લેખ ૩૭ માં મારી ‘ગુડ મોર્નિંગ’કોલમનો આર્ટીકલ “તમારી આંગળી કોણે પકડી હતી?” બાદ ઘણા પ્રતિભાવ હતા. વાચકોના થોડા પ્રતિભાવ અને વિચારો અહીં લખું છું.
જ્યારે કોઈ વ્યક્તિ નાનપણમાં પોતાની આંગળી પકડનારને ના ભૂલે ત્યારે તેનો યશ તે વ્યક્તિના માતાપિતાએ આપેલા સંસ્કારને આપવો જોઈએ. ઘણા માતાપિતા જ બાળકોને પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓની નકારાત્મક બાજુ જોતા જ શીખવતા હોય છે. તેમના જીવનમાં આવેલ વ્યક્તિના સારા ગુણોને કઈ રીતે જોવા અને અને કઈ રીતે યાદ રાખવા તે શ્રેષ્ઠ રીતે સંતાનોને તેમના માતાપિતા જ શીખવી શકે.
ડોક્ટરની દીકરીને તેની દીકરીને લઈને પોતાના આયા બહેનને ત્યાં પહોંચવાની ઈચ્છા કેમ થાય? પ્રિયંકા ગાંધીને પોતાના ડ્રાયવરની ખબર કાઢવા જવાની ઈચ્છા કેમ થાય? તેના મૂળમાં તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના માતાપિતાએ આ વ્યક્તિઓની સારી બાજુ કહી હોય અને તેમના વિકાસમાં આ વ્યક્તિઓનો કેટલો અદભુત ફાળો હતો તે કહેલ વાતોને ગણી શકાય.
તૃપ્તિબહેન નામના વાચકે લખેલું કે તેમની દીકરીએ જ્યારે દસમું ધોરણ ખુબ સારા માર્ક્સ સાથે પાસ કર્યું હતું તે પછી તેમની દીકરી તેની ફ્રેન્ડસ સાથે સ્કુલમાં તેના ટીચર્સને મળવા અને થેન્ક્સ કહેવા ગઈ હતી. તે પાછી આવી પછી તૃપ્તિ બહેને તેમની દીકરીને પ્રશ્નો પૂછ્યા અને સમજાવ્યું તે ખરેખર જીવનભર યાદ રાખવા જેવું છે.
“તું સ્કુલે ગઈ તો સ્કુલના સિક્યોરિટી સ્ટાફને મળી?, સ્કુલના પ્યુનને મળી?, તને ઘરે લાવતા સ્કુલ બસના ડ્રાયવર – કંડકટરને મળી?, સિક્યોરિટી સ્ટાફ તું મોડી હોય તો પણ તને સ્કુલમાં અંદર લઈ જવામાં મદદ કરતો, ક્યારેક તને બસ ના મળે તો તારા રૂટની બસ શોધી તને બસમાં બેસાડતો. સ્કુલના પ્યુન તારો લંચબોક્સ કે કંપાસ ખોવાય અને તું રડતી તો તને શોધી આપતો. તને શાંત રાખતો. ઓફીસનું કોઈ કામ હોય તો તને પૂરું કરી આપતા.
બસ ડ્રાયવર અને કંડકટરનો ઉપકાર તો ક્યારેય નહીં ભૂલાય. તું થોડી મિનિટ્સ મોડી હોય તો પણ બસ ઉભી રાખે. પછી તું શાંતિથી ચઢે પછી જ બસ સ્ટાર્ટ કરે. ભલે પછી તેણે બસ ફાસ્ટ ચલાવવી પડે. તું પાછી આવે અને ક્યારેક સ્ટેન્ડ પર લેવા હું મોડી પહોંચું તો મને સામો ફોન કરે. તને ઉતારી હું સ્ટેન્ડ પર તને લેવા ના આવું ત્યાં સુધી બસ ના ઉપાડે. ભલે તેણે બીજા સ્ટુડન્ટના માતાપિતાનું સાંભળવું પડે. ક્યારેક સ્ટોપ આવે અને તું બસમાં સુઈ ગઈ હોય તો તને પ્રેમથી જગાડી તારી સ્કુલબેગ અને વોટરબેગ લઈ તે તને નીચે ઉતારતા.
બેટા તારા ટીચર્સે તને માર્ક્સ લાવવામાં મદદ કરી પણ આ લોકો વિના તારી આ મંઝિલ સરળ ના રહી હોત. તું કોઈ પણ તકલીફ વિના સ્કુલે પહોંચે અને પાછી આવે તે માટે તેઓનું યોગદાન કેટલું અમુલ્ય હતું. ખરેખર તો તેમના હાથમાં તને સોંપી અમે નિશ્ચિંત થઇ જતા.તું કાલે પાછી જા, આ બધાને મળ. તેમનો આભાર માન અને તેમના આશીર્વાદ લે. તેમની શુભેચ્છા તારા માટે તેમના હ્રદયના ઊંડાણમાંથી હશે.”
છેલ્લો બોલ : “બાળક કેટલા માર્ક્સ લાવ્યો તે પૂછવાને બદલે આજે તે કેટલા લોકોને મદદ કરી અને તારાથી આજે કેટલા લોકો ખુશ થયા તેવો પ્રશ્ન માતાપિતા પોતાના સંતાનોને પૂછે ત્યારે તેમનું સાચું સંસ્કારીક ઘડતર થાય.” ……આમીરખાને “થ્રી ઈડિયટ્સ” રજુ થયા બાદ એક એજ્યુકેશન ઇન્સ્ટીટયુટમાં આપેલી સ્પીચમાંથી
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૭૬ – ૧૧/૦૮/૨૦૨૦