શ્રેષ્ઠ પ્રદાન માટે માણસ પોતાના સર્વોત્તમ પ્રયત્નો કરે તે એક પ્રકારનીસાધના જ છે.લક્ષ્ય સુધી પહોચવામાં આવતા ઉતાર–ચઢાવ, સફળતા–નિષ્ફળતા, પડકારો, દુઃખ, તકલીફો જર્નીની અદભુત અનુભૂતિ કરાવે છે. જીવન જીવવાની સાર્થકતા પણઆવું કઈક કરવામાં જ છે. સફળતા તો પછીની વાત છે.
લેખ ૨૩ માં લક્ષ્ય પૂરું કરવાની વાત હતી. છેલ્લો ફકરો આ પ્રમાણે હતો. “એક સરખી શક્તિ, એક સરખા મળેલા સાધનો અને સમાન જ્ઞાન હોવા છતાં ઘણા બધામાંથી કોઈ એક જણ જ લક્ષ્ય પૂરું કરી શકે છે કારણકે લક્ષ્ય પૂરું કરનારની ફોર્મ્યુલા = જરૂરી ઝડપ + સચોટ દિશા + લક્ષ્ય પરનું જ ફોકસ + મળેલા સમયનો યોગ્ય ઉપયોગ”
આ લેખ વાંચી એક વાચક કોમલ બહેનનો ફોન હતો. તેમણે કહ્યું, ‘આ ફોર્મ્યુલામાં એક વસ્તુ ખૂટે છે, “ગણતરીપૂર્વકનું જોખમ”.’ કોમલ બહેનની વાત સાચી છે, આપણે ફક્ત સફળતાની જ વાત નથી કરી, સફળ વ્યક્તિઓમાંથી પણ સર્વોત્તમ કેવી રીતે બનાય તે વાત હતી. ઝડપ, સમય, લક્ષ્ય અને દિશાનો યોગ્ય ઉપયોગ કરવાથી સફળતા ચોક્કસ મળે પણ ગણતરી પૂર્વકનું જોખમ લેવાથી વિજેતા બની ઇતિહાસ રચી શકાય.
આ વાતના ઉદાહરણરૂપે તેમણે પોતાનો જ અનુભવ કહ્યો. તેમના શબ્દોમાં, “ ત્રણ વર્ષ પહેલા વાડજ વ્યાસવાડી પાસે એક સ્કુલમાં શિક્ષિકા તરીકે ઇન્ટરવ્યુ હતો. હું અને મારી બે ફ્રેન્ડ હેલ્મેટ સર્કલ પાસે ભેગા થયા. ત્યાંથી સ્કુલ લગભગ ચાર કી.મી દુર હતી. ત્યાંથી અમે રીક્ષામાં સાથે સ્કુલે જવાના હતા. એ દિવસે BRTS ના ટ્રેક પર કોઈ દુર્ઘટના બની હતી આથી BRTS બસો બંધ હતી. સાથે રોડ પર પણ કોઈ એકસીડન્ટના લીધે ખુબ જ ટ્રાફિક થઈ ગયો હતો. કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર થતા ન હતા.
ઘડિયાળમાં લગભગ ૧૦.૧૦ જેવું થયું હતું. અમારો ઈન્ટરવ્યુ ટાઈમ ૧૧ વાગ્યાનો હતો. સમય વહેતો હતો અને માનસિક દબાણ વધતું જતું હતું, સમયસર પહોંચીશુ કેમના? તરત મારા મનમાં વિચાર આવ્યો, હજુ ૫૦ મિનિટ છે, ચાલી નાખું તો કેમનું રહેશે? ચાર કી.મી ચાલી નખાય. મેં મારો વિચાર મારી બે ફ્રેન્ડને કહ્યો તો તેમણે થોડા ગુસ્સા સાથે હસી નાખ્યું. તેમણે કહ્યું, ‘થોડી ધીરજ રાખ, રિક્ષા તો મળશે, અન્ય રૂટથી વિજય ચાર રાસ્તા – નારણપુરા થઈને પહોંચી જઈશું. આ ટ્રાફિકમાં ચાલીશું તોય બાર પહેલા નાં પહોંચાય.’
તેમના વિરોધ વચ્ચે મેં સીધા ચાલવાનું ચાલુ કરી દીધું. મારી નજર સમક્ષ બચેલી મિનિટો અને સ્કુલનો ઝાંપો જ દેખાતો હતો. ૩૫ મિનિટ, ૨૫ મિનિટ, ૧૫ મિનિટ … મેં ઝડપ અને સમયની તાલમેલ સાથે જોખમ ચોક્કસ લીધું હતું. થોડો ડર પણ હતો. મિનિટો ઘટતી જતી હતી પણ નજર સામે સ્કૂલનો ઝાંપો જ દેખાતો હતો. છેવટે ખરેખર સ્કુલનો ઝાંપો આવ્યો ત્યારે ઘડિયાળમાં ૧૦.૫૯ થયા હતા. મધદરિયે ગતિ કરતું જહાજ જો તોફાનમાં સપડાય તો ક્યારેય તેને અટકાવી ન દેવાયઅને પાછુ પણ ન વળાય. પવનની દિશા પર ભલે આપણું નિયંત્રણ ન હોય પણ સઢની દિશાઅને દશામાં અનુકુળ ફેરફાર કરી લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ જ વધવું જોઈએ.
મેં ‘આત્મવિશ્વાસભર્યું ગણતરીપૂર્વકનું જોખમ’ લીધું તો હું એક મિનિટ બાકી હતી અને પહોંચી શકી. હજુ મારી બે ફ્રેન્ડ આવી ન હતી. મેં ઈન્ટરવ્યું સમયસર આપ્યો. હું સિલેક્ટ પણ થઇ ગઈ. મારી બે ફ્રેન્ડ અડધો કલાક મોડી રીક્ષામાં ફરતી ફરતી આવી. તેઓ બન્ને પણ સિલેક્ટ થઇ ગયા. આ ત્રણ વર્ષમાં હું જે સમયસર પહોંચી તેની અસર ટ્રસ્ટીઓ પર એટલી સુંદર રહી કે હજુ પણ કઈક અગત્યનું કામ કે કોઈ વિશેષ જવાબદારી હોય તો તેઓ મારા પર જ ભરોસો રાખે છે. સ્કુલમાં મને જે માન અને આદર મળે છે તેનાથી મારો આત્મવિશ્વાસ અનેકગણો વધ્યો છે. ‘
છેલ્લો બોલ : “હું હારીને પણ જીવી શકું છું, પણ તકને ઝડપ્યા જ વિના જતી રહેતા જોઇનેજીવી શકતો નથી. કશું નાં કરું તેના કરતા મારા પ્રયત્નોની ઊંચાઈ જ એટલી ઊંચી રાખું છું કે સમયે પણ તેની આગળ ઝુકી જવું પડે. (ટેનિસ ખેલાડી આન્દ્રેઅગાસી)
(સફળતાની ટોચ પર પહોંચવાની ફોર્મ્યુલા પૂરી કરવા બદલ કોમલ બહેનનો ખુબ આભાર)
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૫૨ – ૧૮/૦૭/૨૦૨૦