એક નિરાશ વ્યક્તિ એક વખત એક સંતને મળવા ગઈ. તેમણે સંતને કહ્યું, ‘હું જીવનથી ખુબ દુઃખી છું અને મારે મારા જીવનનો અંત લાવવો છે. સંત તે વ્યક્તિને આશ્રમની બહાર એક ઝાડી ઝાંખરા વાળા ભાગમાં લઈ ગયા. અને કહ્યું, ‘અહી તું થોડું ખુલ્લા પગે ચાલી બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ પેલા ભાઈ ઝાડી વાળા ભાગમાં ખુલ્લા પગે ચાલવા લાગ્યા. અને સંત પાસે આવ્યા ત્યારે તેમના પગમાં ઘણા કાંટા ખુંપી ગયા હતા. તેમણે એક પછી એક બધા કાંટા ધીમેથી કાઢ્યા. બધા જ કાંટા નીકળી ગયા અને સંત સામે જોયું.
સંતે કહ્યું, ‘તારે આ જ વસ્તુ તારા જીવનમાં પણ કરવાની છે. એક પછી એક દુઃખ ધીરે ધીરે નીકળી જશે. કાંટા પગમાં ખુંપી ગયા તેનો અર્થ એ નથી કે પગ કાપી નાખવાનો, પણ જેમ એક પછી એક ધીમેથી બધા જ કાંટા તે દુર કર્યા તેમ જીવનમાં પણ ઘણી વાર એક સાથે ઘણીદુઃખદાયક ઘટના આવી પડે તો જીવનનો અંત લાવવો તે નિરાકરણ નથી પણ એક પછી એકબધા દુઃખ અને તકલીફ આનંદમાં રહી દુર કરવાનો પ્રયત કરવો પાછુ બેઠા થવું અનેજીવનને ગતિમાં લાવવું.’
જે લોકોએ જીવનમાં ખુશ અથવા આનંદમાં રહેવું છે તેમણે એક વાત સમજી લેવી જોઈએ કે, ‘જીવનમાં દરેકને દરેક વસ્તુ મળતી નથી.’
જીવનમાંદરેક દિવસ સફળ અને સારો જાય તે જરુરી નથી પણ એ નક્કી જ છે કે દરેક દિવસમાંકોઈ સારી વાત રહેલી હોય છે ફક્ત આપણને એ શોધતા આવડવી જોઈએ.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી 8 – 04/06/2020