Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

વાંચનની પ્રયોગશાળા અને વિચારોનું શુદ્ધિકરણ

૧૯૮૨૧૯૮૩ ની વાત છે. મુંબઈની એક કેન્સર હોસ્પિટલના કેન્સર સર્જન ડો. વ્યાસે લેખક હરકિસન મહેતાને પોતાની હોસ્પિટલમાં બોલાવ્યા. તેમણે કેન્સરના ટર્મિનલ કેસવાળા એક કિશોર સાથે હરકિસન મહેતાની મુલાકાત કરાવી.

હરકિસન મહેતા એ વખતે ‘ચિત્રલેખા’માં ‘જડ ચેતન’ નામની નવલકથા લખી રહ્યા હતા. નવલકથાનું એક પાત્ર ‘તુલસી’ કોમામાં છે. તેને સાજી કરવા તેનો મિત્ર ચિંતન ખુબ પ્રયત્નો કરે છે. કિશોરે કહ્યું, ‘હવે હું વધુ જીવવાનો નથી. તમારી વાર્તામાં ‘તુલસી’ નું હવે શું થશે? મારે આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા વાર્તાનો અંત જાણવો છે.’ પોતાના લખાણ માટે આટલી સંવેદના જોઇને લેખક હરકિસનભાઈ રડી પડ્યા.

જીવનના દર્દને સહન કરવા માટેની શ્રેષ્ઠ મિત્રતા સંગીત અને સાહિત્ય નિભાવે છે.માણસમાં પ્રેરણા, પરિવર્તન, પથદર્શન, તાજગી અને આનંદ પ્રમોદનો સર્વોત્તમ સ્ત્રોત વાંચન છે. શબ્દો, વાક્ય, ફકરા, પાનાં અને પ્રકરણો સાથેની જીવનયાત્રા વાચકની નજરને દ્રષ્ટી, મનને મનોબળ, હૈયાને હામ, પગને ગતિ અને સમગ્ર શરીરને તરવરાટ આપે છે.

એક લેખકને બીજા લેખક પ્રત્યે કેટલું માન હોય છે અને લાગણીઓ સમજી શકે છે તે એક કિસ્સાથી જાણવા જેવું છે. વર્ષો પહેલા પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ ‘ચકોર’ (બંસીભાઈ) શિવસેના સુપ્રિમો બાળઠાકરેને મળવા મુંબઈ ખાતે તેમના બંગલા ‘માતોશ્રી’ પર પહોંચ્યા. તેમણે એક કાગળની ચબરખી પર ‘ચકોર’ લખી અંદર મોકલી આપી. બાળઠાકરે પોતે ‘ચકોર’ના સ્વાગત માટે બહાર આવ્યા. બંગલાનો પૂરો સ્ટાફ આભો થઈ ગયો.

સંતાનોને માત્ર ડીગ્રી અપાવી માતાપિતાનું કર્તવ્ય પૂરું થતું નથી. ‘વાંચનની આદત’ એ કોઈપણ માતાપિતા દ્વારા સંતાનોને અપાયેલી સર્વશ્રેષ્ઠ ભેટ છે કારણકે ડીગ્રી દ્વારા થોડા વર્ષો માટે ઘરમાં લક્ષ્મીની કૃપા થઇ શકે છે પણ વાંચનની આદત દ્વારા સરસ્વતીની કૃપા સંતાનોને હશે તો સંસ્કારરૂપી વારસો પેઢીઓ સુધી રહેશે.

આપણું વાંચેલું ત્યારે જ સાર્થક થયેલું ગણાય જ્યારે આપણી સાથે સંકળાયેલા બધા વાંચતા થઇ જાય.જાણીતા લેખક સુરેશ દલાલ માટે વોશિંગ્ટનના મેયરે ‘સુરેશ.પી.દલાલ ડે’ જાહેર કર્યો હતો તે ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે ગૌરવભરી ઘટના હતી.

સુરેશ દલાલના દીકરીએ તેમના પિતાના સાહિત્ય સમર્પણ માટે કહ્યું, ‘અમારું ઘર જેટલી ઇંટોથી બન્યું હશે તેના કરતા ઘરમાં પુસ્તકોની સંખ્યા વધુ હશે. પપ્પા તેમના સંપર્કમાં આવતા દરેકને વાંચતા અને લખતા કરી દેતા. તેમણે શરૂ કરેલા ઈમેજ પબ્લિકેશનમાં તેઓ મિત્રો અને સગા પાસેથી વાર્ષિક ૧૦૦૦ રૂ લેતા અને ૧૫૦૦ ના પુસ્તકો આપતા.’

આ આર્ટીકલ વાંચનાર દરેકને એક રીક્વેસ્ટ કરું કે દર મહિને એક શ્રેષ્ઠ પુસ્તક વસાવો. બધાજ પુસ્તકો હંમેશા મળતા નથી. બધી જ માહિતી ગુગલમાં હોતી નથી. ૨૦ વર્ષ સુધી સતત આ કામ થાય તો તમારા સંતાનોને ખુબ જ અલભ્ય કહેવાય તેવા ૨૪૦ થી ૨૫૦ પુસ્તકો તમારા દ્વારા ભેટ રૂપે મળશે. ઘણા રૂપિયાની એફ.ડી આપીને જશો તો પણ તમારા સંતાનો તમને થોડા દિવસો યાદ કરશે પણ શ્રેષ્ઠ ૨૫૦ પુસ્તકો છોડીને જશો તો પેઢીની પેઢી સંસ્કારી રહેશે અને તમને યાદ કરશે તે ચોક્કસ.

સારા પુસ્તકો અને સારા માણસો તરત સમજાતા નથી તેઓને વારવાર વાંચવા પડે છે. એક જ પુસ્તક જીવનના અલગ અલગ સમયે વંચાય ત્યારે અલગ અલગ સંદેશો આપે છે. ટાઈમ, ટ્રાવેલ અને ટેકનોલોજીનો અદભુત સમન્વય એટલે પુસ્તક.

જવાહરલાલ નહેરૂને વર્ષો પહેલા ખબર હશે કે દીકરી ઇન્દિરાને શ્રેષ્ઠ રાજકારણી અને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવી હોય તો દુનિયાભરનું જ્ઞાન આપવું પડશે. તેમના વિશાળ વાંચનને સંક્ષિપ્તમાં પત્રો રૂપે લખી દીકરીના જ્ઞાનને વિશાળ બનાવવાનો તેમણે પ્રયત્ન કર્યો. નૈનીતાલની જેલમાંથી લખેલા આ પત્રોનું પુસ્તક એટલે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’.

વષો પહેલા અશ્વિની ભટ્ટે લખેલી શ્રેષ્ઠ નવલકથાઓ ‘આશ્કા માંડલ’, ‘લજ્જા સન્યાલ’, ‘નિરજા ભાર્ગવ’ અને ‘શૈલજા સાગર’ પરથી ઘણા વાંચકોએ પોતાની દીકરીના નામ આ પાત્રોના નામ પરથી રાખ્યા હતા.

પુસ્તક કરતા વધુ જીવે તેવી ઈમારત માનવી બાંધી નહીં શકે. માણસને ખરેખર જાણવો હોય તો તેને કેવા પુસ્તકો ગમે છે તે પરથી તેને વધુ સારી રીતે જાણી શકાય.જ્યારેતમે કોઈ પુસ્તક ખરીદો છો ત્યારે તમે ક્યારેય તેની સાચી કિંમત ચૂકવી શકવાનાનથી. તમે તો માત્ર કાગળ અને છાપવાના પૈસા જ ચૂકવ્યા હોય છે.

વર્ષો પહેલા જામનગર પાસેના નાના ગામનું એક બાળદર્દી આવેલ. તેના દાદાએ કહ્યું હતું અમારી ગામની સ્કૂલને જામનગરના હાડકાના ડોક્ટર વખારિયા સાહેબે ૧૦૦ પુસ્તકો ભેટમાં આપ્યા હતા. બધા છોકરાઓના વ્યક્તિત્વ વિકાસમાં આ પુસ્તકો ખુબ કામમાં લાગ્યા. ડો. વખારિયા સાહેબ અમારા પણ શિક્ષક હતા. પછીથી તો એક મેગેઝીનમાં તેમના વિશે આર્ટીકલ પણ આવ્યો કે તેમણે સૌરાષ્ટ્રમાં ૫૦ જેટલી સંસ્થાઓને દરેકને ૧૦૦ પુસ્તકો ભેટમાં આપ્યા છે. કેટલું સુંદર કાર્ય.

કવિ રમેશ પારેખે કહ્યું, ‘આખા વિશ્વમાં મને ગમતી અને સૌથી પવિત્ર જગ્યા મારા પુસ્તકોની છાજલી છે.’ તમારા ઘરની છાજલીને પુસ્તકોથી સમૃધ્ધ કેવી રીતે બનાવાય તે ઉપાય જણાવું.

દર વર્ષના ૨૬ ડીસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધીના છાપા સાચવી રાખજો.આખા વર્ષની અગત્યની દેશવિદેશની ઘટનાઓ, સ્પોર્ટ્સ, ફિલ્મ, તેમજ રાજકારણનું સચિત્ર રિવિઝન થઇ જશે. દર વર્ષે દિવાળીએ પ્રગટ થતા મુખ્ય મેગેઝીનોના દિવાળી અંકો વસાવી લેવા. દિવાળી અંકો દરેક મેગેઝીનવાળા ખુબ માહિતી સભર કાળજીપૂર્વક બનાવતા હોય છે. (કુલ ખર્ચ માત્ર ૫૦૦ થી ૬૦૦ રૂ)

કોઈ અગત્યની ઘટના બને, કોઈ સેલિબ્રીટીનો જન્મ દિવસ આવે કે નિધન તિથી આવે ત્યારે છાપામાં આવતું સ્પેશ્યલ પાનું અવશ્ય ફાઈલ કરીને રાખવું. આટલી વ્યવસ્થિતપણે લખેલ માહિતી ક્યાંય અને ક્યારેય નહીં મળે. આ માહિતી શું કરવા ભેગી કરવી ? અને ક્યારે કામ લાગશે? તે ના વિચારો. વર્ષો પછી આ છુપાયેલા ખજાનાની અમુલ્ય કિંમત અને અદ્રશ્ય ફાયદો તમારા જીવનની સાર્થકતા હશે તે ચોક્કસ.

છેલ્લો બોલ :નિર્જનટાપુ ઉપર દેશનિકાલ કરવામાં આવેલા જુદાજુદા લોકોમાંથી કોઈકે ખાવાની વસ્તુઓલીધી હતી. કોઈકે સગાવ્હાલાના ફોટા લીધા હતા તો કોઈકે સુંદર કપડા લીધા હતા.વર્ષ પછી ખુશ, આનંદિત અને સંતોષી એક જ વ્યક્તિ હતો જેણે પોતાની સાથેપુસ્તકો લીધા હતા. ૧૦૦ બિલીયન ડોલરની નેટવર્થ ધરાવતા બિલ ગેટ્સ એક વર્ષમાં ૫૦ પુસ્તકો વાંચવાનો લક્ષ્યાંક રાખે છે અને તે પૂરો પણ કરે છે.

ડો. આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૧૦૦ ૦૪/૦૯/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp