“તમે જીત્યા મસ્તક નમાવીને,
અમે હાર્યા શસ્ત્રો ચલાવીને”
કવિ આબિદ ભટ્ટ
એક મહિલા માટે તે કોઈને પણ મળે, કોઈનું પણ નાનું મોટું કામ કરે પછી સામેની વ્યક્તિમાં જીવનભર તે મહિલા માટે બહેન, માતા કે દીકરીનો ભાવ જાગે તેવો મહિલાનો સ્વભાવ અને તેનો લોકો સાથેનો માનવતાભર્યો વ્યવહાર કેટલો સુંદર હશે તો જ આમ બને.
આ વાત છે આપણા ભૂતપૂર્વ (અભૂતપૂર્વ) વિદેશ મંત્રી શ્રી સુષ્મા સ્વરાજની. દુનિયાભરના લોકો નાના માણસથી માંડી મોટા હાઈ કમિશ્નર હોય તો પણ તેમને એક રાજકારણી નહીં પણ એક ઉમદા વ્યક્તિ તરીકે યાદ કરે છે.
તેમની સાથે વિદેશયાત્રાએ ગયેલા દુરદર્શનના એક પત્રકારે કહેલું તેમની સાથે રહ્યા એટલા દિવસ અમને માતાની ખોટ સાલી નહોતી. નાના મોટા બધાની રહેવાની અને ભોજનની સગવડનું તેઓ ખાસ ધ્યાન રાખતા. આપણા દેશની મુકબધિર ગીતા ૨૦ વર્ષ પહેલા ભૂલથી સરહદ પાર કરી પાકિસ્તાન પહોંચી ગયેલી તેને ખુબ પ્રયત્નોના અંતે ભારતમાં પાછી સુષ્મા સ્વરાજ લાવ્યા.
હૈદ્રાબાદની જૈનમબીબી સાઉદીમાં ફસાઈ ગઈ હતી. તેને હૈદ્રાબાદ પહોંચાડી. વકીલ હરીશ સાલ્વે હોય કે વડીલ રાજકારણી લાલકૃષ્ણ અડવાણી હોય દરેકનું અંગત ધ્યાન એવું રાખે કે તેઓની પોતાની બહેન–દીકરી જ માને. હમીદ અન્સારી જેવા સેંકડો શ્રમિકો જેઓ વિદેશ કોઈને કોઈ કારણસર ફસાયેલા હોય તેમને દેશમાં લાવવાનું ભગીરથ કાર્ય શ્રી સુષ્મા સ્વરાજે કરેલું હતું.
પોતાનું કામ પૂર્ણ થયા પછી પણ અમુક દિવસ પછી તે વ્યક્તિને સામેથી ફોન કરી ‘હવે બધું બરાબર છે ને, તું તારા પરિવાર સાથે સલામત છે ને…’ આવું પૂછનાર વ્યક્તિ સુષ્મા સ્વરાજ હતા. આ સમર્પણ, હુંફ અને પ્રેમ ભાવનાને લીધે જ લોકોને તેમનામાં બહેન ના દર્શન થતા.
છેલ્લો બોલ :
“દલીલથી હરાવવાનું એને, પોસિબલ નહોતું,
તો મૌનથી જીતવાનું પણ ઈમ્પોસિબલ નહોતું.”
કવિ રોહિત શાહ
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૭૧ – ૦૬/૦૮/૨૦૨૦