- જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હોય છે.
- ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાં જે બાળકોને ખુલ્લા મેદાનમાં દોડધામ કરવાની અને ધીંગામસ્તી કરવાની તક મળે છે તે બાળકો ખુબ નસીબદાર બાળકો કહી શકાય.
- બાળકો કોઈ પણ રમતના નિયમો આ ઉંમરે ખુબ ઝડપથી શીખી જાય છે.
- નિયમો સમજવા, પાલન કરવા અને સામુહિક રીતે તે પ્રમાણે રમવું જેવી પ્રક્રિયાઓ તેમને સમુહમાં રહેતા, સમુહમાં કામ કરતા શીખવે છે જે આગળ જતા તેમનો આત્મવિશ્વાસ વધારવામાં પણ ખુબ મદદરૂપ થાય છે.
- આઈસપાઈસ, સ્ત્તોલિયું, ખુંચામણી તેમજ ભમરડો જેવી લુપ્ત થયેલી રમતો તો બાળકોમાં ત્વરિત નિર્ણયશક્તિ, સ્મરણશક્તિ, સમયનું મહત્વ તેમજ એકાગ્રતા જેવા ગુણોનું સિંચન કરે છે.
- જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમની આંખની દ્રષ્ટી પણ સરસ હોય છે. આ બાળકો દુર સુધી જોઈ શકે છે.
- માત્ર ચાર દિવાલોમાં રહેતા અને વિજાણું રમકડા વચ્ચે મોટા થતા બાળકોની આંખો પણ નબળી રહે છે અને આગળ જતા આ બાળકો વધુ ચંચળ હોય છે.
- મેદાનોમાં રમાતી રમતોમાં ક્યારેક હરાય તો ક્યારેક જીતાય જેવી પરિસ્થિતિ તેમને સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને જીવન પ્રત્યે હંમેશા હકારાત્મક રહેવું જેવા ગુણો શીખવે છે.
- ખુલ્લા મેદાનોમાં રમતા બાળકોમાં આગળ જતા ટાઈપ ૨ ડાયાબિટીસ, દમ, લોહીનું ઊંચું દબાણ, સ્થૂળતા અને વિવિધ પ્રકારની એલર્જીનું પ્રમાણ પણ ઓછુ જોવા મળે છે.
- બાળમાનસના પુસ્તકો લખનાર ગુજરાતી લેખક ગિજુભાઈ બધેકાથી માંડી આઈનસ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોએ પણ બાળકોને તેમના કપડા મેલા થાય ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં રમવા દેવા જેવા વિચારો પ્રગટ કર્યા છે.
- ચાર થી દસ વર્ષના બાળકોને ખુબ રમવા જ દો. તેના માટે તેની સ્કુલની પસંદગી પણ એવી રીતે કરવી કે તેનો આવવા જવામાં વધુ સમય નાં જાય. તેનું સમય પત્રક પણ એવું બનાવવું કે તેને ઊંઘ અને રમવાનો પુરતો સમય મળી રહે.
- આ ઉંમરમાં જે બાળક વધુ રમ્યું હશે તે બાળક જ પછીના દશકામાં સારી રીતે ભણી શકશે.
- ખુલ્લા મેદાનોમાં અને સમુહમાં રમતા બાળકો આગળ જતા ઉમદા માનવી, કુટુંબપ્રેમી અને નિખાલસ બનશે. આ ઉંમરે બનેલા મિત્રો પણ જીવનભર મિત્રતા નિભાવશે.
- આ ઉંમરે સારા માર્ક્સ મેળવેલા નહીં પણ સારી રમતો શીખેલા બાળકોનું જ બાળપણ સફળ થયેલું ગણાય.