ટ સાથે પસાર થઇ રહ્યા હતા. રસ્તામાં આંબાની વાડીઓ આવી, ત્યાં પંખીઓનો કલરવ સંભળાયો. તેમણે ઘણા પક્ષીઓના સુંદર માળા જોયા.
તેમની સાથેના પોલીસ સમક્ષ એક માળો ઘરે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસે નજીકમાં ગાયો ચરાવતા એક નાના છોકરાને બોલાવી ૧૦ રૂપિયા આપી એક માળો ઉતારી આપવાની વાત કરી. છોકરાએ ના પાડી. ૫૦ રૂપિયાની રકમમાં પણ તે તૈયાર ના થયો. શેષને કારણ પૂછ્યું તો છોકરાએ કહ્યું, ‘તમે માળો લઈ જશો. સાંજે પક્ષીની માં ખોરાક લઈને આવશે. તેના બચ્ચાને અને તેના ઘરને જોશે નહીં તો કેટલું કલ્પાંત કરશે તે તમને ખબર છે?’
શેષને એક પુસ્તકમાં લખ્યું હતું કે, ‘મારા IAS નું ગુમાન નાના અભણ છોકરાની માનવતા સામે ઓગળી ગયું અને કેટલાય દિવસ સુધી હું અપરાધભાવ ધરાવતો હતો.’
અમદાવાદમાં પણ ગયા ઓક્ટોબર માસમાં એક ડોક્ટરની વાત હતી. તેમની હોસ્પિટલના એક રૂમમાં કબૂતરે બે બચ્ચાને જન્મ આપ્યો હતો. બે બચ્ચાને બચાવવા તેમણે ૨૦ દિવસ સુધી તે રૂમમાં અને પછીથી હોસ્પિટલમાં એક પણ પેશન્ટને દાખલ ના કર્યા. બિલાડીથી આ બચ્ચાઓને બચાવવા પણ વ્યવસ્થા કરી. બચ્ચા ઉડતા થયા અને ગયા પછી જ તેમણે રૂમોમાં પેશન્ટને દાખલ કરવાના શરૂ કર્યા.
છેલ્લો બોલ : ઈશ્વર એક કલ્પના છે. મૂંગા પશુ પક્ષીઓ માટેની માનવતા એક હકીકત હોય છે. ઈશ્વર નિરાકાર છે પણ અબોલ જીવો માટેની સંવેદના સાકાર હોય છે. ઈશ્વર માટે શ્રધ્ધા હોય છે પણ પૃથ્વી પરના નાનામાં નાના જીવ માટેની લાગણીમાં ઈશ્વરનો સાક્ષાત્કાર હોય છે.
“અરે કોણે તને ગરીબ ચીતર્યો દોસ્ત?
તારે આંગણે તો ચકલી ચોખા ચણે છે.”
(વોટ્સઅપ પર વાંચેલ પંક્તિ)
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૬૭ – ૦૨/૦૮/૨૦૨૦