Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

તમારા કામનું ભારણ ઘટાડો

થોડા વર્ષો પહેલા એક દર્દીએ એક સિનિયર ડોક્ટર પાસે ગયા હતા તે અનુભવ કહેલો. ‘ડોકટરે ચેક કરી પ્રિસ્ક્રીપ્શન લખી કોઈ વધારાની સુચના માટે એક કાગળ આપવો હતો. તેમના ચેમ્બરમાં ઠેર ઠેર પુસ્તકો, દવાના સેમ્પલો, અન્ય કાગળો અને જર્નલ્સના ઢગલા હતા. આ બધી વસ્તુઓને લીધે તેમને જે કાગળ આપવો હતો તે મળ્યો જ નહીં. ડોકટરે કાગળ શોધવા તેમના સ્ટાફની મદદ લઈને પણ બધું ઊંચુંનીચું કરીને જોયું પણ કાગળ મળ્યો જ નહીં. છેવટે કાગળ મળશે એટલે વોટ્સઅપ પર તમને ફોટો મોકલીશું તેમ ડોકટરે કહ્યું, અને છુટા પડ્યા.’

૨૦૦૭ થી ૨૦૧૯ સુધી દિવ્યભાસ્કરમાં ‘બચ્ચા પાર્ટી’ અને ‘પેરેન્ટિંગ’ કોલમ હું લખતો ત્યારે દિવ્યભાસ્કરની ઓફિસે એક સિનિયર એડીટર/તંત્રીની મુલાકાત વાંરવાર થતી. તેમના ચેમ્બરમાં પ્રવેશતા જ એક અલગ અનુભૂતિ થતી. વિશાળ ટેબલ પર માત્ર લેપટોપ, એક ડાયરી અને પેન જ જોવા મળતા. એ સિવાય રૂમમાં ક્યાંય પુસ્તકો કે કાગળોના ઢગલા જોવા ના મળે. આટલા સિનિયર એડીટરને રોજ કેટલા બધા મળવા આવે, કેટલી બધી પોસ્ટ આવે, કાગળો આવે, એ બધું ક્યાં હશે? તેવો પ્રશ્ન હંમેશા મને થતો. તેમની સાથે ઘણીવાર મુલાકાતો પછી તેમની કાર્યપધ્ધતિ સમજાઈ.

તેઓ જે પણ પત્ર, કે કાગળ આવે તેનો તરત જ નિકાલ કરતા. કાંતો વાંચી કોઈ નોંધ લખી, અન્ય વિભાગમાં લાગતાવળગતાને મોકલતા, અથવા ઉભા થઈ કાગળને જે તે વિષયની ફાઈલમાં કબાટમાં તરત મૂકી દેતા, કામનું ના હોય તો કાગળ ફાડી નાખતા, તરત ઉકેલ ન જણાય તો તેમની ડાયરી કે કાગળમાં કોઈ નોંધ લખી લેતા. બીજી એપોઇન્ટમેન્ટ જેની હોય તેને મળતા પહેલા ટેબલ ખાલી જ કરી નાખતા. કેટલું સુંદર. કોઈ પણ કાગળ કે લેખ વિશે પૂછો તો ગણતરીની મિનિટોમાં જ તેઓ કાઢી આપે.

તમે કાંતો કામ તરત પતાવો, કાંતો અન્યને સોપો, તરત ઉકેલ ન જણાય તો કાગળ ફાઈલ કરી ડાયરીમાં બાકી કામમાં નોંધ કરી લો. બિનજરૂરી લાગે તેવા કામમાં ના પણ પાડી દો. તમારી ઓફીસનું ટેબલ, રૂમ હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો. રાત્રે સુતી વખતે હળવા ફૂલ. બીજો દિવસ કોઈ પણ બોજ વિના ચાલુ થાય. કેરીફોરવર્ડ કામનો ઢગલો ક્યારેય ના વધે. કોઈ પણ માહિતી જોઈએ તો તરત મળી જાય.

સિનિયર ડોક્ટર પણ ઘણા સફળ ડોક્ટર હતા પણ કેટલા ભારણ સાથે કામ કરતા હશે.

નિયમિત એફ.એમ રેડિઓ પર આર.જે ધ્વનિતને સાંભળતા લોકોને ધ્વનિતભાઈએ ‘આજનું રીમાઇન્ડર’ વાતમાં ઘણીવાર કહ્યું છે. તમારું વોટ્સઅપ, મેઈલબોક્સ નિયમિત ખાલી કરો. છેલ્લા પાંચ વર્ષમાં વપરાઈ ના હોય તેવી બિનજરૂરી વસ્તુઓ પણ ઘરમાંથી ઓછી કરો અને તમારું ભારણ ઘટાડો. જીવન જીવવાની એક અલગ જ અનુભૂતિનો અહેસાસ થશે.

છેલ્લો બોલ : અંતરિક્ષમાં રોકેટ કે યાન લોંચ કરવામાં આવે ત્યારે અમુક અંતર કાપીને તેના અમુક ભાગો છુટા થઇ જતા હોય છે. વજનમાં હળવું થયા પછી જ તે નિશ્ચિત લક્ષ્ય પર પહોચી શકે છે.આપણા લક્ષ્યો પુરા કરવા માટે આપણી કાર્યપદ્ધતિ એવી હોવી જોઈએ કે બાકી કામનું ભારણ મગજ પર ઓછુ રહે.એ ભારમાંથી હળવા થઈએ તો જ નિશ્ચિત લક્ષ્ય પર પહોચી શકાશે.લાંબી સફરના મુસાફરો પોતાનું બેગેજ (સામાન) પણ ઓછો રાખે છે. 

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૩૫ ૦૧/૦૭/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp