Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

નવું શીખવું

૦૫/૧૧/૧૯૮૭ : વાનખેડે સ્ટેડિયમ – મુંબઈ ખાતે ભારત વિરુધ્ધ ઇંગ્લેન્ડની ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાયનલ મેચ. ઇંગ્લેન્ડે પહેલો દાવ શરૂ કર્યો, ભારતના બોલર્સે ઓપનર ગ્રેહામ ગુચની વિકેટ બને તેટલી ઝડપથી લેવા તેની નબળાઈઓનો અભ્યાસ કરી તૈયારી કરી લીધી હતી. આશ્ચર્ય વચ્ચે ગ્રેહામ ગુચે બધા જ પ્રકારના બોલને રીવર્સ સ્વીપ મારવાના ચાલુ કર્યા. ગુચનું આ વલણ ભારતીય બોલર્સ માટે નવું અને અકલ્પનીય હતું. ઇંગ્લેન્ડના કોચ મિકી સ્ટુઅર્ટે મેચના આગલા આખા દિવસે ગુચને આ જ શોટ્સની પ્રેક્ટીસ કરાવી હતી. તેની આ નવી ટેકનીક સામે ભારતીય બોલર્સ અસહાય હતા, ગુચે ૧૧૫ રન ફટકાર્યા અને ભારત ૩૫ રનથી હારી વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું.

૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલાના ગાળામાં મુઘલ સાશકોએ ભારતમાં જે અદભુત ઇમારતો બનાવી તેમાં શહેનશાહો ૩૦ થી ૪૦% જેટલા મજૂરો વિદેશના હોય તેવો આગ્રહ રાખતા. વિવિધ દેશોના આર્કિટેક્ટને આમંત્રણ આપતા. કમળ, ફૂલોના પાંદડા, પશુ, પક્ષીઓની ભાતીગળ અને નકશીકામવાળી તેમણે બંધાવેલી ઇમારતો વિશ્વપ્રસિદ્ધ થઇ.

૧૯૭૦ ના ગાળામાં સંગીતકાર આર.ડી.બર્મન પોતાના સંગીતમાં સતત વિવિધતા લાવતા. તેમના વિવિધ સાધનો અને વિવિધ અવાજોના હિન્દી ગીતોમાં કરેલા પ્રયોગોને લોકોએ આવકાર્યા અને તેમને અદભુત સફળતા મળી.

ખેતી, તબીબી, હોટેલ, આઈ.ટી તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સે સતત નવું શીખતા રહેવું પડે, તેમના કામમાં નવીનતા અપનાવીને જ જીવનમાં આગળ વધવું પડે. લોકડાઉનના સમયે ઘણા લોકોએ ઝૂમ મિટિંગ, વિડીઓકોન્ફરન્સ કોલિંગ, નેટ બેન્કિંગ અને બાળકોના ઓનલાઈન સિક્ષણ દરમ્યાન કોમ્પ્યુટરના કામો શીખ્યા. આ પહેલા તેઓએ માની જ લીધું હતું કે કોમ્પ્યુટરના આ ઉપયોગો તેઓ નહીં શીખી શકે અને તેઓના કામો પુરા તો થાય જ છે ને. ઘણા વડીલો દુર રહેતા તેમના સગામિત્રોને વિડીઓથી મળીને –જોઇને ધન્યતા અનુભવી.

થોડા વખત પહેલા વોટ્સઅપ પર ૩૦ મિનિટની એક ટૂંકી ફિલ્મ હતી જેમાં એક વડીલનું જુનું કોમ્પ્યુટર બગડે છે. રીપેર કરનારે સૂચવ્યું કે જુનું મોડેલ હોવાથી રીપેર નહીં થાય અને નવા ફીચર્સવાળું કોમ્પ્યુટર એક્સચેન્જ ઓફરમાં મળશે. વડીલ નિરાશ થઇ ગયા તેઓ પોતાનું જુનું કોમ્પ્યુટર બદલવા તૈયાર ન હતા. ઘણી સમજાવટ પછી વડીલે નવું કોમ્પ્યુટર સ્વીકાર્યું. તેમાંના વેબ કેમેરાથી તેઓ વિદેશમાં રહેતા પોતાના દીકરા અને ગ્રાન્ડસનને જોઈ શક્યા –દીકરાનું ઘર જોઈ શક્યા. ફેસબુક પર જુના મિત્રો – વિધાર્થીઓના સંપર્કમાં આવ્યા તેમના જન્મદિવસે તેમના વિધાર્થીઓએ તેમના ઘરે આવી તેમને આશ્ચર્યમાં મૂકી દીધા. જીવનમાં આવેલા નવા બદલાવે તેમનું જીવન જીવંત બનાવી દીધું.

નવા ફીચર્સવાળા ફોનને પણ આપણે નવું શીખી કેવો અપનાવી લઈએ છીએ તેનાથી કામો પણ ઝડપી પુરા થાય છે અને જીવન પણ કેટલું સરળ બની જાય છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ મોબાઈલફોનનો એટલો સુંદર ઉપયોગ કરતા હોય છે. તેમની પાસેના ‘જાઝ’ સોફ્ટવેરથી તેઓ બધા જ પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પોતાની કળા, યોગ, ગીત, સંગીત, વાર્તાઓ અપલોડ કરી લોકોને મોકલતા હોય છે.

  • જો આપણે સમયસર નવું નહીં શીખીએ અને નવો બદલાવ નહીં અપનાવીએ તો આપણે વ્યવસાયિક, સામાજિક ક્ષેત્રે વિકાસ નહીં શકીએ અને ફેંકાઈ જઈશું.
  • બદલાવ એ નિરંતર પ્રક્રિયા છે, એક વખત નવું શીખેલું અંત નથી તેમાં પણ બદલાવ આવશે જ. મનથી સેઈફ ઝોન વિચારેલા વર્તુળમાંથી સમયસર બહાર આવવું જ પડશે.
  • બાળકો, જુનિયર એમ્પ્લોઇ કે વિધાર્થીઓ પાસેથી પણ માતાપિતા, બોસ કે શિક્ષકને શીખવા મળતું હોય છે. શીખવાની પ્રક્રિયાને સ્વીકારતી વખતે હોદ્દો કે અહમને વચ્ચે ના રાખવો.
  • નવું શીખવાની પ્રક્રિયા સમયસર કરી લેવી, એ એટલું મોડું પણ ના હોવું જોઈએ કે જ્યારે તમે શીખવાનું શરૂ કરો એ વસ્તુ જ આઉટ ડેઇટેડ થઇ ગઈ હોય.
  • નવું શીખવા માટે ઉંમર કે સંજોગોને પણ વચ્ચે ના લાવવા. કોઈ પણ ઉંમરે અને કોઈ પણ પરિસ્થિતિમાં જો તમે માનસિક રીતે તૈયાર હોવ તો નવું શીખી જ શકો છો.
  • નવું શીખવું અને શીખેલી વસ્તુને સમયસર અપગ્રેડ કરવી તે દરેક ક્ષેત્રમાં જરુરી છે.
  • જો આપણા જ ક્ષેત્રમાં આપણે સમયસર નવું નહીં શીખીએ તો એ તો નક્કી જ છે કે આપણો જ કોઈ સ્પર્ધક તો શીખશે જ જેથી તેને આગળ વધવાના દરેક રસ્તા ખુલ્લા થઇ જશે.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૯૬ ૩૧/૦૮/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp