એપ્રિલ ૨૦૧૩ : ભારતમાં પહેલી હિન્દી ફિલ્મ ‘રાજા હરીશચન્દ્ર’ દાદા સાહેબ ફાળકેએ બનાવી રજુ કરી. તેમના સ્વપ્ના ચકનાચુર થઇ ગયા. પાંચથી છ કલાક લાંબુ નાટક જીવંત પાત્રો સાથે અને માત્ર અડધો આનો (ત્રણ પૈસા) માં જોવા ટેવાયેલા પ્રેક્ષકોએ પડદા પર પ્રથમ વાર રજુ થયેલી આ ફિલ્મ ન સ્વીકારી.
‘રાજા હરીશચન્દ્ર’ ૪૦ મિનિટની ફિલ્મ અને વળી જોવાનો ભાવ એક આનો (છ પૈસા). ડબલ પૈસા અને ઓછો સમય પ્રેક્ષકોને અનુકુળ ન આવ્યો. શરૂઆતમાં ફિલ્મને મળેલા નબળા પ્રતિશાદ છતાં દાદા સાહેબ ફાળકે હિંમત ન હાર્યા. ફિલ્મના શો પહેલા ડાન્સનો લાઈવ શો રાખ્યો. અને ફિલ્મના પ્રચાર માટેના પોસ્ટરો અને વર્તમાનપત્રોમાં ફિલ્મની લંબાઈની વાત કરી. ’૫૦ હજાર સ્ટીલ ફોટોગ્રાફ્સથી બનેલ, રસ્તા પર પાથરો તો બે માઈલ લાંબી ફિલ્મ.’ આ ઉપાય સફળ નીવડ્યો. પછીથી ફિલ્મ ખુબ ચાલી.
ફેબ્રુઆરી ૧૯૯૬ : ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ સંયુક્તપણે યોજેલ ક્રિકેટ વર્લ્ડકપ. મુખ્ય સ્પોન્સરર હતું ઠંડું પીણું, ‘થમ્સઅપ’. થમ્સઅપે ઘણા પૈસા ખર્ચી સ્પોન્સરશીપ મેળવી હતી. તેઓ જાહેરાતમાં લખતા, ‘ઓફિસીયલ ડ્રીંક ઓફ વર્લ્ડકપ’.
તેમનું વેચાણ વધે તે પહેલા જ તરત જ પેપ્સી પીણાએ જાહેરાત બનાવી અને સ્લોગન મુક્યું, ‘પેપ્સી – નથિંગ ઓફિસિયલ એબાઉટ ઈટ.’ આ સ્લોગન તેઓએ સચિન તેન્દુલકર, શેન વોર્ન, અમ્પાયર ડીકી બર્ડ અને કર્ટની વોલ્શ પાસે બોલાવડાવ્યું. ભારતની યંગ જનરેશનમાં આ સ્લોગન એટલી હદે પસંદ આવ્યું અને લોકોએ પેપ્સીને પસંદ પણ કરી. ઠંડા પીણાનો ૬૦%થી વધુ વેચાણમાં હિસ્સો પેપ્સીએ કવર કર્યો.
સફળ વ્યક્તિઓ કે સંસ્થાઓ શરૂઆતમાં નિષ્ફળતા મળવા છતાં ક્યારેય પોતાના હથિયાર હેઠા નથી મુકતી. તેઓ પોતાના હથિયારની ધાર વધુ શાર્પ બનાવી તેનો બીજી રીતે ઉપયોગ કરે છે. નાસીપાસ થવાને બદલે પોતાના કામની કે પ્રોડક્ટની પદ્ધતિમાં થોડો ફેરફાર કરી ફરી રણમેદાનમાં ઉતરે છે. આખી દુનિયાએ માની લીધું હોય કે તેઓ ફિનિશ્ડ થઇ ગયા છે ત્યારે પણ પોતાના પરના આત્મવિશ્વાસ અને પ્રયત્નો પરની શ્રધ્ધાને કારણે રાખમાંથી બેઠા થઈ સફળતાના શિખરો પર પહોંચે છે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૨૭ – ૨૩/૦૬/૨૦૨૦
