Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સાહેબ, તમે?

લગભગ ૧૯૦૩૧૯૦૪ નો સમય. અમરેલીમાં આવેલ ટાવર ચોકમાં મ્યુનિસિપાલિટીની લાઈટ નીચે એક ૧૬ વર્ષનો બાળક વાંચીભણી મેટ્રિક થયો. હવે આ જ બાળક વધુ અભ્યાસ માટે મુબઈ ગયો. ત્યાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં એડ્મિશન લીધું. બ્રિટિશ IMS ડોક્ટર્સ પરીક્ષા લે તે પાસ કરી ઘણા બધા મેડલ મેળવી, સ્કોલરશીપ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા. ૧૯૦૯ થી ૧૯૧૫ લંડનમાં અભ્યાસ કરી FRCS ની ડીગ્રી મેળવી ભારત આવ્યા.

૧૯૭૨૧૯૭૩માં એક ૮૫ વર્ષના વડીલ રાજકોટ – અમરેલી, રાજકોટ – અમદાવાદ રૂટ પર ઘણીવાર એસ.ટી બસમાં ટ્રાવેલ કરતા. ઘણા પ્રવાસીઓ, ડ્રાઈવર, કંડકટર આ વડીલને ઓળખતા જ અચંબામાં પડી જતા. ‘સાહેબ, તમે અને એસ.ટી બસમાં?’ સાહેબ જવાબ આપતા, ‘મારા રાજ્યની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં મારાથી મુસાફરી કેમ ના કરાય?’ આ વડીલ ધારે તો પોતાની પાસે પ્રાઈવેટ ગાડી પણ હોઈ શકે. અતિ સરળ, સાદાઈ અને નિષ્ઠાવાન ગાંધીવાદી મુલ્યો ખુબ નમ્ર સ્વભાવ ધરાવતા આ વડીલ અને પેલો બાળક બન્ને એક જ વ્યક્તિ હતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા.

તેમની ઓળખાણ અને કાર્યોનું એક પુસ્તક લખી શકાય. ગાંધીજીના પર્સનલ ડોક્ટર, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત ડોક્ટર, ભારતમાં ઘણી બધી મેડીકલ કોલેજની સ્થાપનામાં ફાળો, દિલ્હી AIMS શરૂ કરાવામાં યોગદાન, IMA ના પ્રમુખ, કિંગ એડવર્ડ મેડીકલ કોલેજના ડીન, સ્વાતંત્ર્ય સંગ્રામી, ગાંધીજી સાથે દાંડીકુચમાં ભાગ, ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પહેલા મહારાષ્ટ્ર રાજ્યમાં ઘણા ખાતા સંભાળ્યા, ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અલગ અસ્તિત્વમાં આવ્યું ત્યારે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી. અમદાવાદમાં IIM ની સ્થાપના સહિત ઘણીબધી આગળ પડતી સંસ્થાઓને શરૂ કરવામાં પ્રદાન આપ્યું.

છેલ્લો બોલ : ૧૯૫૭ ની લોકસભાની બેઠક માટે અમદાવાદ ની એક બેઠક પરથી ઇન્દુલાલ યાજ્ઞીક (ઇન્દુચાચા) લડી રહ્યા હતા. તે પણ ડો.જીવરાજ મહેતાની જેમ અતિ સરળ, સાદા અને નમ્ર સાથે આખાબોલા. અમદાવાદના કોઈ બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં તેમના પ્રતિસ્પર્ધી શ્યામપ્રસાદ વસાવડા સભા કરી ગયા હતા. લોકો શ્યામપ્રસાદને ‘વસાવડા સાહેબ’ નામથી ઓળખતા. બીજે દિવસે ઇન્દુચાચા એ જ જગ્યાએ સભામાં બોલવા આવ્યા. તેમનું પહેલું વાક્ય, ‘કાલે અહીં એક સાહેબ આવ્યા હતા, આજે અહીં તમારો ભાઈ આવ્યો છે.’ઘણી મિનિટો સુધી તાળીઓનો ગડગડાટ.

ડો. આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ કડી ૯૪ ૨૯/૦૮/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp