મારા એક પેશન્ટે તેમની દીકરીની પ્રથમ વર્ષગાંઠે તેને એક પુસ્તક ભેટમાં આપ્યું. તે જેટલા વર્ષની થતી તેટલા પુસ્તકો તેની ઉંમર અનુસાર તેના પિતા તેને આપતા. આ સિલસિલો તે ૧૮ વર્ષની થઈ ત્યારે પણ તેના પિતાએ તેના જન્મ દિવસે ૧૮ પુસ્તકો આપ્યા. દીકરીનું જીવન ઘડતર કરતી કેટલી સર્વોત્તમ ભેટ. જે માતાપિતા બાળકોને પુરતો સમય નથી આપી શકતા તેમણે તો ખાસ સંતાનોને સુંદર પુસ્તકો આપતા રહેવું જોઈએ.
એક સારું પુસ્તક શોધો ત્યારે તમે એક સારો મિત્ર શોધો છો. એક સારું પુસ્તક માણસને પસ્તી થતા બચાવે છે. સારા ફર્નિચર કરતા સારું પુસ્તક ઘરની શોભા વધુ વધારી શકે છે.માણસને ખરેખર જાણવો હોય તો તેને કેવા પુસ્તકો ગમે છે તે પરથી તેને વધુ સારી રીતે જાણી શકાય. જ્યારે તમે કોઈ પુસ્તક ખરીદો છો ત્યારે તમે ક્યારેય તેની સાચી કિંમત ચૂકવી શકવાના નથી. તમે તો માત્ર કાગળ અને છાપવાના પૈસા જ ચૂકવ્યા હોય છે.
પુસ્તકો સાથેનો ગરીબ માણસ તવંગર ગણાય. લેખક ગુણવંત શાહે કહ્યું, ‘જે ઘરમાં દસ સારા પુસ્તકો ના હોય એવા ઘરે દીકરી દેવામાં અને એવા ઘરની દીકરી લેવામાં ભારે જોખમ છે.’માર્ક ટ્વેઇન કહે છે, ‘જેઓ વાંચતા નથી તેવા લોકો જેઓ વાંચી શકતા નથી તેવા લોકોથી જરા પણ ચઢીયાતા નથી.’
છેલ્લો બોલ : એક વખત કવિ રમેશ પારેખને કોઈએ પૂછ્યું, ‘વિશ્વમાં તમને સૌથી વધુ ગમતી જગ્યા કઈ?’ રમેશ પારેખનો જવાબ હતો, ‘મારા ઘરમાં પુસ્તકો રાખું છું તે છાજલી.’
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૫૯ – ૨૫/૦૭/૨૦૨૦