૧૯૪૦–૧૯૪૧ નો સમયગાળો હતો. પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળી નાટકના શો કરવા દેશભરમાં ફરતી હતી. તેમની નાટકની મંડળીમાં ઝોહરા સાયગલ સાથે હતા. તેઓએ પૃથ્વીરાજકપૂરનું રંગમંચ સમર્પણ કેટલું બધું હતું તેનો એક પ્રસંગ એક પત્રકારને કહ્યો હતો.
‘નાટક મંડળી દક્ષિણ ભારતના કોઈ મોટા શહેરમાં નાટકના શો માટે ગઈ હતી. ‘કિસાન’ નાટક ના શો હતા. શો શરૂ થાય તે પહેલા કેટલાક અંગ્રેજો પૃથ્વીરાજ કપૂરને મળવા આવ્યા હતા. તેઓની વાત પૃથ્વીરાજ કપૂર સાથે અસ્ખલિત અંગ્રેજીમાં ઘણી લાંબી ચાલી. પૃથ્વીરાજ કપૂરે આ નાટક શું સામાજિક સંદેશ આપવા માંગે છે તે પણ અંગ્રેજોને સમજાવ્યું. થોડીવાર પછી નાટક શરૂ થયું. પૃથ્વીરાજ કપૂર સ્ટેજ ઉપર એક ગામડિયાના વેશમાં આવ્યા. તેમણે જે ગામડિયાનો અભિનય કર્યો તે જોઈને કોઈ કહી નાં શકે કે આ જ માણસ થોડીવાર પહેલા ફાંકડું અંગ્રેજી બોલી રહ્યો હતો.’
ઈશ્વર પણ આપણને જીવનના રંગમંચ પર ઘણી ફરજો અને ઘણા રોલ આપે છે. વ્યવસાય, માતાપિતા, બાળકો કે પતિપત્નીએ પોતાનું વ્યક્તિત્વ, વ્યવહાર, ભાષા બદલી ઈશ્વરે આપેલી ફરજો શ્રેષ્ઠ રીતે નિભાવવાની હોય છે. જે રોલમાં આપણે પ્રવેશીએ પછી પાછળના રોલમાં આપણે શું હતા તે ભૂલી જવાનું હોય છે. નવા રોલમાં ઓતપ્રોત થઇ જવાનું હોય છે. તેમાં જ જીવનની સાચી સાર્થકતા છે.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૨૩ – ૧૯/૦૬/૨૦૨૦